ટીનેજર્સ ની લવ સ્ટોરી : સ્કૂલે થી એક્ટિવા પર રાજકોટ ભાગ્યા, રાત આખી ઠંડીમાં ઠુંઠવાયા અને પછી…

Spread the love

મિ.રિપોર્ટર, 18મી ડિસેમ્બર.

આધુનિક યુગમાં ટીવીના કેટલાક શો અને ઈન્ટરનેટે મનોરંજન ના નામે જે અશ્લીલતા પીરસવાનું કામ કર્યું છે ઘણું જ ચિંતાજનક છે. એમાય ઇન્ટરનેટે જેટલી સવલત ઉભી કરી છે, તેનાથી બેવડી પીડા પણ સર્જી છે, આજે 3-જી અને 4-જીના યુગમાં ટીનેજર્સ વચ્ચેના પ્રેમ સબંધો પણ રોકેટ ગતિએ વધી રહ્યાં છે.

સંતાનોને સ્માર્ટ ફોનની સાથે વાહનો આપી દેતાં દરેક માતા-પિતા માટે લાલબત્તી સમાન એક ચોંકાવનારો  કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ફતેગંજ વિસ્તારમાં રહેતી ધો.9ની વિદ્યાર્થિનીની અને ધો.10ના વિદ્યાર્થી ભણવાની જગ્યાએ પ્રેમમાં પડી ને સ્કૂલે જવાને બદલે  એક્ટિવા લઈ રાજકોટ સુધી પહોંચી ગયા હતાં. જોકે પોલીસની નજરમાં આવી જતાં બંનેને સલામત તેમના વાલીઓને સોંપ્યા હતા.

ફતેગંજમાં રહેતો 15 વર્ષનો રોશન (નામ બદલ્યું છે ) ધો.10માં તેના ઘર નજીકની સ્કુલમાં અભ્યાસ કરે છે. તેને સોસાયટીમાં જ રહેતી અને ધો.9માં ભણતી 14 વર્ષની વિદ્યાર્થિનીની સાથે પ્રેમ સબંધ થયો હતો. બંને સ્કુલે જવાના સમયે ચોરી છુપીથી મળતાં હતા. ત્યારબાદ રોશનએ સ્કુલમાં ગુલ્લી મારી બહાર ફરવા જવાનુ નક્કી કર્યું હતું. છેલ્લા બે દિવસથી તે વિદ્યાર્થીનીને મનાવતો હતો. જેથી વિદ્યાર્થિની માની ગઈ હતી.

તા.12મી ડિસેમ્બરે સવારે 7 વાગ્યે વિદ્યાર્થિની ઘરેથી સ્કુલે જવા નીકળી હતી. બીજી તરફ રોશન તેના પિતાનું એક્ટિવા લઈ નીકળ્યો હતો. બંને સ્કુલમાં ગુલ્લો મારી બપોર સુધી એક્ટિવા પર જુદી – જુદી જગ્યાએ ફર્યા હતા. ત્યારબાદ ઘરે જવાનું મોડુ થઈ જતાં રોશનએ તેની પાસેના પૈસાથી પેટ્રોલ ભરાવી હાઈવે પર એક્ટિવા દોડાવાનું શરૂ કર્યું હતુ. બે દિવસ બાદ તેઓ રાજકોટ પહોંચી ગયા હતા. જ્યાં પૈસા ખૂટી જતાં રોશન એક્ટિવા વેચવાની ફિરાકમાં ફરી રહ્યો હતો, તે એકદમ ગભરાઈ ગયેલો હતો. તેની પાસેની વડોદરા પાસીંગની એક્ટિવા તથા સાથે કિશોરીને જોઈ થોરાડા પોલીસ મથકના પોલીસ કર્મચારીને શંકા ગઈ હતી. જેથી પોલીસે રોશનનીની પુછપ કરતાં તેની સાથેની કિશોરી સાથે ઘરેથી ભાગી નીકળ્યો હોવાનું જણાવ્યું હતું.

બંનેને પોલીસ મથકે લઈ જઈ તેમના માતા – પિતાને પોલીસ કર્મચારીએ જાણ કરી હતી. વડોદરાથી રાજકોટ દોડી ગયેલા બંનેના પરિવારજનોએ સંતાનોનો કબજો લીધો હતો. પોલીસ પુછપરછમાં રોશન અને વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, એક્ટિવા પર ફરતા-ફરતાં બપોરના બે વાગી ગયા હતા. જેથી માતા – પિતા ઠપકો આપશે, તેવા ડરથી અમે રાજકોટ હાઈવે તરફ આવી ગયા હતા. અમે શુક્રવારે રાતે ચોટીલા પહોંચ્યા હતા, ત્યારે અંધારૂ થઈ ગયું હતું. અમને કોઈએ ગેસ્ટ હાઉસ નહીં આપતાં કડકડતી ઠંડીમાં બાંકડા પર રાત વીતાવી હતી. બીજા દિવસે સવારે અમે ચા-નાસ્તો કરી રાજકોટ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પોલીસે વિદ્યાર્થીનીનું મેડિકલ ચેકઅપ પણ કરાવાની કાર્યવાહી શરૂ કરી હતી.