મિ.રિપોર્ટર, ૨૬મી નવેમ્બર.
વડોદરામાં પ્રથમ જ વખત સિનીયર સીટીઝન ક્રિકેટ એસોસિએશન દ્વારા ” આંતર રાજ્ય સિનીયર સીટીઝન ક્રિકેટ ટુર્નામેન્ટ” આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનના ભાગરૂપે એસ.સી.સી.એ દ્વારા ૨૯મી અને ૩૦મી નવેમ્બર તેમજ ૧લી અને ૨જી ડીસેમ્બર-૨૦૧૮ એમ ચાર દિવસ આંતર રાજ્ય સિનીયર સીટીઝન ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૧/૨૦૨, આર.આર.કેબલ ગ્રાઉન્ડ, વાઘોડિયા-ખંધા રોડ, વાઘોડિયા ખાતે યોજાશે. જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રની બે ટીમ સહિત કુલ ૧૩ ટીમો ભાગ લેશે. ચાર દિવસ ચાલનારી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૬૦ વર્ષ થી ૮૪ વર્ષ સુધીના નવયુવાન સીનીયર સીટીઝન રમશે.
સિનીયર સીટીઝન ક્રિકેટ એસોસિએશન (એસ.સી.સી.એ.) વડોદરા દ્વારા યોજાનાર આંતર રાજ્ય સિનીયર સીટીઝન ક્રિકેટ ટુર્નામેન્ટ”ની માહિતી પત્રકારોને આપતાં સંસ્થાના પ્રમુખ શંકરભાઈ પટેલે જણાવ્યું હતું કે, એસ.સી.સી.એ સંસ્થાની સ્થાપના વર્ષ ૨૦૧૩માં થઇ હતી. જોકે સ્થાપના પહેલા જ વર્ષ ૨૦૦૭થી જ વડોદરાની ૪ ટીમ થી ક્રિકેટ ટુર્નામેન્ટ રમવાની શરૂઆત કરાઈ હતી. એમાંય સમય સાથે સંખ્યા વધતા વડોદરાની ૧૦ ટીમો રમવા લાગી હતી. તે વખતે વ્રજધામ પરિવારના શ્રી શાંતિભાઈ શાહની આગેવાની હેઠળ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાતી હતી. આ ટુર્નામેન્ટનો સંપૂર્ણ ખર્ચ શ્રી વાસુદેવભાઈ ઠક્કર (સરકારશ્રી) દ્વારા કરવામાં આવતો હતો. વાસુદેવભાઈએ સતત ૭ વર્ષ સુધી સહયોગ આપ્યો હતો. તે પછી સિનીયર સીટીઝન ક્રિકેટ એસોસિએશન દ્વારા દર વર્ષે ટુર્નામેન્ટ યોજાવાની શરૂઆત કરવામાં આવી. એસ.સી.સી.એમાં હાલમાં ૧૬૫ સભ્યો છે. જેમાં ૬૦ વર્ષથી લઈને ૮૪ વર્ષ સુધીના યુવા સિનિયરો ખેલ મહાકુંભ તથા અન્ય પ્રવૃત્તિ જેવી કે બેડમિન્ટન, ટેબલ ટેનીસ, રનીગ, સ્વિમિંગ સહિતના સ્પોર્ટ્સમાં ભાગ લઈને વડોદરાનું નામ રોશન કરી રહ્યા છે.
ચાર દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી કુલ ૧૩ ટીમો ભાગ લેશે. જેમાં ગુજરાતમાંથી સુરેન્દ્રનગર, નવસારી, રાજકોટ, જામનગર તથા મુંબઈની બે ટીમોનો સમાવેશ થાય છે. આ મેચમાં વડોદરા સિનીયર સીટીઝન સભ્યોની પણ ૭ ટીમો ભાગ લેશે. આ ઉપરાંત વડોદરાના જુદાજુદા વ્યવસાય ધરાવતાં તબીબો, ચાર્ટડ એકાઉન્ટન્ટ, સુમનદીપ અને આર.આર.કેબલના વોલેન્ટીયર્સની ટીમો ભાગ લેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પત્રકાર પરિષદમાં ચેરમેન લાયન વાસુદેવ ઠક્કર, વાઈસ પ્રેસીડેન્ટ મુકેશ પટેલ, સેક્રેટરી નિરંજન પટેલ, જોઈન્ટ સેક્રેટરી અશ્વિન એસ્લોટ, જોઈન્ટ ટ્રેઝરર ધીરુભાઈ પટેલ, કમિટી મેમ્બર જે.સી.પટેલ, અરવિંદ પટેલ, રઘુવીર દેસાઈ તેમજ એડવાઇઝરી કમિટીના સભ્યોમાં નેવિલે વાડિયા, શાંતિભાઈ શાહ, અરવિંદ રાવલ તેમજ ગૌરાંગ દેસાઈ હાજર રહ્યા હતા.