બળાત્કારીને મોતની સજા : ટ્યૂશનમાં સાથે ભણતા છોકરાએ ગેંગરેપ કર્યો , 14 વર્ષની છોકરી ઢળી પડી

www.mrreporter.in
Spread the love

ક્રાઈમ- ઉત્તરપ્રદેશ, મી.રિપોર્ટર, 3જી એપ્રિલ. 

ઉત્તરપ્રદેશના મેરઠ ની એક  હાઈસ્કૂલમાં ભણતી 14 વર્ષની છોકરી પર  તેની સાથે ટ્યુશનમાં જ સાથે ભણતા એક છોકરા તથા તેના ત્રણ મિત્રોએ ગેંગરેપ કર્યો હતો. ગેંગરેપની ઘટના બાદ છોકરી ઘરના દરવાજા પાસે પહોંચતા જ ઢળી પડી હતી, તેણે બળાત્કારીઓના નામ આપ્યા હતા અને થોડા સમયમાં જ દમ તોડી દીધો હતો. ગેંગરેપની ઘટના સામે આવતા જ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

ગેંગરેપ અંગે મેરઠ ગ્રામ્યના એસપી કેશવ કુમારના જણાવ્યા અનુસાર, ગેંગરેપ બાદ આઘાતમાં સરી પડેલી છોકરીએ જાતે જ ઝેર પી લીધું હોઈ શકે છે. છોકરીના ઘરમાંથી ચાર લાઈનની એક સ્યૂઈસાઈડ નોટ મળી છે. જેમાં જણાવાયું છે કે, ટ્યૂશનમાં સાથે ભણતા એક છોકરાએ પોતાના ત્રણ મિત્રો સાથે તેના પર ગેંગરેપ કર્યો હતો, અને તેને આપઘાત કરવાની ફરજ પાડી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ સ્યૂઈસાઈડ નોટના અક્ષર છોકરીના અક્ષર સાથે મેચ થાય છે.

તો બીજીબાજુ  છોકરીના એક પરિવારજનના જણાવ્યા અનુસાર, તે ટ્યૂશન જવાનું કહી બપોરે 3.30 કલાકે ઘરેથી નીકળી હતી. અંદાજે સવા પાંચ વાગ્યાની આસપાસ તે ઘરે આવી હતી, અને દરવાજા પાસે જ ઢળી પડી હતી. છોકરીના કાકાએ આ મામલે લખન નામના 18 વર્ષીય યુવક અને ત્રણ અજાણ્યા શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓ સામે પોક્સો, ગેંગરેપ તેમજ મર્ડરના ગુના દાખલ કર્યા છે. જેમાં લખન ની ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરી છે.