ભારતમાં યોજાતા ભપકાદાર લગ્ન પ્રસંગની જેમ હોલમાં આયોજિત તુલસી વિવાહનું વિશ્વભરમાં જીવંત પ્રસારણ કરાયું : ભગવાનના લગ્નને હજારો શ્રદ્ધાળુઓએ માણ્યો. વેદોક્ત મંત્રોચ્ચાર, લગ્ન ગીતો અને કીર્તનના ગાન વચ્ચે તુલસી વિવાહ સંપન્ન.

એટલાન્ટા. અમેરિકા

અમેરિકાના એટલાન્ટા સિટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલીમાં શનિવારે ઢળતી સાંજે વરસાદી માહોલ વચ્ચે ભારે ઠાઠમાઠથી શ્રી ઠાકોરજી અને તુલસીનો ભવ્ય વિવાહ મહોત્સવ યોજાયો હતો. ભારતમાં યોજાતા ભપકાદાર લગ્ન પ્રસંગની જેમ ગોકુલધામના જગદગુરુ હોલમાં આયોજિત તુલસી વિવાહને 500 વૈષ્ણવોએ નિહાળ્યો હતો. વેદોક્ત મંત્રોચ્ચાર, લગ્ન ગીતો અને કીર્તન-પદના ગાન વચ્ચે યોજાયેલા તુલસી વિવાહનું જીવંત પ્રસારણ કરાતાં ભગવાનના લગ્નને વિશ્વભરના હજારો શ્રદ્ધાળુઓએ માણ્યો હતો.

વડોદરાના કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠ પીઠાધિ‌શ્વર વૈૈષ્ણવાચાર્ય પૂ.દ્વારકેશલાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં વિવિધ ઉત્સવો અને મનોરથો યોજાય છે. જેના ભાગરૂપે તા.1 લી ડિસેમ્બરે હવેલીમાં સવારે પૂ.દ્વારકેશલાલજી મહારાજશ્રીના જન્મોત્સવ નિમિત્તે શ્રી ઠાકોરજીના પલનામાં દર્શનનો મનોરથ યોજાયો હતો. ત્યારબાદ બપોરે 3.30 થી સાંજે 6.30 સુધી તુલસી વિવાહ મહોત્સવ યોજાયો હતો.

ગોકુલધામ હવેલીમાં બપોરે 3.30 કલાકે શ્રી ઠાકોરજીને પાલખીમાં બિરાજમાન કરી વરયાત્રા યોજાઇ હતી. ત્યારબાદ વરયાત્રાનું આગમન થતાં વૈષ્ણવોએ કૃષ્ણ કનૈયા લાલકી જયનો નાદ કરી ઠાકોરજીને આવકાર્યા હતા. ભગવાનના વિવાહ સંસ્કાર માટે જગદગુરુ હોલના સ્ટેજ પર આકર્ષક મોંયરૂં બનાવી ઠાકોરજી અને તુલસીજીના આસન માટે શેરડીની ચોકી તૈયાર કરાઇ હતી.

ગોકુલધામના આચાર્ય ધવલકુમાર શાસ્ત્રીએ વેદોક્ત મંત્રોચ્ચાર અને મંગલાષ્ટકના ગાન સાથે પુષ્ટિ સંપ્રદાય મુજબ શ્રી ઠાકોરજી અને તુલસીજીની લગ્નવિધિ સંપન્ન કરાવી હતી. શ્રદ્ધાળુઓએ આ દરમિયાન તુલસીજીના મોસાળાનો અને તુલસીજીના લગ્ન મંડપમાં પધરામણીની યાત્રામાં જોડાઇ આનંદ લૂંટ્યો હતો.
ગોકુલધામ હવેલીમાં આયોજિત તુલસી વિવાહ મહોત્સવના મુખ્ય મનોરથીનો લાભ ભાનુબહેન પટેલને સાંપડ્યો હતો. જ્યારે તુલસીજીના કન્યાદાનનો લ્હાવો હેતલભાઇ અને હેતલબહેન પટેલને મળ્યો હતો. શ્રી ઠાકોરજી પક્ષના યજમાન બનવાનું પુણ્ય ધીરુભાઇ અને નિશાબહેન પટેલને મળ્યું હતું અને તુલસીજીની લગ્ન મંડપમાં પધરામણીનો લાભ લઇ કૃણાલ તેમજ તુલસી પટેલ ભાગ્યશાળી બન્યા હતા.

ગોકુલધામમાં ઠાઠમાઠથી આયોજિત તુલસી વિવાહ મહોત્સવને સફળ બનાવવા ચેરમેન અશોક પટેલ, એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવા, ટીમના સભ્યો કિન્તુ શાહ, હેતલ શાહ, સમીર પટેલ, નિકશન પટેલ, જીગર શાહ, પરીમલ પટેલે જહેમત ઉઠાવી હતી. જ્યારે મહાપ્રસાદ સેવામાં ભાનુબહેન પટેલ, હસુભાઇ પટેલ, રંજનબહેન સિરોયા, સોહિનીબહેન પટેલ અને ધીરુભાઇ પટેલે યોગદાન આપ્યું હતું.

This slideshow requires JavaScript.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: