મી. રિપોર્ટર, વડોદરા, ૨૫મી ડિસેમ્બર.
શહેરથી 22 કિલોમીટર દૂર રાભીપુરાના તલાટી કમ મંત્રીએ અઢી વર્ષની બાળકી ના જન્મના દાખલાને બદલે મરણનો દાખલો આપી દેતા ભારે હોબાળો મચ્યો હતો. જોકે ભારે વિવાદ બાદ તંત્રે ઘોર બેદરકારી દાખવનાર તલાટી કમ મંત્રીને નોટીસ પાઠવી ખુલાસો પૂછી શિક્ષાત્મક પગલા ભરવાની જાહેરાત કરીને વિવાદ ટાળવાની કોશિશ કરી છે.
શહેર નજીકના રાભીપુરા ગામે રહેતા મિથિલ પટેલ પોતાની અઢી વર્ષની બાળકી શક્તિને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા ઇચ્છતા હતા. જેથી અંગ્રેજી ભાષામાં લખેલો જન્મનો દાખલો લેવા ગ્રામ પંચાયતની કચેરીમાં ગયા હતા. જ્યાં આલમગીર-રાભીપુરા જુથ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી એન.સી. પટેલે ઘોર નિષ્કાળજી દાખવી અઢી વર્ષની માસુમ બાળકી શક્તિ માટે જન્મનો દાખલો આપવાને બદલે તેના પિતા મિથિલ પટેલને મરણનો દાખલો પકડાવી દીધો હતો. ઘટનાના પગલે ભારે હોબાળો થયો હતો.
જન્મ ના દાખલા ના બદલે મરણ નો આપેલા દાખલા અંગે બાળકીના દાદાએ તાલુકા વિકાસ અધિકારી હિતેન્દ્ર સી પટેલને રજૂઆત કરી હતી. ઘટના સંદર્ભે ટી.ડી.ઓ.એ જણાવ્યું હતું કે, તલાટી કમ મંત્રીને અંગ્રેજી ભાષાનું પુરતું જ્ઞાન ન હોવાના લીધે સમજ ફેર થતા ગંભીર પ્રકારની ક્ષતિ સર્જાઇ હતી.