પાદરાના બજારો સ્વયંભૂ બંધ રહ્યા
વડોદરા-મિ.રિપોર્ટર, ૩૦મી માર્ચ
વડોદરા જિલ્લાના પાદરા ચોક વિસ્તારમાં રામચરણજી મહારાજ શાહપુર રાજસ્થાનની ગાદીનું રામદ્વારા મંદિર આવેલું આવેલું છે. આ મંદિરના મહંત કોમલરામજી મહારાજ આજે વહેલી સવારે 65 વર્ષની ઉંમરે દેવલોક પામ્યા હતા. બપોરે નીકળેલી મહંતની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા હતા.પાદરા ચોકબજારમાં આવેલા રામદ્વારા મંદિરના મહંત કોમલરામજી મહારાજનું નિધન થતાં તેમના અનુયાયીઓ ઘેરા શોકમાં ઘરકાવ થઇ ગયા હતા.
મહંત દેવલોક થયા હોવાના સમાચાર પ્રસરતા શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં મહંતના અંતિમદર્શન માટે પહોંચી ગયા હતા. આ સાથે 12 વાગે નીકળેલી તેઓની અંતિમયાત્રામાં તેમના અનુયાયીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ચોક બજાર વિસ્તારના નાના-મોટા વેપારીઓ સ્વ.ના માનમાં બજારો બંધ રાખ્યા હતા. રામ..રામ..ના જય..જય..કાર સાથે મહંતની અંતિમ યાત્રા નગરમાં ફર્યા બાદ મોક્ષધામ પહોંચી હતી. જ્યાં તેમની અંતિમવિધી કરવામાં આવી હતી.