ઓવર સ્પીડ સામેના જાહેરનામાની ઐસી તૈસી, 110ની સ્પીડે જતી ઔડી કારનો અકસ્માત : પોલીસ તંત્ર કાર્યવાહી કરશે?

Spread the love

વડોદરા-ક્રાઈમ, મિ.રિપોર્ટર, ૨જી જુલાઈ

ઓવર સ્પિડના પોલીસ કમિશનરના અમલના ગણતરીના કલાકોમાંજ અકોડા-દાંડિયા બજાર બ્રિજ ઉપર મોડી રાત્રે 110 કિલો મીટરની સ્પિડે પસાર થઇ રહેલી AUDI Q-3 ડીવાઇડર સાથે ભટકાઇ હતી. સામાન્ય ઇજા પામેલા કાર ચાલકે બાઇક સવારને બચાવવા જતાં આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું.

શહેરમાં વાહન ચાલકોએ 40 કિ.મી.ની ઝડપ કરતા વધુ ઝડપે વાહન હંકારવું નહિં. તેવું શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અને તેનો તા.1લી જુલાઇથી અમલ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. પરંતુ, પોલીસ કમિશનરના આ જાહેરનામાને નેવે મૂકતા એક AUDI Q-3 કાર ચાલક મોડી રાત્રે 100 થી 110 ની સ્પિડે અકોટા-દાંડિયા બજાર બ્રિજ ઉપરથી નીકળ્યો હતો. અને ડીવાઇડર સાથે ભટકાયો હતો. કારના બોનેટનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ચાલકની એર બેગ પણ ખૂલી ગઇ હતી. જેથી ચાલકને આ ઘટનામાં સામાન્ય ઇજા પણ પહોંચી હતી. જોકે, લોકો એકઠા થાય તે પહેલાં કાર ચાલક સ્થળ પર કાર મૂકીને ફરાર થઇ ગયો હતો.

સ્થાનિક લોકોમાંથી માહિતી મળી હતી કે, રસ્તામાં બે કૂતરા આવી ગયા હતા. આ સાથે એક બાઇક ચાલક પસાર થતાં તેને કાર ચાલક બચાવવા જતા આ ઘટના બની હતી. મોડી રાત્રે અકોટા-દાંડિયા બજાર બ્રિજ ઉપર બનેલી આ ઘટના અંગે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. પરંતુ, સ્થળ ઉપર પડેલી કારના નંબરના આધારે પોલીસ કાર ચાલકને શોધી તેની સામે ઓવર સ્પિડ અંગે કાર્યવાહી કરશે?