‘હાર્દિક પાટીદાર સમાજનો ગદ્દાર’ લખાણવાળા અમદાવાદમાં પોસ્ટર લાગ્યા : પાટીદાર નારાજ હાર્દિક થી ભારે નારાજ..વાંચો કેમ ?

Spread the love

અમદાવાદ-મિ.રિપોર્ટર, ૨૦મી માર્ચ

આંદોલનના  નેતા અને હવે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ  વિરૂદ્ધ પાટીદાર સમાજમાં આકરો રોષ જોવા મળી રહ્યો છે. આજે અમદાવાદમાં હીરાવાડી વિસ્તારમાં ‘હાર્દિક પાટીદાર સમાજનો ગદ્દાર’ લખાણવાળા  પોસ્ટર લાગ્યા હતાં.  અમદાવાદ ઉપરાંત જામનગર, ધ્રોલ, સુરત અને અન્ય શહેરોમાં પણ આ પ્રકારના પોસ્ટર્સ લાગ્યાં છે. આ પોસ્ટર્સમાં હાર્દિક શા માટે ગદ્દાર છે તેના કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

પાટીદાર સમાજના યુવાનો દ્વારા લગાવામાં આવેલા પોસ્ટરમાં હાર્દિકના રાજકારણમાં જોડાવાના નિર્ણય પ્રત્યે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ પોસ્ટરમાં હાર્દિક પર રાજકીય લાભ ખાટવાનો આરોપ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત પોસ્ટરમાં  અલ્પેશ કથીરીયા, શહીદ પાટીદારોને ન્યાય, પાટીદારોના અન્ય પ્રશ્નો નહિ ઉકેલવા માટે  હાર્દીકને ગદ્દાર કહીને સંબોધન કરવામાં આવ્યું છે. પાટીદારોના ગઢ ગણાતા સુરતના વરાછાના હીરાબાગમાં હાર્દિક પટેલને સમાજનો ગદ્દાર ગણાવી તેના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે,  તાજેતરમાં જ અમદાવાદમાં ગોતા વિસ્તારમાં આવેલા પ્રસંગ પાર્ટી પ્લોટમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન હાર્દિક પટેલ દ્વારા થયું હતું. જોકે, આ કાર્યક્રમમાં પાસના બે જૂથ આમને સામને આવી ગયા હતાં. આ બે જૂથ વચ્ચે હાર્દિકના પોસ્ટર મામલે ભારે ધાંધલધમાલ થઇ હતી.