કામના ભારણથી કંટાળી વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનના ASI એ અગ્નિસ્નાન કર્યું, હોસ્પિટલમાં દાખલ

Spread the love

વડોદરા-મિ.રિપોર્ટર, ૧૫મી માર્ચ

વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઇ.એ કામના ભારણથી ત્રાસી જઇ આજે સવારે અગ્નિસ્નાન કર્યું હતું.  જ્યાં ગંભીર રીતે દાઝી ગયેલા પોલીસ જવાનને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

વડોદરા શહેરના હરણી સવાદ ક્વાટર્સમાં રહેતા હસમુખભાઇ લલ્લુભાઇ પરમાર (ઉં.વ.56) સયાજીગંજ પોલીસ મથકમાં એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવે છે. આજે સવારે 10:30 વાગ્યે તેઓએ પોતાના ઘરમાં જ કેરોસીન છાંટીને દિવાસળી ચાંપી લીધી હતી. ભડભડ સળગી ઉઠેલા પોલીસ જવાનને તુરંત જ તેમનો પુત્ર મયુર સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર અપાવ્યા બાદ પરિવારજનો તેઓને વાઘોડિયા રોડની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા.

આપઘાતનો પ્રયાસ કરનાર પોલીસ જવાનના પુત્ર મયુરે જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં કામના રહેતા ભારણના કારણે પિતા સતત ટેન્શનમાં રહેતા હતા. દરમિયાન આજે સવારે તેઓએ કેરોસીન છાંટી સળગી જઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.