સ્પેશીયલ સ્ટોરી- વડોદરા, મિ.રિપોર્ટર, ૨૮મી નવેમ્બર.
દેશમાં ઘર ઘરમાં એક કહેવત પ્રખ્યાત છે કે, સ્વપ્ના એવા જોવા જોઈ કે જે પુરા થઇ શકે… પણ આ કહેવત ને ખોટી પાડે એવા દેશમાં અનેક ધૂની લોકો છે, જે માત્ર ને માત્ર પોતાના આત્મવિશ્વાસ અને સખ્ત પરિશ્રમ ને કર્મ ગણી ને સતત કામ કરતા રહે છે. આવા જ કે ધૂની આપણા ગુજરાતમાં પણ છે. જેમણે માત્ર 12000 રૂપિયા પોતાના મિત્રો અને સંબધી પાસેથી ઉછીના મેળવી ને તે મૂડી થી પોતાના ઘરમાં જ ધંધો શરુ કર્યો….
આ કોઈ નહિ પણ ગોપાલ નમકીનના માલિક બિપીનભાઈ હદવાણી છે. બિપીનભાઈ હદવાણીની સંઘર્ષ ગાથા ઘણી જ રસપ્રદ અને જોમ અપાવે તેવી છે. ચાલો તો આજે આપણે જાણીએ ગોપાલ નમકીનના માલિક બિપીનભાઈ હદવાણીની શૂન્ય થી કરોડોના વેપાર ની કહાની.
મૂળ જામકંડોરણા તાલુકાનાં ભાદરા ગામના બિપીનભાઈ નાના એવા ગામડામાં ફરસાણની દૂકન ચલાવતા હતા. એ પણ પોતાના ભાઈઓ અને પિતા સાથે. પરિવાર મોટો અને નાનો ધંધો, તેમનો ધંધો નાના એવા ગામડામાં જ હોવાથી નહી નફો કે નહી નુકસાન એવી પરિસ્થિતિ સર્જાતી હતી. ગામડામાં ગ્રાહકો ઓછા હોવાથી, ધંધાને મોટો કરવા માટે થઈને તેઓએ રાજકોટ જેવા મોટા શહેરમાં જઈને ધંધો કરવાનું વિચાર્યું. વર્ષ 1990માં તેઓ રાજકોટ સ્થાયી થયા.
પહેલેથી ફરસાણ બનાવવાના શોખીન અને અનુભવી હોવાથી અને બધા કુટુંબીઓ પણ આ જ વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી બધા જ પિતરાઇ ભાઈઓએ મળીને ‘ગણેશ’ બ્રાન્ડ નામે ફરસાણની કંપનીની શરૂઆત કરી. એ સમયે પૈસાની વધારે સગવડ તો હતી નહી એટ્લે બિપીનભાઈએ આ ધંધામાં માત્ર રૂપિયા 8500નું જ રોકાણ કરી શક્યા. અહીં પણ તેમનો ધંધો ચાલવા લાગ્યો. પહેલા ગામડાની દુકાને જે ફરસાણ બનાવી છૂટક કે પસ્તીમાં વીંટાળી આપતા હતા, એ જ ફરસાણને ગણેશ બ્રાંડના પેકિંગમાં લોકો સુધી પહોંચાડતા હતા. તેઓ ગણેશ બ્રાંડ અંતર્ગત બધુ જ ફરસાણ બનાવતા અને બધું જ ફરસાણ પેકીંગમાં દુકાનો સુધી પહોંચાડતા હતા.
હવે ગામડેથી આવેલ બિપીનભાઈ માટે રંગીલું રાજકોટ લક્કી સાબિત થયું. એમનો એ ધંધો બધાની મહેનતથી ખૂબ જામી ગયો. એટ્લે એમને ભવિષ્યનું વિચારીને આ ધંધામાંથી પાર્ટનરશીપ છૂટી કરી અને પોતાનું કરવાનું વિચાર્યું. પણ પોતાનો ધંધો કરવા માટે તો નાણાં અને માણસો બંનેની જરૂર તો પડે જ. બિપિનભાઈ પાસે તો એટલા બધા પૈસા ન હતા કે એ રોકાણ કરી શકે કે કામ કરવા માટે માણસોને રાખી શકે. ત્યારે એમના પત્ની દક્ષાબેને 1994માં હિંમત આપી અને એમના બહેન-બનેવીએ સાથ આપ્યો.
વગર પૈસે એમના પરિવારની હિંમત અને સાથ મળ્યો એટલે બિપીનભાઈએ પોતાના જ ઘરમાં પરિવારજનોના સાથસહકારથી માત્ર 12000 રૂપિયાની થોડી વસ્તુઓ ઉધારીથી લાવીને જાત મહેનતે એક ‘ગોપાલ’ બ્રાન્ડ નામે ફરસાણ બનાવીને વેચવાની કંપની સ્થાપી હતી. પછી તેમણે પાછુ વળી ને કદી જોયું નહિ.
તેમણે ન કોઈ મજૂર કે ન કોઈ ફેક્ટરીના ઝંઝટમાં પડ્યા વગર જ પોતાના જ ઘરમાં અને પોતાની જ મહેનતે આ કંપનીને આગળ વધારવા માટેના પ્રયાસો શરૂ કરી, રોજ સવારે નાસ્તાના બનાવેલા પેકેટનું જાતે માર્કેટિંગ કરતાં અને પછી ઘરે આવીને એમના પરિવારજનોની મદદ લઈને ફરસાણ બનાવવામાં લાગી જતા. ફરસાણ બનાવવું, પેકિંગ કરવું અને પછી ફેરિયાઓ અને નાની નાની દુકાનો સુધી અને ગામડાઓ સુધી એ પોતે જ માલ પહોંચાડતા હતા. પછી તો મહેનત રંગ લાવી અને જેટલા પેકેટો આપીને આવતા કે જેટલો ઓર્ડર મળતો તેનાથી ડબલ પ્રોડક્ટ બનાવી પેકિંગ કરવા લાગ્યા. માત્ર બે જ વર્ષમાં અથાગ મહેનત અને પરિશ્રમ કરીને તેમણે હરિપરમાં કારખાનું શરૂ કર્યું. પછી સતત મહેનત અને લોકોને અવનવી નવી નવી વાનગીઓ તૈયાર પેકેટમાં પીરસી ને 22 જ વર્ષમાં ગોપાલ બ્રાન્ડનું ટર્નઓવર રૂ. 450 કરોડ પર પહોંચાડ્યું છે.
આજે ગુજરાતના ઘર-ઘરમાં ગોપાલ નમકીન ખવાય છે. નાનાથી માંડીને મોટા સુધીના દરેક વ્યક્તિને ગોપાલના નમકીન પસંદ આવે છે. ગોપાલના મમરા, ફ્રાઈમ્સ, ચવાણાં અને તીખા ગાંઠિયા ગોપાલના ગાંઠિયા, ચણાની દાળ, સેવ, સિંગ, તીખા-મોરા સેવ-મમરા અને ઘણી બધી બીજી ફરસાણની વાનગીઓ લોકપ્રિય છે.
- આપ જો કોઈ કોમેન્ટ કરવા માંગતા હોય તો Leave a Reply માં જઈને કોમેન્ટ કરી શકશો. આ ઉપરાંત તમે અમારા whatsup no 7016252600 અને 7016252899 પર કોમેન્ટ કરીને જણાવી શકો છો.
- જો તમને અમારી પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો. આ ઉપરાંત તમે અમારી Youtube ચેનલ પર જઈને સમાચાર પણ જોઈ શકો છો. ઝડપથી સમાચાર મેળવા માટે આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mr.Reporter ની એપ ડાઉનલોડ કરો.