ધોરણ 10ની પરીક્ષામાં નાપાસ થવાના ડરે આત્મહત્યા કરનાર વિદ્યાર્થિની પાસ થઈ, માતા-પિતા ચોંધાર આંસુએ રડ્યા..

વડોદરા, એજ્યુકેશન-મિ.રિપોર્ટર, ૨૧મી મે

ધો-10ની પરીક્ષા પૂર્ણ થયા બાદ 20 માર્ચે ફાંસો ખાઇ આત્મહત્યા કરનારી કાજલ તડવી એ  ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે  જાહેર કરેલા ધો.૧૦ ના પરિણામમાં 42 ટકા સાથે પાસ થઇ છે. મૃત પોતાની વ્હાલસોયી દીકરીનું પાસનું પરિણામ હાથમાં લઇને  માતા-પિતા ચોંધાર આંસુએ રડી રહ્યા છે. 

બોર્ડ દ્વારા આજે ધોરણ-10નું પરિણામ  જાહેર થતા જ  પાસ થયેલા વિદ્યાર્થીઓના પરિવારમાં ખુશીનો માહોલ હતો. પરંતુ કાજલ તડવીના પરિવારમાં ગમગીની હતી. આર્યકન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી કાજલનું પરિણામ લઇને ઘરે પરત ફરેલા માતા-પિતા પાસ થયેલી કાજલનું પરિણામ લઇને ઘરે આવ્યા બાદ ચોંધાર આંસુએ કાજલને યાદ કરીને રડી રહ્યા છે.

કાજલની માતા સવિતાબહેને રડતા રડતા જણાવ્યું હતું કે, કાજલના મૃત્યું બાદ તેની યાદ મને સતત સતાવી રહી છે. કાજલ ટ્યુશનથી ઘરે આવે ત્યારે ઘરનો ઉંમરો ચઢતા પહેલાં મને બુમ મારતી હતી. સ્કૂલેથી આવે ત્યારે મમ્મી..મમ્મી..કરતી મારી પાસે દોડી આવતી હતી. અને સ્કૂલમાં પસાર કરેલા દિવસ અંગે મને જણાવતી હતી. કાજલ હંમેશા મને કહેતી હતી કે, મારો જન્મ દિવસ દરેક વર્ષે મનાવજે. ગત વર્ષે પણ મેં કાજલનો જન્મ દિવસ ઉછીના પૈસા લાવીને મનાવ્યો હતો. કાજલ અંતિમ પગલું ભરી લેશે તેવું અમને સ્વપ્નમાં પણ ન હતું. તે કાયમ ખુશ રહેતી હતી. કાજલને હું અને તેના પપ્પા રાત-દિવસ મજૂરી કરીને તેની ઇચ્છા મુજબનું શિક્ષણ આપવા માંગતા હતા. ધોરણ-10માં તેણે ટ્યુશન ક્લાસ રાખવા માટે જણાવતા તેનું ટ્યુશન પણ રખાવ્યું હતું. પરંતુ ધોરણ-10ની પરીક્ષા આપ્યા બાદ તે ચિંતામાં આવી ગઇ હતી. મેં તેણે કહ્યું હતું કે, તું પાસ થઇ જઇશ. પણ કદાચ તેણે નાપાસ થવાનો ડર લાગતો હતો. તેથી જ તેણે આપઘાત કરી લીધો હતો.

શહેરના ભૂતડીઝાંપા નજીક રામદેવપીરની રહેવાસી કાજલના માતા-પિતાએ જણાવ્યું હતું કે, કાજલ મૃત્યુ બાદ ઘરમાં રહેવું અમારા માટે મુશ્કેલ થઇ ગયું છે. તેની યાદ અમારા મગજમાંથી જતી નથી. આથી આજે અમે આ ઘર કાયમ માટે ખાલી કરીને કિશનવાડીમાં ભાડાના મકાનમાં રહેવા જઇએ છે. કદાચ નવા મકાનમાં ગયા બાદ અમે કાજલની યાદોને ભૂલાવી શકીએ. બસ અમારે હવે અમારા પુત્રને ભણાવીને કાજલની ઇચ્છા પૂરી કરવાની છે.