GSEB બોર્ડ દ્વારા ધો.10 ના બાળકોની પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન આપવું જોઈએ ? તમારો મત જણાવો ? નિષ્ણાત શિક્ષકો શું કહે છે ?

www.mrreporter.in
Spread the love

એજ્યુકેશન- મી.રિપોર્ટર, ૧૧મી મે. 

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ) એ ધોરણ-10 ની પરીક્ષા રદ કરીને તેની જગ્યાએ વિદ્યાર્થીઓને 20 માર્ક્સ આંતરિક મુલ્યાંકન ના આધારે તેમજ બાકીના 80 માર્ક્સ સીબીએસઈ દ્વારા રચાયેલ નવા ફોર્મ્યુલાના આધારે  આપનો નિર્ણય કર્યો છે.સીબીએસઇના આ પગલાં બાદ ગુજરાત બોર્ડ દ્વારા પણ ધો.10ની પરીક્ષાઓ રદ કરી વિદ્યાર્થીઓને માસ પ્રમોશન સીબીએસઇની તર્જ પર જ આપવાની માંગ ઉઠવા પામી છે.  ગુજરાત બોર્ડ હવે રાજ્ય સરકાર સાથે ચર્ચા કરીને વહેલી તકે નિર્ણય કરે તેવી સંભાવના છે. 

કોરોના મહામારીના પગલે સીબીએસઈ એ વર્ષ 2021ની  ધો.10 ની બોર્ડ  પરીક્ષાઓ રદ કરી ને  શાળાઓને વિશેષ માપદંડના આધારે વર્ગ 10 ના વિદ્યાર્થીઓની આકારણી કરવા  માટે જણાવ્યું છે. સીબીએસઇ દ્વારા નક્કી કરવામાં આવેલા વિશેષ માપદંડ મુજબ, દરેક વિષય માટે, વર્ગ 10 ના વિદ્યાર્થીઓને આંતરિક આકારણીના આધારે 20 ગુણ આપવામાં આવશે. જયારે  80 ગુણ સીબીએસઈ દ્વારા રચાયેલ નવા ફોર્મ્યુલાના આધારે આપવામાં આવશે. સીબીએસઇએ શાળાઓને 11 જૂન સુધીમાં દરેક વિદ્યાર્થીઓના આંતરિક આકારણીના ગુણ અપલોડ કરવા જણાવ્યું છે, બાકીના 80 ગુણ માટે, વર્ષ દરમિયાન શાળા દ્વારા લેવામાં આવેલી વિવિધ  પરીક્ષાઓના આધારે વિદ્યાર્થીઓને શાળાઓ દ્વારા ગુણ આપવામાં આવશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ)ના આ મોટા નિર્ણય બાદ વડોદરા, અમદાવાદ, સૂરત, રાજકોટ, ભાવનગર સહિતના શહેરોના વાલીઓ અને અનેક શિક્ષકો દ્વારા પણ ગુજરાત બોર્ડ વિદ્યાર્થીઓના વિશાલ હિત ને ધ્યાનમાં રાખીને નિર્ણય કરે તેવી માંગ કરવામાં આવી છે. ગુજરાત સરકાર જો સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ) ની તર્જ પર નિર્ણય લેશે તો ગુજરાતમાંથી પરીક્ષા આપવા માંગતા (રજીસ્ટર) 13 લાખ થી વધુ બાળકોને ફાયદો થશે. 

નિષ્ણાત શિક્ષકો શું કહે છે ?

(1) CBSC ની તર્જ પર ગુજરાત બોર્ડે ધો.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું જ જોઈએ

કોરોનાની મહામારી ને લીધે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં હજુ પણ શાળામાં આવવામાં ડર લાગે છે. બાળકો માનસિક રીતે ભાંગી પડ્યા છે. પરીક્ષા આપે તેવી સ્થિતિમાં મોટા ભાગના બાળકો નથી. આવી પરિસ્થિતિમાં CBSC ની તર્જ પર ગુજરાત બોર્ડે ધો.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું જ જોઈએ. વિદ્યાર્થીઓ જેટલું આખું વર્ષ ભણ્યા છે અને પરીક્ષા આપી છે તેને આધારે જ પરિણામ આપી દેવું જોઈએ.

– પરેશ શાહ, આચાર્ય, જય અંબે સ્કૂલ, હરણી, વડોદરા.

(2)  માસ પ્રમોશન બાદ પણ ડીપ્લોમાં અને ટેકનીકલ એજ્યુકેશનમાં પ્રવેશ માટે પરીક્ષા અચૂક લેવી જોઈએ

ધો. 10 માં માસ પ્રમોશન આપવા સામે કોઈ વાંધો જ નથી. જો કોરોનાની સ્થિતિ થોડી હળવી થાય તો ગુજરાત બોર્ડ શાળાઓને ધો.10 ના બાળકોની પરીક્ષા તેમની જ સ્કુલમાં લેવાની પરવાનગી આપવી જોઈએ. પોતાની શાળામાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા સામે કોઈ વાંધો નહી હોય. જો માસ પ્રમોશન આપી દો, તો પણ ધો. 10 બાદ ડીપ્લોમાં અને ટેકનીકલ એજ્યુકેશનમાં પ્રવેશ માટે પરીક્ષા અચૂક લેવી જોઈએ. આખરી નિર્ણય તો ગુજરાત સરકાર ૧૫મી મે બાદ મળનારી બેઠકમાં લે લેવી સંભાવના છે.

– આર.પી.જૈન, આચાર્ય અને બોર્ડ તજજ્ઞ.