શિયાળાની વિદાય સાથે જ ઉનાળાએ દેખા દઈ દીધી છે. લીલીછમ ધરતી હવે બળવા લાગી છે, તાંબાવર્ણો તાપ હવે શરીરને દઝાડી રહ્યો છે. શિયાળામાં મનભાવન લાગતો તાપ જ્યારે શત્રુ સમાન લાગે એટલે વસંત પુર બહાર માં ખીલ્યો હોય ની અગમચેતી , અચાનક ફ્રુટ માર્કેટ પાસેથી પસાર થઈ રહ્યા હોઈએ અને જેને જોઈને વગર ભૂખ એ પણ જઠર માં અગ્નિ પ્રદિપ્ત થાય એવું ફ્રુટ એટલે ફળોનો રાજા- આમ્ર. કેરીના બે અદ્દભુત નામો પુરાતન સંસ્કૃતિ ગ્રંથોમાં વાંચવા મળે છે, એક સ્વીટ નામ છે – ‘ મધુદુત ‘ જેનો અર્થ થાય છે મીઠાશનો દૂત અને બીજું નામ છે – ‘ કામાંગ ‘. આજે જે વસ્તુ પ્રિય લાગે એને સેકસી કહેવાનો સિનારિયો યુવાપેઢીમાં છે.

ઉનાળાના તપેલા સુરજ જેવો જ રંગ અને ચમક ધરાવતી કેરી જો કોઈ જાહેરાત કે મૂવીમાં દીપીકા કે કંગના આંખો માં માદકતા સાથે મોઢે લગાડે ત્યાં તો એસી માં પણ કેરીલવર ના પસીના છુટી જાય. ઉનાળામાં સૌથી પ્રેમભર્યો સંબંધ બંધાતો હોય તો આમ્ર્ સાથે છે જેના પ્રેમ સંબંધમાં ઇતિહાસ સર્જાય અને યુદ્ધ પણ થઈ જાય એ હદે કેરી પાછળ પાગલ આપણી ગુજરાતી પ્રજા છે.

અવનવી કેરીની જાતો જેવી કે કેસર, રાજાપુરી, તોતાપુરી, લંગડો, પાયરી, નીલમ, મલગોબા , રૂમાની, વશી, જમાદાર, દશેરી ની જેમ તેને ખાવાની રીતો પણ અલગ છે જેમકે મેંગો જ્યુસ બનાવીને પીઓ, કાપી ચીરીને ખાવ કે ડાયરેક્ટ મોમા નાખીને પીઓ. અત્યારે જે સીધો મિક્ષર માં રસ કાઢીને મિલ્ક શેક તરીકે પીવાની જે પ્રથા ચાલુ થઈ છે, એમાં એવી મજા તો નથી જ કે જે મજા કેરી ને હાથમાં લઈ, તેને ઘોળીને પછી દીટું કાઢીને મોમાં નાખી નવા જન્મેલા બાળક ની જેમ ચૂસી રસપાન કરવામાં છે.

કાળઝાળ ગરમીથી ધગતી ધરા…

માણીએ રંગ વસંતના અવનવા…

બપોરે કેરી ના રસ થી નશા હેઠળ ઘોરતી પ્રજાને સાંજ પડયે ઠંડાપીણા તો સામેથી બોલાવતા હોય એવો મૃગ જળની જેમ ભાસ થાય, એક આખો ઠંડાપીણાનો બિઝનેસ તો આ સિઝનમાં જ વધારે ડેવલપ થાય. કોકાકોલા, પેપ્સી, લિમ્કા, માઝા જેવા સોફ્ટ ડ્રિંક થી લઈને શેરડીનો રસ, ફાલુદા, શિકંજી, વરિયાળી, ફાલસા જેવા કુદરતી શરબતો નો આસ્વાદ ચાખવા મળે અને અને આપણી બળતી જઠરાગ્નિને મીઠી શીતળતા પ્રદાન કરે આપણો દેશી બરફના ગોળો કે જેના અત્યારે એટલા અવનવા રૂપ છે કે રોજ એક નવી વેરાઇટી સાથે તમારો મહિનો તો આરામથી નીકળી જાય. સૌથી વધુ મૂંઝવણ સર્જાય આપણા ઘરની ગૃહિણીઓ માટે એ સાંજે શાક શેનું બનાવવું. શાક એટલા મોંઘા થઈ ગયા હોય કે જે લીલાછમ શાકભાજી શિયાળામાં થેલી ભરીને લવાતા હોય તે એક દુશ્મનની જેમ આપણી ઉપર આક્રમણ કરી રહ્યા હોય તેવો આભાસ કરાવે.

એમાંય વળી ગૃહિણીઓ માટે ઉનાળો એટલે કે જાણે જૂની પરંપરાઓને બરકરાર રાખવાની સીઝન. બટાકાની અવનવી ફરો પાડવી, સાબુદાણા – ચોખાના પાપડ કરવા અને આખા વર્ષના મરી-મસાલા – મરચું, હળદર, રાઈ, ધાણા ભરવાનો આપણો ગુજરાતીઓનો જગજાણીતો રિવાજ રહ્યો છે અને એમાંય પાછા બાળકોનું સમર વેકેશન પડે એટલે ગૃહિણીઓ માટે નવો માથાનો દુખાવો ઉભો થાય કે હવે બાળકોનું શું કરે એટલે એમના માટે ખુલ્યા સ્પેશિયલ સમર કેમ્પ. આખું વર્ષ ભણતરના ભારથી કંટાળેલા ભૂલકાઓ માટે તો જાણે મનગમતી પ્રવૃતિઓ કરવાની મળેલી છુટ. એક બાજુ બાળકની આંતરિક સૂઝ પણ ખીલે અને સાથે અંદરની કુદરતી સ્કિલ બહાર પણ આવે અને સાથે બાળકને મનગમતી પ્રવૃત્તિ કરવાની મજા પડે અને ગૃહિણીઓને એટલા સમય માટે ની શાંતિ તો ખરી જ. આ સિવાય જેમને પરવડે તેવા ગોવા, મનાલી, શિમલા, આબુ, સાપુતારા જેવા હવા ખાવાના સ્થળોએ ગરમીથી કંટાળીને જતા ફેમિલી ઓનો માનવ મહેરામણ ઉમટે છે અને ત્યાંની હોટલોને પણ આ સિઝનમાં કમાવાનો મોકો મળે.

જે રંગીલુ રાજકોટ એક થી ચાર વાગ્યા સુધી તો બધી જ સિઝનમાં સ્વેચ્છા એ બજાર બંધ રાખે જ છે પણ આ રોગ ના ભરડામાં હવે બીજા શહેરો પણ આવવા લાગે. બપોરે ગરમ લાય જેવી શેકાતી ધરતી ઉપર પગ મૂકવો પણ ભારે પડી જાય ત્યાં મજૂરો કે ગરીબો વિના ચંપલે કઈ રીતે ઉઘાડા પગે ચાલતા હશે એ કલ્પના કરવી પણ મુશ્કેલ લાગે !!

આખો દિવસ ધમાચકડી કરતા બાળકો માટે ફ્રીજના દરવાજા પણ ખુલ્લા રહે, ફ્રિજ ના બાટલા જે માત્ર ખાલી કરવા માટે જ હોય અને એમાંય જો ફ્રિંજ, એસી કે કૂલર બગડી જાય તો જાણે ઘરમાં માતમ સર્જાય, આખું વર્ષ આપણે જે વસ્તુઓની ગણના ન કરી હોય એની આ દરમિયાન કિંમત સમજાય, પ્રેમીઓ કરતાં પણ વધુ ખોટ એસીની લાગે. ને સાથે જ આખું વર્ષ ન કમાયેલા દુકાનદારો માટે તો આ સીઝન દિવાળી ના તહેવાર ની જેમ લક્ષ્મીની કૃપા બની ને વરસે.

આખું વર્ષ પોતાના સ્કીન પ્રત્યે સભાન છોકરીઓ માટે તો આ સૂર્યનો તાપ અંગારા બનીને દાહ લગાડે, છોકરીઓની વાતો માં અને વોટસએપ મેસેજ માં કયા બ્રાન્ડનું સનસ્ક્રીન લોશન વાપરવું જોઈએ અને તેનાથી સૂર્ય સામે કેટલું રક્ષણ મળશે ની ચેટ થવા લાગે, આઇસ્ક્રીમ – કુલ્ફી ના ફોટા તો માત્ર મેસેજ માં એકબીજાને મોકલી સંતોષ માનવો પડે ને સાથે કઈ શોપિંગ એપ્સ માં ડિસ્કાઉન્ટ વધારે મળે છે એ ગોસીપ તો ખરી જ.

સૌથી વધુ ઈર્ષ્યા નું પાત્ર બને આપણા માટે ચાર બંગડીવાળી ગાડી લઈને ભર બપોરે નીકળતા અમીરો. જે એસીમાં સોંગ સાંભળતા સાંભળતા ટ્રાફિક માં અચાનક બાજુમાં રહેલા સ્કુટર માં બેસેલા દંપતી સામે દયામણે કે તીરછી નજર નાખે જે આપણા મગજમાં ગરમીનો પારો ઉપર ચડવાનું કારણ બને.

આખરે સાંજ પડયે તપેલી ધરતી જરાક શાંત પડે આખો દિવસ ઘર કૂકડાની જેમ રહેલા માણસોની અવરજવર શરૂ થાય. આખો દિવસ પર માથા પર તાપના ગોળા વરસાવતો સુરજ પણ ટાઢો પડે અને મનુષ્યના મગજનો ગરમીનો પારો પણ નીચે આવે અને ફરી એક વાર ધરતી પરના પ્રાણી છીએ તેવો અહેસાસ થાય.

રાત્રે સરસ મજાનું જો કોઈ સુખ હોય તો તે છે ટમટમતા તારલા થી છવાયેલા આકાશની નીચે કુદરતની ખોળે રંગીન અને મીઠી નિંદર માણવી, ખરુંને?

જો આપને અમારી પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઈક અને શેર કરો. તમે તમારાં મોબાઇલના પ્લેસ્ટોરમાંથી Mr.reporter News ની એપ ડાઉનલોડ કરો & ઝડપથી સમાચાર મેળવો. એપ્સ Mr.reporter News ની લીંક મેળવવા માટે WhatsApp કરો : 9978099786 & જુઓ વેબસાઈટ : https://mrreporter.in/ 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: