વડોદરા, એજ્યુકેશન, મિ.રિપોર્ટર, ૯મી માર્ચ
પોતાના સંતાનોની માતા-પિતાએ બીજાના સંતાનો સાથે સરખામણી કરવી ન જોઇએ. માતા-પિતાની આ આદતના લીધે મોટાભાગના સ્ટુડન્ટો તો માર્ક્સ અને પરિણામની અપેક્ષા પૂર્ણ નહિ થાય તે જ બીકે જ આપઘાત કરવા મજબૂર બની જાય છે. મારા માટે તો સ્ટુડન્ટો ને સ્ટ્રેસ આપવા માટે માતા-પિતા જ મુખ્ય જવાબદાર હોય છે એમ યો દોસ્ત નામની વેબસાઇટ સંચાલિકા અને 70 હજાર લોકોને આત્મહત્યા કરતા રોકવામાં સફળતા પ્રાપ્ત કરનાર રિચા સિંગે પારૂલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ લો દ્વારા વડોદરામાં વ્યવસાયની પસંદગીમાં જાતીય સમાનતા વિષય પર એક દિવસીય સેમિનાર પ્રસંગે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
આઇ.આઇ.ટી. ગુહાટીના પૂર્વ વિદ્યાર્થીની અને યો દોસ્ત નામની વેબસાઇટ સંચાલિકા રિચા સિંગે વધુમાં જણાવ્યું હતું કે, 4 વર્ષ પૂર્વે શરૂ કરવામાં આવેલી યો દોસ્ત વેબસાઇટ દ્વારા 70 હજાર લોકોને આપઘાત કરતા બચાવી લેવામાં આવ્યા છે. કાઉન્સિલીંગ દ્વારા આપઘાતનો વિચાર કરનાર પોતાનો વિચાર પડતો મૂકે છે. દીશા શોધીને પોતાનો લક્ષ્યાંક પૂરો કરે છે. તેમણે જણાવ્યું હતું કે, આજકાલ પેરેન્ટ્સ દ્વારા પોતાના સંતાનોને ડોક્ટર, એન્જિનીયર, આઇ.એ.એસ. જેવી લાઇનમાં જવા માટે પ્રેશર કરતા હોય છે. આ ઉપરાંત પેરન્ટ્સ દ્વારા પોતાની સોસાયટીના સંતાનો દ્વારા લાવવામાં આવતી ટકાવારીનો દાખલો આપીને પ્રેશર કરતા હોય છે. જેના કારણે સંતાન ત્રાસીને આપઘાતનો માર્ગ અપનાવતા હોય છે. 17 વર્ષથી 35 વર્ષની ઉંમરના લોકોમાં આપઘાતનો વિચાર વધુ કરે છે.
પારૂલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ લો અને નેશનલ કમિશન ફોર વુમન ન્યુ દિલ્હી દ્વારા વડોદરા ખાતે આયોજીત સમિનારમાં કાયદા ક્ષેત્રના નિષ્ણાત ડો. ફ્લાવિયા એગ્નેસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મહિલાઓના અધિકાર તેમજ સામાજિક આફતો સામેની સતત લડત વિષે માહિતી પૂરી પાડી હતી. તેમણે અંદાજે 50,000 જેટલી મહિલાઓને કાયદાકીય સહાય તેમજ 15000 મહિલાઓને સલાહ આપી છે. તેમણે જણાવ્યું હતું કે, આપણા સમાજમાં મહિલાઓ અને પુરૂષો માટે વ્યવસાયમાં અલગ-અલગ ધારાધોરણ રાખવામાં આવેલા છે. પરંતુ, હવે તે માનસિકતા રાખવી જોઇએ નહિં. મહિલાઓ પણ પુરૂષો જે કામ કરી શકે છે., તે મહિલાઓ પણ કરી શકે છે. જયારે પારૂલ યુનિવર્સીટીના ડાયરેક્ટર ડો.ગીતિકા દેવાંશુ પટેલે વ્યવસાયની પસંદગીમાં જાતીય સમાનતા વિષય પર એક દિવસીય સેમિનાર અંગેની જાણકારી આપી હતી.