એજ્યુકેશન- મિ.રિપોર્ટર, ૬ ઠ્ઠી માર્ચ
કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય દ્વારા સંચાલિત ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) દ્વારા દિલ્હી ખાતે આઠમાં ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ-2019નું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં દક્ષિણ કોરિયા, મોરેસિયસ, ઇઝરાયેલ, ટ્યુનીશિયા, મોરોક્કો, સ્પેન, કઝાકિસ્તાન, થાઇલેન્ડ, સિરિયા અને ભારતના જાણીતા કલાકારોએ વિવિધ કલ્ચરલ પ્રોગ્રામની પ્રસ્તુતિ કરી હતી. જેમાંથી દક્ષિણ કોરિયાના ગો બેક પ્રોજેક્ટ ગૃપ દ્વારા વાઘોડિયા ખાતે આવેલી પારૂલ યુનિવર્સિટી ખાતે પર્ફોમન્સ કર્યું હતું.
આ પહેલા 1થી 3 માર્ચ દરમિયાન દિલ્હી ખાતે જાઝ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાંથી દક્ષિણ કોરિયાના ગૃપે 4 માર્ચના રોજ અમદવાદ ખાતે પર્ફોમન્સ કર્યું હતું. ત્યારબાદ આજે બુધવારે પારૂલ યુનિવર્સિટી ખાતે લાઈવ પર્ફોમન્સ કર્યું હતું. આ પ્રસંગે પારૂલ યુનિવર્સિટીના પ્રમુખ ડો. દેવાંશુ પટેલ અને ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR)ના ગુજરાતના હેડ જીગર ઈનામદાર પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, બંનેએ દક્ષિણ કોરિયાના ગો બેક પ્રોજેક્ટ ગૃપના કલાકારોનું સન્માન કર્યું હતું.