MSUના AGSG ગ્રુપના પ્રમુખ પ્રિયાંક દેસાઈએ બર્થ-ડે પાર્ટીમાં કરેલા 6 રાઉન્ડ ફાયરિંગના મામલે નોંધાઇ પોલીસ ફરિયાદ

વડોદરા, ૫મી નવેમ્બર. 

JDUના આગેવાન અને ઝઘડીયા તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ પ્રકાશ દેસાઇના પુત્ર પ્રિયાંક દેસાઈએ જન્મદિવસની પાર્ટીમાં હવામાં છ રાઉન્ડ ફાયરીંગ કર્યું હોવાનો વીડિયો સોશિયલ મીડીયામાં વાઇરલ થયો હતો. મામલાની ગંભીરતાને જોઇને પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ફાયરિંગ કરનાર પ્રિયાંક દેસાઇ વડોદરાની એમ.એસ. યુનિવર્સીટીમાં સક્રિય એજીએસજી ગૃપનો પ્રમુખ પણ છે.

વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીમાં સક્રિય વિદ્યાર્થી સંગઠન AGSG ગ્રુપના પ્રમુખ પ્રિયાંક દેસાઈ પોતાની બર્થ ડે પાર્ટીમાં હવામાં છ રાઉન્ડ ફાયરીંગ કરીને કેક કાપી હોવાનો વિડિયો સોશ્યલ મિડિયામાં વાઇરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. AGSG પ્રમુખે પોતાની બર્થ ડે પાર્ટીનું એક ફાર્મ હાઉસ પર આયોજન કર્યું હતું. જેમાં એમ.એસ.યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પોતાની બર્થ ડે પાર્ટીમાં કેકે કાપતા પહેલા પીસ્તોલમાંથી હવામાં છ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. બાદમાં તલવાર વડે કેક કાપીને બર્થ ડે સેલિબ્રેશન કર્યું હતું. પ્રિયાંક દેસાઈએ હવામાં ફાયરીંગ કરતો વિડિયો તેમના સમર્થકોએ વિવિધ સોશ્યલ મડિયા સાઇટ પર મૂક્યો હતો. જેના પગલે વિડિયો વાઇરલ થઇ જવા પામ્યો હતો. જે કેક કાપવામાં આવી હતી તે પણ ટાઇગર નામ લખવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં શક્તિ પ્રદર્શનના ભાગરૂપે હવામાં ફાયરીંગ કરવામાં આવ્યું હોવાનું ચર્ચાય રહ્યું છે. એમ.એસ.યુનિવર્સિટીના AGSGના વિદ્યાર્થી આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં બર્થ ડે પાર્ટીમાં ઉપસ્થિત રહ્યા હતા. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.