‘ચોકીદાર ચોર હૈ’ ના નિવેદન પર રાહુલ ગાંધીનો સુપ્રિમ કોર્ટમાં યુટર્ન, ચૂંટણી પ્રચાર દરમિયાન ઉત્સાહમાં આવીને નિવેદન કર્યું : રાહુલ ગાંધી

Spread the love

નવી દિલ્હી, મિ.રિપોર્ટર, ૨૧મી એપ્રિલ

છેલ્લા ચાર મહિનાથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ જાહેર મંચ પર ‘ચોકીદાર ચોર હૈ’ નો નારો લાગનાર અને નિવેદન આપનારા કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ સોમવારે સુપ્રીમ કોર્ટ સમક્ષ કોર્ટનો હવાલો આપી ‘ચોકીદાર નરેન્દ્ર મોદી ચોર હૈ’ના પોતાના નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો હતો. કોર્ટની અવમાનના કરવાની પિટિશનમાં પોતાનો જવાબ આપતા રાહુલ ગાંધીએ કોર્ટને જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રચાર દરમિયાન ઉત્સાહમાં આવી તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. આ નિવેદનનો તેમના વિરોધીઓ દ્વારા  દુરુપયોગ કરાયો હતો.

કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ સોમવારે સુપ્રીમ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, ‘મારું નિવેદન ચૂંટણી પ્રચાર દરમિયાન ઉત્સાહમાં અપાયું હતું. મારા રાજકીય વિરોધીઓએ મારા આ નિવેદનને  જાણે જાણી જોઈને અને ઈરાદાપૂર્વક સુપ્રીમ કોર્ટે ચોકીદાર ચોર હૈ કહ્યું હોય તેમ તેનો પ્રચાર કર્યો હતો. લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન તેમણે આ નિવેદન કોર્ટના 10 એપ્રિલના રોજ અપાયેલા ઓર્ડરને જોયા કે વાંચ્યા વિના જ આપ્યું હતું. કોર્ટની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવાનો તેનો કોઈ ઈરાદો નહોતો.’

અત્રે ઉલ્લેખનીય છે કે, નવી દિલ્હીના ભાજપના સાંસદ મિનાક્ષી લેખીએ  રાહુલ ગાંધી દ્વારા અપાયેલા આ નિવેદન સામે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી હતી. ડિસેમ્બર 2018માં રફાલ ડીલમાં સરકારને ક્લીન ચિટ આપનારી કોર્ટે 10 એપ્રિલે જણાવ્યું હતું કે તે કેટલાક લીક થયેલા દસ્તાવેજના આધારે આ મામલે કરાયેલી રિવ્યૂ પિટિશન પર સુનાવણી કરશે. કોર્ટે આ મામલે સરકાર દ્વારા લેવાયેલા પ્રાથમિક વાંધાને પણ નકારી દીધો હતો.

કોર્ટના આ નિર્ણય બાદ રાહુલ ગાંધીએ ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, હું મહિનાઓથી કહી રહ્યો છું કે પીએમ મોદીએ એરફોર્સના રુપિયા અનિલ અંબાણીને આપી દીધા, ને  હવે તો સુપ્રીમ કોર્ટે પણ આ વાતનો સ્વીકાર કર્યો છે. કોર્ટ આ મામલાની તપાસ પણ કરવાની છે. મિનાક્ષી લેખીની પિટિશન પર સુપ્રીમે સ્પષ્ટતા કરી હતી કે, રફાલ જજમેન્ટમાં તેણે ક્યાંય ચોકીદાર નરેન્દ્ર મોદી ચોર હૈ જેવું કહ્યું જ નથી.