એજ્યુકેશન ,મિ.રિપોર્ટર, ૫મી મે.

આજના સમયમાં દરેક યુવાન પોતાની દેશ પ્રત્યેની ફરજ નિભાવવા કરતાં પહેલા પોતાના વિશે અને પરિવાર અંગે ચિંતા કરે છે અને વિચારે છે. પરંતુ શહેર નજીક આવેલી પારૃલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસથી સાથે સાથે પોતાના કરતાં પહેલા દેશ અને સમાજ માટે વિચારવા માટે સતત પ્રેરણા અને શિક્ષણ આપવામાં આવે છે. જેનું જીવંત ઉદાહરણ પારૃલ યુનિવર્સિટીનો પૂર્વ વિદ્યાર્થી વિવેક પટેલ બન્યો છે. પુલવામામાં સીઆરપીએફના ૪૫ જવાનોની શહાદતના સમાચાર સાંભળી વિવેકને ઘણું જ દુઃખ થયું હતું. તેને શહીદ જવાનોના પરિવારનો વિચાર આવ્યો ત્યારે તેને થયું કે હવે, આમની મદદ કોણ કરશે. જે વિચાર સાથે જ તેને ફેસબુકના માધ્યમથી ફંડ રેઝરની શરૃઆત કરી હતી. જે ફંડ રેઝરના માધ્યમથી એકઠી થયેલી રકમ શહીદ પરિવારને આપવામાં આવનાર છે. વિવેક દ્વારા શરૃ કરવામાં આવેલા ફંડ રેઝરમાં કુલ ૧ મિલિયન ડોલર એટલે કે ભારતીય રૃ. ૭ કરોડનું ફંડ એકઠું કરવામાં આવ્યું છે.

વિદેશમાં રહેતા ભારતીઓને ભારત કે વીર વેબસાઇટ પર ડોનેશન કરવામાં તકલીફ પડતી હતી. જે તકલીફનો સામનો વિવેક પટેલે પણ કરવો પડયો હતો. જેથી તેને ફેસબુકના માધ્યમથી ફંડ રેઝરની શરૃઆત કરી હતી. વિવેકનો ટાર્ગેટ ૫ લાખ યુએસ ડોલર એકઠા કરવોનો હતો. જોકે, ફંડ રેઝર એકાઉન્ટ શરૃ કર્યાના માત્ર બે દિવસમાં તેને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. જેના કારણે તેના ટાર્ગેટ કરતા ઘણી વધારે રકમ તે એકઠી કરી શક્યો હતો. માત્ર એક જ સપ્તાહના સમયમાં વિવેક દ્વારા બનાવવામાં આવેલા ફંડ રેઝર એકાઉન્ટમાં એક મિલિયન ડોલરની રકમ એકઠી થઇ ગઇ હતી. સિનિયર બિઝનસ એનાલીસ્ટ તરીકે વિવેકના ઘણા સંબંધો હતા. તેને તે તમામ થકી લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત તેને ફેસબુક મેનેજરની પણ મદદ લીધી અને એક લીંક બનાવી તેનો બહોળો પ્રચાર કર્યો હતો.

વિવેકે જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિના જીવનમાં એક પળ એવી આવે છે, જ્યારે તે પોતાની જાતને ભૂલીને સમાજ માટે અથવા દેશ માટે કંઇક કરવાનો નિર્ણય લેતા હોય છે. મેં ઉરી ધી સર્જીકલ સ્ટ્રાઇક ફિલ્મ જોવાનું હજી પુર્ણ જ કર્યુ હતું. મને તે સમયે ખરેખર પહેલી વખત દેશના વિર જવાનોની દેશ પ્રત્યે તેમજ તેમના પરિવાર પ્રત્યેના બલીદાન વિષે જાણવા મળ્યું હતું. તેજ પ્રમાણે પુલવામાની ઘટનામાં શહીદ થયેલા ૪૫ જવાનો જ નહીં તેમના પરિવારે પણ અનેક બલીદાન આપ્યા છે. કોઇક બહેને તેનો ભાઇ, કોઇક માતાએ દિકરો, કોઇક પત્નીએ પતિ તો કોઇક બાળકે પિતા ગુમાવ્યા હતા. પરીવારના આ બલીદાનને સમજી શકવું દરેક માનવી માટે શક્ય નથી હોતું. જેથી જ મારા દેશ પ્રત્યેને મારી જવાબદારીના ભાગરૃપે હું શહીદ જવાનોના પરિવાર માટે કંઇક કરવા ઇચ્છતો હતો. જેથી હું સીધો જ સોશિયલ મિડિયા પર ગયો અને મારા કોન્ટેકને લઇને એક ફંડ રેઝર એકાઉન્ટ બનાવ્યું. શરૃઆતમાં મને અનેક પ્રશ્નો થયા કે આ ફંડને ટ્રાન્સફર કઇ રીતે કરીશ, ક્યાં તેનો કઇ રીતે ઉપયોગ કરીશ પરંતુ બીજી તરફ તે ફંડ રેઝરમાં સતત ફંડ આવવાની શરૃઆત થઇ ગઇ હતી. જેમાં માત્ર અમેરીકામાં રહેતા ભારતીઓ જ નહીં મારા અન્ય મિત્રો ઉપરાંત કેનેડા સહિતના અન્ય દેશોના લોકોએ પણ મદદ કરી હતી. જે મારી માટે ખરેખર ગર્વની વાત હતી. યુએસના ભારતીય દુતાવાસ દ્વારા પણ મારી આ મુહીમમાં મારો સાથ આપ્યો અને ફંડને ભારત ટ્રાન્સફર કરવામાં મારી મદદ કરી હરી.

પારૃલ યુનિવર્સિટીમાં એન્જિનિયરીંગમાં બેચલરનો અભ્યાસ પૂર્ણ કરી વિવેક પટેલ વધુ અભ્યાસ અર્થે યુએસએ ગયો હતો. જ્યાં અભ્યાસ પૂર્ણ કરી તેણે પોતાનું પ્રોફેશનલ કરીયર વર્જિનિયાથી શરૃ કર્યુ છે. ભારતથી દૂર રહેવા છતાં દેશ પ્રત્યેનો તેનો પ્રેમ અને દેશ માટે કંઇક કરવાની તેની ભાવના સમગ્ર વિશ્વને જોઇ છે. પુલવામામાં આતંકીઓ દ્વારા જે રીતે ભારતીય જવાનોના વાહનને બોંબથી ઉડાવી દેવામાં આવ્યું હતું તે ઘટના ખરેખર દેશના દરેક વ્યક્તિ માટે દિલ દહેલાવનારી ઘટના હતી પછી ભલે તે દેશમાં રહેતો હોય કે પછી વિશ્વના અન્ય કોઇ દેશમાં વસવાટ કરતો હોય. અમારી પારૃલ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી વિવેક પટેલ દ્વારા લેવામાં આવેલા સન્માનીય પગલાથી મને ખુબજ ગર્વની લાગણી થાય છે. તેમજ માનવજાતમાં ભલાઇ અને માનવતા મરી નથી પરવારી તેના પણ દર્શન થયા હતા. ૨૬ વર્ષનો એક યુવાન પોતાની તમામ ઇચ્છાઓ અને જાતને બાજુમાં રાખી સીઆરપીએફના ૪૫ જવાનો અને તેમના પરિવાર માટે કંઇક કરવા માટે આગળ આવે તે મારી માટે જ નહીં સમગ્ર દેશ માટે ગર્વની વાત છે. વિવેકની આ ભવાન અને કર્મથી દેશના યુવાનોમાં દેશ માટે કંઇક કરવાની ભાવના ઉજાગર થશે. તેટલું જ નહીં દેશ માટે કંઇક પણ કરવા માટે કોઇ ઉંમર નથી હોતી કે તેને કોઇ દેશના સીમાડા નથી નડતા તે પણ આ કિસ્સાથી સ્પષ્ટ થાય છે. વિવેક ખરેખર એક સચ્ચા મોડેલ અને ઉદાહરણ તરીકે પારૃલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમજ દેશના યુવાનો માટે ઊભો થયો છે. તેમ પારૃલ યુનિવિર્સટીના પ્રમુખ ડો. દેવાંશુ પટેલે જણાવ્યું હતું.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: