નવી દિલ્હી, મિ.રિપોર્ટર, ૧૭મી જાન્યુઆરી.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા ડાન્સ બાર વિશે બનાવવામાં આવેલા કાયદા વિશે સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો નિર્ણય આપતાં હવે મુંબઈમાં ફરી ડાન્સ બાર ખુલી શકશે. જોકે કોર્ટે શરતો સાથે ડાન્સ બાર ખોલવાની મંજૂરી આપી છે.
સુપ્રીમ કોર્ટે તેમના ચુકાદામાં કહ્યું છે કે, ડાન્સ બારમાં હવે પૈસાનો વરસાદ કરી શકાશે નહીં. તે ઉપરાતં ડાન્સ બાર વિસ્તારમાં સીસીટીવી કેમેરાની જરૂર પણ નથી. કારણે કે આ લોકોની પ્રાઈવેસીનો સવાલ છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, વર્ષ 2005 પછી સરકાર દ્વારા એક પણ ડાન્સ બારનું લાઈસન્સ ઈશ્યૂ કરવામાં આવ્યું નથી. હાલના નિયમોના આધાર પર ડાન્સ બાર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી શકાય નહીં. ગયા વર્ષે 30 ઓગસ્ટે દરેક પક્ષની દલીલ સાંભળીને સુપ્રીમ કોર્ટે તેમનો નિર્ણય સુરક્ષીત રાખ્યો હતો.
સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું છે કે, બાર ડાન્સરોને અલગથી ટીપ આપી શકાશે. જોકે તેમના પર નોટ કે સિક્કા ઉછાળી શકાશે નહીં. મુંબઈમાં ડાન્સ બારને સાંજે 06.30થી રાતે 11.30 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની મંજૂરી આપવામાં આવી છે. ડાન્સ બાર માલીકોએ રાતે દોઢ વાગ્યા સુધી ડાન્સ બાર ખુલ્લા રાખવાની મંજૂરી માંગી હતી પરંતુ તે સુપ્રીમ કોર્ટે માન્ય રાખી નથી.