રાજકોટમાં કાર ચલાવતી મહિલાએ બે વિદ્યાર્થિની ને ટક્કર મારી, એક નું મોત : ઘટના CCTV માં કેદ થઇ…જુઓ…..

Spread the love

રાજકોટ, મિ.રિપોર્ટર, ૩૧મી જાન્યુઆરી. 

શહેરની વીરબાઇમા મહિલા કોલેજમાં બીસીએમાં અભ્યાસ કરતી ત્રણ બહેનપણી પંચાયતનગર ચોક બસ સ્ટોપ પાસેથી ચાલીને કોલેજ જઈ રહી હતી તે વેળાએ પુરઝડપે કાર ચલાવતી મહિલા ચાલકે પાછળથી ત્રણ પૈકી બંનેને કારની ઠોકરે લેતા જ બે વિદ્યાર્થિનીને ફંગોળાઈને રોડ પર પડી હતી, જ્યાં એક વિદ્યાર્થિનીનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જયારે અન્ય એક વિદ્યાર્થિની ગંભીર રીતે ઘવાઈ હતી, તેને અન્ય એક વિદ્યાર્થિનીની મદદથી હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેની હાલ ઘણી ગંભીર હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર ઘટના  સીસીટીવીમાં કેદ થઇ છે. તો બીજીબાજુ પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે.  

વીરબાઇમા મહિલા કોલેજમાં બીસીએમાં અભ્યાસ કરતી ચાર્મી વિઠલભાઇ વઘાસિયા (ઉ.વ.18) અને  ગોપી અશ્વિનભાઇ પરસાણા (ઉ.વ.18) યુનિવર્સિટી રોડ પર બોમ્બે હાઉસિંગ સોસાયટીમાં રૂમ ભાડે રાખીને રહે છે. જયારે તેની સહેલી નેન્સી દિનેશભાઇ સાપરિયા (ઉ.વ.19) સોમનાથ સોસાયટીમાં રહે છે. આ ત્રણે બહેનપણીઓ  કોલેજે જવા ચાલીને પંચાયતનગર ચોક બસ સ્ટોપે જવા નીકળ્યા હતા. ત્યારે ચાર્મી મોદી નામની મહિલાએ પાછળથી બંનેને કારની ઠોકરે લઈને ફૂટબોલની જેમ ઉછાળી હતી. ઘટનાને પગલે લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા. જોકે કોઈ સારવાર મળે તે પહેલા જ ચાર્મી વઘાસીયાનું મોત નીપજ્યું હતું અને ગોપીને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. 

બે વિદ્યાર્થિનીને અડફેટે  લેનાર કારની ચાલક મહિલા હોવાનું અને ઘટના બાદ તે કાર મુકીને  નાસી ગઇ હતી. પોલીસે ગોપી પરસાણાની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને ચાર્મી અપૂર્વ મોદીની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કારચાલક ચાર્મી મોદી તેના પુત્રને એસએનકે સ્કૂલેથી મૂકીને પોતાના ઘર તરફ જતી હતી ત્યારે રસ્તામાં કૂતરું આડું ઉતરતાં ચાર્મી મોદીએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ચાર્મી વઘાસિયાનું કારની અડફેટે મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે,  નેન્સી રસ્તાની સાઇડમાં ચાલી રહી હોવાથી તેનો ચમત્કારિક બચાવ થયો હતો.

આશાસ્પદ પુત્રીનાં મોતની જાણ થતાં ખેડૂત પરિવાર દોડી આવ્યો હતો

કારની અડફેટે મૃત્યુ પામનાર જેતપુરના મેવાસા ગામની વતની ચાર્મી વઘાસિયા બે બહેન અને એક ભાઇમાં વચેટ હતી. અભ્યાસમાં તેજસ્વી ચાર્મી રાજકોટમાં રૂમ રાખીને વીરબાઇમા મહિલા કોલેજમાં બીસીએમાં અભ્યાસ કરતી હતી. તેના પિતા ખેતી કરી ગુજરાન ચલાવે છે. પુત્રીના આકસ્મિક મોતની જાણ થતાં મેવાસાથી ચાર્મીના પરિવારજનો રાજકોટ દોડી આવ્યા હતા. પુત્રીનો મૃતદેહ જોઇ તેમણે કરેલા આક્રંદથી ગમગીની છવાઇ ગઇ હતી.