મેડીકલ- મિ.રિપોર્ટર, ૨૨મી મે
વાઘોડિયાના લીમડા ખાતે આવેલ પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ૩૫ બેડની સુવિધા સાથેનો ICU અને નવો કાર્ડિયોલોજી વિભાગ શરુ થયો છે. આ કાર્ડિયોલોજી વિભાગનો શુભારંભ વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના મેયર જીગીષાબેન શેઠ તેમજ અકોટા વિધાનસભાના ધારાસભ્ય સિમાબેન મોહીલેના હસ્તે કરવામાં આવ્યો છે. જે ૬૫૦ બેડની સુપરસ્પેશ્યાલિટી તેમજ મલ્ટીસ્પેશ્યાલિટી પારૃલ સેવાશ્રમ હોસ્પિટલ પારૃલ ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રીસર્ચ સાથે સંકળાયેલું છે.
પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ ના કાર્ડિયોલોજી વિભાગમાં નોન – ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી સહિતની તમામ સુવિધાઓ છે. તે ઉપરાંત કાર્ડિયાર્ક વિભાગના ઓપરેશન થિયેટરમાં કેથ લેબ અને કાર્ડિયાક સર્જીકલ પ્રોસીજરની પણ સુવિધાઓ છે, જેની માાટે ઓપરેશન થિયેટરને આધુનિક સાધનોથી સુજજ કરવામાં આવ્યું છે. વિભાગનું સંચાલન સંયુક્ત રીતે પારૃલ સેવાશ્રમ હોસ્પિટલ અને રીધમ હાર્ટ ઇન્સ્ટિટયૂટના ડોક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવશે. મુખ્યમંત્રી અમૃતમ યોજના, આયુષ્યમાન ભારત યોજના સહિતની તમામ સરકારી યોજનાઓનો લાભ આ વિભાગમાં દર્દીઓ મેળવી શકશે. જેમાં તમામ પ્રકારની સારવારને આવરી લેવામાં આવી છે. કેથ લેબમાં ઇન્ટરવેન્શનલ કાર્ડિયાક, ન્યુરોલોજી તેમજ વાસ્કુલર સારવારને આવરી લેવામાં આવી છે. એક સ્તંભ બનાવવા માટે આ વિભાગની શરૃઆત એક મેગા કાર્ડિયોલોજી કેમ્પ થકી કરવામાં આવી હતી. જે તા. ૨૧મી મેથી ૩૦મી જુન સુધી ચાલશે. જેમાં દર્દીઓને મહત્તમ સેવાઓ ખુબ જ ઓછા દરે આપવામાં આવશે.
નવા કાર્ડિયોલોજી વિભાગની સાથે જ રૂપિયા ૧૦ કરોડના ખર્ચે આધુનિક મેડીકલ સુવિધાઓથી સુસજજ ૩૫ બેડનું આઇસીયુ પણ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આ અંગે પારૃલ યુનિવર્સિટીના મેડિકલ ડિરેક્ટર ડો. ગીતીકા મદન પટેલે જણાવ્યું હતું કે, આધુનિક મેડીકલ સુવિધાઓથી સુસજજ ૩૫ બેડના આઇસીયુને મેડિકલ આઇસીયુ, સર્જીકલ આઇસીયુ, પીડયાટ્રીક આઇસીયુ, આઇસીસીયુ, રેસ્પીરેટ્રી આઇસીયુ અને આઇસોલેશન આઇસીયુ જેવા જુદા જુદા વિભાગોમાં વિભાજીત કરવામાં આવ્યું છે. જે શહેરમાં ગંભીર બીમારીથી પિડાતા દર્દીઓ માટે આર્શીવાદ સમાન બની રહેશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પારૃલ ઇન્સ્ટિયૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રીસર્ચ તેમજ પારૃલ સેવાશ્રમ હોસ્પિટલમાં અમે દર્દીઓને તમામ પ્રકારની મેડિકલ સેવાઓ આપવાની દીર્ઘદ્રષ્ટી સાથે કામ કરીએ છીએ. તેમા પણ ખાસ કરી તમામ પ્રકારની સુવિધા દર્દીને એક જ છત નીચે મળી રહે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવે છે. જેથી કોઇ પણ દર્દીએ તેની બીમારીની સારવાર માટે શહેરની બહાર જવાની જરૃર ન પડે.