લો…બોલો.. એક ઉંદર પકડવા માટે 22 હજાર રૂપિયા ખર્ચે છે ઈન્ડિયન રેલવે! : જાણો કઈ જગ્યાએ ?

Spread the love

નવી દિલ્હી – મી.રીપોર્ટર, ૨૭મી ઓકટોબર. 

દેશમાં અનેક રેલવે પ્લેટફોર્મ પર  મુસાફરી દરમિયાન તમે ત્યાં ફરતા ઉંદર તો જોયા જ હશે. ઘણીવાર તો એવા ભયંકર અને મોટા ઉંદર જોવા મળે છે કે જેને જોઈ ને ડરી જવાય.  આપણી જેમ જ  રેલવે વિભાગ પણ આ ઉંદરોથી ખૂબ પરેશાન છે પણ શું તમને ખબર છે કે, એક રેલવે ડિવિઝનમાં સરકાર આ સમસ્યાના ઉકેલ માટે કેટલો ખર્ચ કરી રહી છે ? ચેન્નઈનું રેલવે ડિવિઝન દર વર્ષે એક ઉંદરને પકડવા માટે સરેરાશ 22,300 રૂપિયાનો ખર્ચ કરી રહ્યું છે. આ આંકડો ખૂબ જ ચોંકાવનારો છે પણ આ ખુલાસો એક RTI માં કરવામાં ચેન્નઈ રેલવે ડિવિઝન તરફથી જ કરવામાં આવ્યો છે.

રેલવે ડિવિઝને ત્રણ વર્ષમાં રૂપિયા  5.89 કરોડ ખર્ચ કર્યો 

ચેન્નઈ ડિવિઝન ઑફિસે RTIનો જવાબ આપતા કહ્યું કે, છેલ્લા ઘણા સમયથી તેઓ ઉંદરોથી ત્રસ્ત છે. રેલવે સ્ટેશન અને તેના કોચિંગ સેન્ટરમાં પણ ઉંદરોનો આતંક છે અને તેનાથી નિપટવાનું કામ ચાલી રહ્યું છે. 17 જુલાઈએ RTIમાં મળેલી જાણકારી અત્યંત ચોંકાવનારી છે. આ જવાબમાં કહેવામાં આવ્યું છે કે, મે 2016થી એપ્રિલ 2019 સુધી રેલવેએ ઉંદરો પકડવા પાછળ 5.89 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

ચેન્નઈ ડિવિઝનને RTIમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે, તેમણે કેટલા ઉંદર પકડ્યા ? જેના જવાબમાં તેણે માત્ર 2018-19 ની જ જાણકારી આપતા જણાવ્યું કે, આ દરમિયાન 2636 ઉંદર પકડવામાં આવ્યા છે, જેમાં ચેન્નઈ સેન્ટ્રલ, ચેન્નઈ એગ્મોર, ચેંગરપટ્ટૂ, તામબ્રમ અને જોલારપેટ રેલવે સ્ટેશન પર 1715 ઉંદર પકડવામાં આવ્યા જ્યારે રેલવેના કોચિંગ સેન્ટરમાંથી 921 ઉંદર પકડાયા.

જ્યારે આ ખર્ચની વિતગ વિશે ચેન્નઈ રેલવે ડિવિઝનના CPRO, DRM અને અન્ય અધિકારીઓ સાથે વાત કરવામાં આવી તો તેમણે વધુ કોઈ વિગત આપવાનું ટાળ્યું હતું.