ફેડરેશન ઓફ ઇન્ડિયન અમેરિકન એસોસિયેશન-જ્યોર્જિયાના નેજા હેઠળ ભવ્ય આયોજન : ગોકુલધામમાં આયોજિત કાર્યક્રમ વેળા મિનિ ભારતનો નજારો જોવા મળ્યો

એટલાન્ટા- અમેરિકા, મિ.રિપોર્ટર, ૨૯મી જાન્યુઆરી.

અમેરિકાના એટલાન્ટા સિટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલીના યજમાનપદે પહેલી વખત પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું આયોજન કરાયું હતું. ફેડરેશન ઓફ ઇન્ડિયન અમેરિકન એસોસિયેશન ઓફ જ્યોર્જિયાના નેજા હેઠળ આયોજિત દેશભક્તિ, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાર્યક્રમોથી સભર ત્રિવેણી સંગમની સાથે 300 ફુટ લાંબા તિરંગા સાથેની પરેડમાં ભારતીય સમુદાય મોટી સંખ્યામાં ઉમટી પડ્યો હતો. ગોકુલધામમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી વેળા ઉપસ્થિત રહેલા એટલાન્ટાના કોન્સલ જનરલ ઓફ ઇન્ડિયા ડૉ.સ્વાતિ કુલકર્ણીએ તિરંગો લહેરાવ્યો હતો.

ગોકુલધામ હવેલીના યજમાનપદે અને ફેડરેશન ઓફ ઇન્ડિયન અમેરિકન એસોસિયેશન ઓફ જ્યોર્જિયાના નેજા હેઠળ ભારતના 70 મા પ્રજાસત્તાક પર્વની દેશભક્તિની ભાવના સાથે ઉજવણી કરાઇ હતી. આ કાર્યક્રમમાં જ્યોર્જિયા-એટલાન્ટામાં કાર્યરત ભારતીય-ગુજરાતી સમાજની 38 જેટલી સંસ્થાઓ સામેલ થઇ હતી. ગોકુલધામના ચેરમેન અશોક પટેલ, એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવા, અગ્રણી બોબી પટેલ, હેતલ શાહ, કિન્તુ શાહ, સમીર શાહ, એફ.આઇ.એ.ના પ્રમુખ વાસુદેવ પટેલ તેમજ હોદ્દેદારો સંજય પ્રકાશ, રીના ગુપ્તાની આગેવાની હેઠળ રવિવારે બપોરે 3.30 કલાકે કલાકે 300 ફુટ લાંબા તિરંગા સાથે ભવ્ય પરેડનો પ્રારંભ થયો હતો. ગોકુલધામના પ્રાંગણમાં વંદે માતરમ્ અને ભારત માતા કી જયના જયઘોષ સાથે યોજાયેલી આ પરેડથી વિદેશની ધરતી પર ભારતીય સમુદાયની દેશભક્તિનો માહોલ છવાયો હતો. એટલાન્ટા અને તેની આસપાસના શહેરોમાંથી અંદાજે 1000 જેટલાં ભારતીયો પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સામેલ થયા હતા.

This slideshow requires JavaScript.

ધ્વજારોહણ બાદ ગોકુલધામના જગદગુરુ હોલમાં આયોજિત કાર્યક્રમમાં વૈષ્ણવાચાર્ય પૂ.દ્વારકેશલાલજી મહારાજ(વડોદરા)એ વિડિયો દ્વારા ભારતીય સમુદાયને રાષ્ટ્રીય પર્વની શુભકામના પાઠવી કાર્યક્રમના આયોજન માટે પ્રસન્નતા વ્યક્ત કરી હતી.એટલાન્ટાના કોન્સલ જનરલ ઓફ ઇન્ડિયા ડૉ.સ્વાતિ કુલકર્ણીએ ભારતીય સમુદાયને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવતાં એફ.આઇ.એ. અને ગોકુલધામ દ્વારા આયોજિત આ કાર્યક્રમના આયોજનની પ્રશંસા કરી હતી.

કોન્સલ જનરલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મેક ઇન ઇન્ડિયા, ડિઝિટલ ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયાના મંત્રથી ભારતની થઇ રહેલી આર્થિક પ્રગતિ અને વિકાસ કૂચની વૈશ્વિક સ્તરે નોંધ લેવાઇ હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત અમેરિકા ભારતનું સશક્ત બિઝનેશ પાર્ટનર હોવાનો ઉલ્લેખ કર્યો હતો.સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભક્તિને ઉજાગર કરતા ડાન્સ તેમજ ક્લાસિકલ નૃત્ય રજૂ થયા હતા. આ ઉપરાંત ભારતના વિવિધ રાજ્યોના પહેરવેશ સાથેના ગોકુલધામ ફેશન શો સહિતના આ કાર્યક્રમે આકર્ષણ જમાવ્યું હતું.

પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં તિરંગા થીમ આધારિત ભોજન પીરસાયું

ગોકુલધામમાં યોજાયેલા પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમમાં ભાગ લેનાર ભારતીયોને તિરંગા થીમ આધારિત નિ:શુલ્ક ભોજન પીરસાયું હતું. તિરંગા બરફી, તિરંગા ઢોકળાં, તિરંગા રાઇસ તેમજ કેસરિયા પનીર-ટીકા સબજી-દાલફ્રાય અને ફ્રાઇમ્સ સહિતના સ્વાદિષ્ટ તિરંગા ભોજન-ડીશને ગોકુલધામ કિચન ટીમના સ્વયંસેવકો ભાનુબહેન પટેલ, હસુભાઇ પટેલ, રંજનબહેન સિરોયા, સોહિનીબહેન-પ્રકાશ પટેલ, અશ્વિન પટેલ, નિકશન પટેલ, સતિષ ઘીવાલા અને સ્નેહા શાહે ટચ આપી દેશભક્તિનો માહોલ ઊભો કર્યો હતો.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: