લો બોલો, સ્કૂટર પર સેનિટાઈઝિંગ સર્વિસ બોર્ડ લટકાવ્યું, પોલીસે રોક્યા તો ડીકી માંથી 65 હજારનો દેશી દારૂ પકડાયો…

Spread the love
 

અમદાવાદ- મિ.રિપોર્ટર, ૨૮મી માર્ચ. 

સમગ્ર દેશમાં  લોક ડાઉન નો અમલ ચાલી રહ્યો છે. લોક ડાઉન ના સમયમાં  લોકોને જીવન જરૂરી વસ્તુઓ મેળવવામાં કોઈ પ્રકારની તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર અને પોલીસે કેટલીક છૂટછાટો પણ આપી છે. જોકે કેટલાક ભેજાબાજ આ છૂટછાટનો દુરુપયોગ કરતા હોવાના કિસ્સા પ્રકાશમાં  આવ્યો છે.  અમદાવાદ શહેરના બહેરામપુરામાં રહેતા બે  શખ્સો સેનિટાઈઝિંગ સર્વિસ પૂરી પડતા હોવાનું પાટિયું એકટીવા પર લગાવીને ફરતા હતા. આ બંને શખ્સોની તલાશી લેતા એકટીવાની ડેકીમાંથી રૂપિયા ૬૫ હજારનો દેશી દારૂ મળી  આવતાં પોલીસ પણ ચોકી ઉઠી હતી. 

પોલીસ સૂત્રો ના  જણાવ્યા અનુસાર, લોક ડાઉન છતાં ઘણા બધા લોકો કોઈ ને કોઈ બહાને  બહાર આવી જતાં હોવાથી પોલીસે શહેરભરમાં મુખ્ય રોડ પર પોઈન્ટ ગોઠવી દીધા છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બહેરામપુરા પોલીસ ચોકી ચાર રસ્તા પાસે ફરજ બજાવી રહેલા પીએસઆઇ પી. કે. ગોહિલ અને સ્ટાફના માણસો વાહન ચેકિંગ કરી રહ્યા હતા. આ વખતે લાલ કલરના એક એક્ટિવા પર સેનિટાઈઝિંગ સર્વિસ, ગવર્મેન્ટ એપ્રુવ્ડ લખેલું કાગળ ચીપકાવી બે વ્યક્તિ આવતી હતી. 

પોલીસે તેમને અટકાવી પૂછપરછ કરતા બંને કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. પોલીસે એક્ટિવાની ડેકીમાં તપાસ કરતા તેમાંથી દેશી દારૂની કોથળીઓ મળી આવી હતી. પોલીસે સેનિટાઈઝિંગ સર્વિસના નામે દેશી દારૂની હેરાફેરી કરતા બે વ્યક્તિઓ કિશન ગામો ઉફેઁ મનોજ સોલંકી (ઉ. 22, એહમદ કસાઈની ચાલી બહેરામપુરા) તથા  પ્રકાશ ઉફેઁ બાબુ હરિભાઈ પરમાર (ઉં.24, બળિયાદેવના છાપરા બહેરામપુરા) ની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા ૬૫ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.  દેશી દારૂનો આ જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઈ જવાનો છે તે અંગે પોલીસે પૂછપરછ પણ શરૂ કરી છે. આમાં કોઈ બુટલેગરનો હાથ હોવાની શંકા છે.

 સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે,  સેવાના નામે દારૂની હેરાફેરીનું આ કૃત્ય પકડાતાં પોલીસ બેડામાં પણ ભારે આશ્ચર્ય થયું છે. સરકાર કે પોલીસ તંત્ર જ્યારે લોકોને હાલાકી ન પહોંચે તે માટે જરૂરી છૂટછાટ આપતી હોય ત્યારે તેનો દુરુપયોગ કરનારા સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)