દેશમાં પ્રદૂષણ એક મોટી સમસ્યા : ગુજરાતનું એવું ગામ કે જ્યાં છેલ્લા ચાર વર્ષથી કોઈ ફટાકડા ફોડતું નથી..જાણો કયું ?

Spread the love

મિ.રિપોર્ટર,  ૮મી નવેમ્બર. 

દેશમાં પ્રદૂષણ એક મોટી સમસ્યા બની ગઇ છે. તેમાં પણ દિવાળી નિમિત્તે ફોડાતા ફટાકડાને કારણે બેફામ વાયુ પ્રદૂષણ થાય છે. જો કે વેરાવળ તાલુકાના બાદલપરા ગામમાં છેલ્લા વર્ષથી દિવાળી નિમિત્તે ફટાકડા ફોડવામાં આવતા નથી. ગામ ની પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓએ જ ફટાકડા ન ફોડવાનો નિર્ણય લીધો છે.

પાંચ હજારની વસ્તી ધરાવતા બાદલપરા ગામને આદર્શ ગામનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. માત્ર એટલું જ નહીં, આ ગામમાં દેશની આઝાદી બાદ ક્યારેય ગ્રામ પંચાયતની ચૂંટણી પણ થઈ નથી અને સમરસ તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી ચૂક્યું છે.  ગામની આખી પંચાયત મહિલા સંચાલિત છે, ગામમાં એક પણ ગુટકાની દુકાન પણ નથી, તેમજ સ્વચ્છતા માટે પણ અનેક એવોર્ડ મેળવ્યા છે, ત્યારે ગામ લોકોએ ફટાકડા ન ફોડીને પણ સમાજને એક અનોખી રાહ ચીંધી છે.

ગામના રહેવાસી ભીખાભાઇ બારડે જણાવ્યા મુજબ, ભારત ભરમાં તમામ જગ્યાએ ફટાકડા ફોડવામાં આવે છે પણ અમારા ગામના બાળકો ફટાકડા ફોડતા નથી. પરંતુ દિપ પ્રગટાવી નવા વર્ષને વધાવે જ્યારે બાળકો પણ ફટાકડા ફોડવાની હઠ લેતા નથી. બાદલપરા સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો દ્વારા જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમારા ગામમાં તો લગ્ન પ્રસંગે ડીજે પણ વગાડવામાં આવતું નથી.