મુંબઈ-ક્રિકેટ, ૧૬મી મે
મુંબઈએ IPLમાં ચોથી વખત જીત મેળવ્યા બાદ રોહિત શર્મા સાતમા આસમાને છે. મુંબઈની ટીમ સાથે વિજયનું શાનદાર જશ્ન મનાવ્યા બાદ રોહિત શર્મા પરિવાર સાથે વેકેશનની મઝા માણવા માટે ઉપડી ગયો છે. રોહિત પત્ની રિતિકા અને દીકરી સમાયરાને લઈને માલદીવના નયનરમ્ય બીચ પર પહોંચી ગયો છે. રોહિત ત્યાંથી પોતાના ફેન્સ સાથે તસવીરો શેર કરીને અપડેટ આપતો રહે છે.
રોહિત ની સાથે તેનો સાળો પણ વેકેશન માણી રહ્યો છે. રોહિત વર્લ્ડ કપ શરૂ થતાં પહેલા જ પત્ની અને દીકરી સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યો છે. માલદીવ આમ પણ સેલિબ્રિટીઝનું ફેવરિટ વેકેશન ડેસ્ટિનેશન છે. માલદીવના દરિયાનું બ્લૂ પાણી અહીં આવતા પ્રવાસીઓનું દિલ જીતી લે છે. રોહિત શર્મા પણ અહીંના ‘વાદળી’ રંગના પ્રેમમાં પડી ગયો છે. તસવીર શેર કરીને તેણે લખ્યું, ‘ચારેબાજુ બ્લૂ, આઈ લવ ઈટ!’