ઇન્ડિયન વિમેન્સ ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર અરોઠે 116 રણજી મેચ પણ રમી ચૂક્યા છે
વડોદરા-મિ.રિપોર્ટર, ૨જી એપ્રિલ
લોકસભાના માહોલની વચ્ચે જ દેશમાં IPL નો નશો લોકો પર છવાયેલો છે. જેન્ટલમૅન ગેમ ગણાતી ક્રિકેટમાં હવે મેચ ફિક્સિંગનું દુષણ પણ લાગી ગયું છે. આ દુષણની સાથે ક્રિકેટમાં હવે સટ્ટો રમીને રાતોરાત અમીર બની જવાના સ્વપ્ના પણ યુવાધનને ગુનાખોરી તરફ લઇ જાય છે. આમાં ભારતીય ક્રિકેટ ટીમના કોચ અને સભ્યો પણ બાકાત નથી. ઇન્ડિયન વિમેન્ટ ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર અરોઠે સહિત 19 વ્યક્તિઓ પ્રોજેક્ટર ઉપર દિલ્હી કેપિટલ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાતી IPLની ક્રિકેટ મેચ પર સટ્ટો પોલીસે રંગેહાથ ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સટ્ટોડીયાઓ મોબાઇલ ફોનમાં ક્રિકેટ ફાસ્ટ લાઇવ લાઇન, ક્રિકેટ ગુરૂ અને ક્રિક લાઇન એપ્લિકેશનનો ઉપયોગ કરીને ક્રિકેટ ઉપર સટ્ટો રમતા હતા.
ક્રાઇમ બ્રાંચના પી.આઇ. કે.જે.ધડુકે જણાવ્યું હતું કે, અલકાપુરી એક્ઝોટિકા ખાતે આવેલા કેફેની બાજુના શેડમાં કેફેના માલિકો દ્વારા પ્રોઝેક્ટરનો ઉપયોગ કરીને આઇ.પી.એલ.ની દિલ્હી કેપિટલ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાતી મેચ લાઇવ બતાવીને સટ્ટો રમાડતા હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે દરોડો પાડી 19 સટ્ટોડીયાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. જેમાંથી બાબા નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે સ્થળ પરથી 21 મોબાઇલ ફોન, પ્રોજેક્ટર, 9 ટુ-વ્હીલર અને ફોર વ્હીલર, પ્રોઝેક્ટર સ્ક્રિન મળી કુલ રૂપિયા 14,39,960નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
IPL પર સટ્ટો રમતા 19 સટ્ટોડિયાની પોલીસે ધરપકડ કરી, આ સટોડિયામાં કોણ કોણ છે ?
પોલીસે ઝડપી પાડેલા આરોપીઓમાં હેમાંગ ડી. પટેલ (રહે. પારસ સોસા., વારસીયા), કુશ પી. દેસાઇ (રહે. સત્તાર સોસા., કારેલીબાગ), નિશ્ચય ડી. મીથા (રહે. શરણમ ફ્લેટ, ફતેગંજ), શિવમ એસ. શાહ (રહે. સિધ્ધાર્થ નગર, કારેલીબાગ), કશ્યપ વી. વાઘાણી (રહે. ડોલર એવન્યુ, ઓ.પી. રોડ), અવતંશ આર. ગોસ્વામી (રહે. કુંજ સોસા., અલકાપુરી), હર્ષ એમ. શાહ (રહે. શ્રીસંગ સોસા., ફતેગંજ), કુદરત એમ. પરીખ (રહે. સંગમ સોસા., હરણી રોડ), રમીજરાજા ડી. સૈયદ (રહે. યાકુતપુરા), મહિલા રણજી ટીમના પૂર્વ કોચ તુષાર ભાલચંદ્ર અરોઠે (રહે. પ્રતાપગંજ, વડોદરા), સમીર એસ. શેખ (રહે. મધુવન સોસા., નવાપુરા), નિહાલ સી. પટેલ (રહે. ચંદ્રાવલી સોસા., કારેલીબાગ), રીષીલ એચ. બારોટ (રહે. જલસા એપા., સેવાસી), ઋત્વિજ આર. પંચાલ (રહે. વ્રજવિહાર, માંજલપુર), હર્ષ પી. ત્રિવેદી (રહે. સિલ્વર લીફ બંગલો, વાઘોડિયા રોડ), વ્રજ ડી. પટેલ (રહે. મોનાલી સોસા., કારેલીબાગ), આશુતોષ ડી. જયશ્વાલ (રહે. ચંદ્રનગર સોસા., વાઘોડિયા રોડ), અને રાહુલ બ્રિજેશ પટેલ (રહે. શ્રીજીવિલા સોસા., ન્યુ વીઆઇપી રોડ)નો સમાવેશ થાય છે.
તુષાર અરોઠે વર્ષ 2017-2018 દરમિયાન ઇન્ડિયન વિમેન્સ ટીમના હેડ કોચ તરીકે રહી ચૂક્યા છે
2008થી 2012 સુધી તુષાર અરોઠે ઇન્ડિયન વિમેન્સ ટીમના ફિલ્ડિંગ કોચ અને હેડ કોચ તરીકે કામ કરી ચૂક્યા છે. ત્યારબાદ વર્ષ 2017-2018 દરમિયાન ઇન્ડિયન વિમેન્સ ટીમના હેડ કોચ તરીકે રહી ચૂક્યા છે. કોચ અને મહિલા ટીમના કેટલાક ખેલાડીઓ વચ્ચેના સંબંધો વચ્ચે તાલમેલ ન હતો. જેથી તુષાર અરોઠેએ રાજીનામુ આપ્યું હતું.