જે માણસ ને એક ગ્લાસ દારૂ પીવડાવી તને મારવા ઉકસાવી શકાય, તો તેને તારા લગન માટે મનાવી ના શકાય ???”

Spread the love

હું, પકો, દીનુ, સરકાર, બોડીયો, સોનુ, સંદીપ, રઘુ અમે બધા રાત્રે પ્રકાશ (ચા વાળા) ની લારી પર ભેગા થતા. અને લારી બંધ થાય પછી લારી પાછળ કોર્પોરેશન ના ફૂટપાથ પર ખુરશી નાખી રાતના બે ત્રણ વાગ્યા સુધી બેસતા, ગપ્પા મારતા ને પછી છુટા પડતા. અમારા માંથી લગભગ બધા ગ્રેજ્યુએટ હતા પણ બેકાર હતા. દિવસે કામ શોધવા નીકળી પડતા અને કામ ન મળતા ભર-દિવસે પણ અંધકારમય જિંદગી ને કોસતા અને રાત્રે ભેગા થઇ સૌ ખુબ મસ્તી કરતાં, હસતા, એક બીજાની ઉડાવતા આમ રાત ના અંધારા માં પણ મિત્રો સાથે અમે ઝગમગી ઉઠતા, એવી દોસ્તી હતી અમારી!!! અમારી આ આઠ જણ ની ગેન્ગ માં થોડા સમય પહેલા જ બે જણ ઓર ઉમેરાયા હતા એક કમલેશ અને બીજો વિશાલ, આ બંને અમારી ચાલ માં નવા રહેવા આવ્યા હતા. એક દિવસ બધા રોજ ની જેમ બેઠા હતા ત્યાં ટીનો અને ભાભી (મીનાક્ષી રાજે) રોડ પર બાઈક થી જતા હતા. અમને જોઈ ટીના એ બ્રેક મારી બાઈક ઉભી કરી દીધી. અને ટીનો બાઈક પાર્ક કરી દોડતો અમને મળવા આવી ગયો. બધા મસ્તી માં આવી ગયા ભાભી પણ અમને મળવા આવ્યા, થોડા જુના દિવસો યાદ કર્યા. મેં નવા આવેલા કમલેશ અને વિશાલ ની ઓળખાણ કરાવી અને તેમને જણાવ્યું કે ટીનો પણ એક જમાના માં અમારી સાથે બેસતો. પણ હવે લગ્ન થી ગયા છે એટલે આપણી જોડે બેસવાનું ઓછું થઇ ગયું. આમ ટીનો અને ભાભી “બાય” કહી નીકળ્યા. અમે પાછા પોતપોતાની ખુરશી પર પાછા બેસી ગયા. એટલા માં કમલેશે મને પૂછ્યું :”બંને ના લવ મેરેજ થયા તેમ લાગે છે???”
આ સાંભળી હું હસ્યો અને સાથે સાથે બધા હસવા લાગ્યા એટલે કમલેશ ને કુતુહુલ થયું અને પૂછ્યું : ”કેમ બધા હસો છો?? જરૂર કોઈ કાંડ હશે???”
“અલ્યા, તું સાંભળીશ તો તું પણ હસીશ”
કમલેશ અને વિશાલ ની તરફ નજર ફેરવી તેમને રસ પડ્યો હોય તેમ મને લગ્યું એટલે તરતજ મેં તેમની પ્રેમ કહાની ચાલુ કરી.

“સાંભળો, આ વાત છે જયારે અમે કોમર્સ ના લાસ્ટ ઈયર માં હતા. રોજ હું અને ટીનો બસ માં કોલેજ જતા. અને એજ બસ માં મીનાક્ષી રાજે પણ આવતી. રોજ બસમાં ટીનો મીનાક્ષી ને જોયા કરે અને મીનાક્ષી ટીના ને. થોડા જ દિવસ માં મને ખબર પડી ગઈ કે ટીના નું દિલ મીનાક્ષી પર આવી ગયું છે. અને મને ખબર હતી કે આ ફટટુ ટીનો આમ ને આમ સમય પસાર કરશે અને મીનાક્ષી કોઈ બીજાની થઇ જશે. એટલે મેં મનોમન નક્કી કરી લીધું કે જેવો મોકો મળે કે મીનાક્ષી જોડે ટીના ની વાત કરી દઉં. મારે પણ ઝાઝી રાહ જોવી ના પડી. એક દિવસ બસ માંથી ઉતરતી વખતે મીનાક્ષી મારી આગળ હતી ને હું તેની પાછળ, મેં મોકો જોઈ તરતજ મીનાક્ષી ને કહી દીધું :”આમ એક બીજા ને જોયા જ કરશો કે બીજું કઈ કરશો?????”

તેને પાછળ જોઈ મને તરતજ ચોપડી આપ્યું :”તમારો ભાઈબંધ છે જ એવો….., તમે મારી સાથે વાત કરી શકો તો તે કેમ ના કરી શકે, એટલી તો હિંમત જોઇયે કે નહિ ???”
મારું મીનાક્ષી માટે નું અનુમાન સાચું નીકળ્યું, તે મને આખાબોલી લાગતી અને તેવીજ નીકળી. આમ તેનો ગુસ્સો વ્યાજબી હોઈ, મેં તેને શાંત પાડી. મને લાગ્યું કે આજ મોકો છે ટીના માટે. એટલે મેં તેને તરતજ કીધું :” કાલે સવારે, તું કોલેજ જવા નીકળે છે ને, બસ ત્યારે તૈયાર રહેજે, તુષાર (ટીનો) મળશે તને”
મીનાક્ષી:”એને કહેજે કે આમતેમ જોઈ ને પછી વાત કરે, પાછું કોઈ જોઈ ના જાય”
“ચોક્કસ” કહી હું તરતજ ટીના ને મળ્યો અને ટીનાને બધી વાત કરી. ટીના ને રાતોરાત એક બાઈક નો બન્દોબસ્ત કરી આપ્યો. મેં ટીના ને સમઝાવી દિધો કે સવારે જેવી મીનાક્ષી બસ સ્ટેન્ડ પહોચે એટલે બાઈક લઇ પહોચી જજે. સવારે મારા કહ્યા મુજબ સવારે સરસ ગીફ્ટ લઈ પહોચી ગયો. અને મીનાક્ષી પણ તેની બાઈક પાછળ બેસી ગઈ. આ બધું અમે દુર થી જોતા હતા, આમ ટીના નું કામ બની ગયું એટલે બધા આનંદ થી હોહા કરવા લાગ્યા. આમ બંને નું કામ તો બની ગયું. એક દિવસ મીનાક્ષી એ ટીનાને સાંજે પાંચ વાગે ઘરે બોલાવ્યો (કારણ તેના પપ્પા ને દારૂ પીવાની ટેવ હતી અને તે સાંજે બરોબર પાંચ વાગે એટલે પીવા નીકળી પડતા). એટલે ટીનો મારી પાસે મદદ માટે આવ્યો, એમાં હતું એવું કે અમારી ચાલ ની નજીક એક ત્રણ માળ ની વસાહત માં મીનાક્ષી પહેલા માળે રહેતી હતી. તેના ઘર ની પાછળ ની બાજુ એક બાલ્કની હતી મારે ટીનાને ટેકો આપી બાલ્કની સુધી પહોચાડી દેવાનો એટલે ટીનો બાલ્કની માં પહોચી જાય અને મીનાક્ષી દરવાજો ખુલ્લો રાખે ને ટીનો મીનાક્ષી ને ઘરમાં જઈ મળી શકે. અને પછી મારે આગળ આવી રાહ જોવાની કે મીનાક્ષી ના પપ્પા વચ્ચે આવી ન જાય, અને જો ન કરે ને આવી જાય તો પાછળ જઈ બંને ને એલર્ટ કરી દેવા ના. મેં “હા” કહી અને તેજ સાંજે બરોબર પાંચ વાગ્યા ને મીનાક્ષી ના પપ્પા પીવા નીકળ્યા અને મેં ટીનાને બાલ્કની થી ચડાવી મીનાક્ષી ના ઘરે મોકલી દિધો.

આ સાંભળી કમલેશ બોલી ઉઠ્યો :”યાર, રિસ્કી કામ છે??, પછી શું થયું ??”

“પછી, આ તો રોજનું થઇ ગયું, હું રોજ જેવા તેના પપ્પા પીવા નીકળે કે તરતજ તેને પાછળ થી બાલ્કની માં ચડાવી દઉં અને આગળ આવી ચોકી કરું. આમ મારું કામ તેના પપ્પા જલ્દી આવી ન જાય તે જોવાનું. અને પપ્પા આમ તો જલ્દી આવતા ન હતા, એટલે ટીનો મીનાક્ષી ને કલાક જેવું મળી આગળ ના દરવાજે થી ધીરે થી નીકળી દાદરા ઉતરી નીચે આવી જતો. પછી થોડે આગળ થી અમે ભેગા થઇ જતા. હવે થયું એવું કે એક દિવસ મીનાક્ષી ના પપ્પા ખુબ પીધેલી હાલત માં વહેલા આવી ગયા. હું કઈ કરું તે પહેલા ઉપર પહોચી ગયા ને ટીના ને ઘરમાં જોઈ જે ધોયો છે, જે ધોયો છે. ટીના ને માર ખાતો જોઈ એક તરફ મને દયા આવે અને એક તરફ હસું પણ આવે. આખી વસાહતી ની સામે ટીના ને ધોઈ નાખ્યો, બિચારો ટીનો નીચું મોઢું રાખી ચાલવા માંડ્યો. થોડે દુર થી હું પણ તેના સાથે થઇ ગયો. સુઝેલ મોઢે ટીનો બોલ્યો: ”એના બાપની તો….. સાલા…. દારૂડિયા ને.. જોઈ લઈશ… મીનાક્ષી નો બાપો હતો એટલે જવા દિધો, પણ સાલા એ એક ક્ષણ પણ મારી દયા ખાધી નહિ,!!”
મને તેની હાલત જોઈ દયા ની જગ્યા એ હસું આવવા લાગ્યું એટલે ટીનો મારી પર બરાબર ચિડાયો અને એક ક્ષણ માટે વિચાર માં પડ્યો અને તરતજ બોલ્યો:”સાલું, એના પપ્પા ને ખબર કેવી રીતે પડી?” હું ફરી હસ્યો એટલે ટીનાને મારા પર શંકા ગઈ અને ઈશારા થી પૂછ્યું :”શું તે કીધું ??? તેના…. પપ્પા ને…, બોલ??” એનો ગુસ્સો જોઈ મેં મારા ચપ્પલ હાથમાં લીધા અને એને “હા… મેં જ કીધું.. તું ઉપર હતો ત્યારે આજે મેં જ તેમને પીવડાવ્યું અને તારા અને મીનાક્ષી વિશે કહી દીધું… “ આટલું બોલી જે હું ભાગ્યો છું. ટીના ની હાલત એવી કે કાપો તો લોહી ના નીકળે. હવે તેનો ગુસ્સો બે કાબુ થઇ ગયો હતો તેને તેના દાત કાચકચાવી આમ તેમ જોયું ત્યાં મોટો પથ્થર પડ્યો હતો તેને સીધો પથ્થર ઉઠાવ્યો ને મારા પર ફેક્યો, હું બચી ગયો એટલે મને વધારે હસું આવ્યું અને તેને ગુસ્સો.
“સાલા, કેમ આવું કર્યું, દોસ્ત છે કે દુશ્મન” એમ કહી ખુલ્લા મેદાન માં મારી પાછળ દોડ્યો
મેં દોડવાનું ચાલુ રાખ્યું અને દોડતા દોડતા પાછળ જોઈ ટીના ને કીધું :”મજાક કરી યાર, એમાં શું??”
જે પછી ટીનનો જે મિજાજ ગયો છે…. બે ત્રણ પથ્થર ઉઠાવી “સાલા…. કુતરા… આ તે કઈ મજાક ???” બોલી પથ્થર મારા પર ફેક્યા, પણ તેના નસીબ ની જેમ તે પણ કાચા પડ્યા અને હું ભાગી ગયો.

મારી આ મજાક થી મને ખબર હતી કે જો બેચાર દિવસ માં ટીના ને મળવા ગયો તો મને આખો ને આખો ગળી જશે. એટલે પંદર દિવસ હું ભાગી ગયો. સોળમાં દિવસે હું જેવો પાછો આવ્યો, અને જેવી મારા આવવાની ખબર ટીના ને મળી કે ટીનો મારી સામે આવી ગયો અને કઈ પણ વિચાર્યા વગર “સાલા આવું કરવાનું” એમ બોલતો ગયો મને ફેટો મારતો ગયો… હું હસતો ગયો.. મારતા મારતા તેને મને ધક્કો માર્યો અને હું પડી ગયો. પડેલી હાલત માં મેં તેની તરફ હાથ લંબાવ્યો અને મજાક માં બોલ્યો : ”ચલ, છોડ બધી વાત, એક ખુશ ખબર છે!!!!”
આટલો ગુસ્સામાં હોવા છત્તા તે બોલી ઉઠ્યો : “શું….. સાની, ખુશ ખબર?????”
“તારા સસરા ને મળવા જવાનું છે, તારા લગન ની તારીખ નક્કી કરવા” મેં હસતા હસતા કહ્યું.
આ વાક્ય સાંભળી અસમંજસ માં તેને મને હાથ આપી ઉભો કર્યો:” એટલે????”
“જે માણસ એક ગ્લાસ દારૂ નો પીવડાવી તને મારવા ઉપસાવી શકે, તો તેને તારા લગન માટે માનવી ના શકે????”
“સાચ્ચે…… ખરેખર….. બોલે છે તું ???? ખા તારી માના સમ….” ટીના એ ગદગદ થઇ કીધું.

“છોડ માને, આપડી દોસ્તી ની કસમ” મેં જેવું કીધું કે જે ટીનો મને વળગ્યો છે. ટીના ને આટલો ખુશ મેં ક્યારેય ન હતો જોયો. હું અને ટીનો બંને તેના પપ્પા ને મળવા ગયા તેના પપ્પા એ બંને ને લગ્ન ની મંજુરી આપી. આટલું બોલી મેં ઉન્ડો શ્વાસ લીધો.

કમલેશ અને વિશાલ બંને સાંભળતા રહી ગયા. કદાચ તેમને મારી સહજ મજાક કરવાની આદત અને ગંભીરતા બંને નો ખ્યાલ આવી ગયો હતો. અને ત્યાર પછી તે બંને મારા ખુબ નજીક ના યાર બની ગયા.

  • વાંચકો આપને આ સ્ટોરી કેવી લાગી ? આપ જો કોઈ કોમેન્ટ કરવા માંગતા હોય તો Leave a Reply માં જઈને કોમેન્ટ કરી શકશો. આ ઉપરાંત તમે અમારા whatsup no 7016252600 પર કોમેન્ટ કરીને જણાવી શકો છો.