વડોદરા-મિ.રિપોર્ટર, ૨૯મી માર્ચ
વડોદરા સહીત રાજ્યના વિવિધ શોપિંગ મોલમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા ખરીદી કરવા માટે આવતા લોકોની અંગજડતી કરવાની સાથે ખોટી રીતે કનડગત કરાય છે. જો કોઈ વ્યક્તિ દ્વારા વિરોધ કરવામાં આવે છે તો પોલીસ વિભાગનો આદેશ છે, એમ કહીને સામે ધમકાવે છે. જોકે બીજીબાજુ પોલીસના આવા આદેશ કે કાર્યવાહી અંગે તપાસ કરતા માલુમ પડ્યું કે, પોલીસ વિભાગ કે સિક્યુરિટી ગાર્ડને કોઈપણ વ્યક્તિની શારીરિક તપાસ કે અંગજડતી લેવાનો કોઈ અધિકાર નથી. જો અંગજડતી લેવી આવશ્યક હોય તો વ્યક્તિની પરવાનગી લેવી જરૂરી છે. પરવાનગી વગર તેઓ અંગજડતી કે શારીરિક તપાસ કરે તો સીધેસીધું માનવ અધિકારનો ભંગ બને છે.
માનવ અધિકારના કાયદા અંગે હ્યુમન રાઈટ્સ એજ્યુકેશનના ડાયરેક્ટર મુકેશ ગુપ્તાએ મિસ્ટર રિપોર્ટર ન્યૂઝ પોર્ટલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોઈપણ શોપિંગ મોલમાં સિક્યુરિટી કે સુરક્ષાની તપાસવા માટે મેટલ ડિટેક્ટર નો ઉપયોગ કરી શકાય છે. આ જ મેટલ ડિટેક્ટર દ્વારા કોઈપણ વ્યક્તિ ની સિક્યુરિટી તપાસ પણ થઇ શકે છે. આમ છતાય વડોદરા સહિત રાજ્યભરના જુદાજુદા શોપિંગ મોલમાં આવતા લોકોની મરજી વિરુદ્ધ અંગજડતી કે શારીરિક તપાસ કરવામાં આવી રહી છે. આ પ્રકારની કાર્યવાહી એ સીધેસીધું ભારતીય માનવ અધિકાર ભંગ કરે છે, ઘણા કિસ્સાઓમાં તો સિક્યુરિટી ગાર્ડ અંગજડતી કે શારીરીક તપાસમાં નામે પોતાની મર્યાદા પણ ઓળંગી લે છે. તેઓ વ્યક્તિની મરજી વિરુદ્ધ ખોટી રીતે શારીરિક અડપલા પણ કરી લે છે. એટલેકે ” બેડ ટચ ” કરી લે છે, એટલું જ નહીં જાણે તેઓ ગુનેગાર હોય તેઓ વ્યવહાર પણ કરે છે. આ બંને બાબતો માનવ અધિકાર કાયદાની વિરુદ્ધ છે. જો તમારી સાથે પણ આવો જ કોઈ બનાવ બન્યો હોય તો તમે મિસ્ટર રિપોર્ટર ન્યુઝ પોર્ટલ પર જણાવી શકો છો, અમે તમારાં આવા પ્રશ્નો ના સમાધાન માં મદદરૂપ બનીશું.