બિટવીન ધી લાઈન્સ
(હવે થી માત્ર દર રવિવારે)
લેખિકા : અલ્પા જોષી
બીજો અને અંતિમ ભાગ….
એટલે લગ્ન પણ કર્યા પણ વિચારમાં મતભેદને લીધે અમે સાથે ન રહી શક્યા. છૂટા પડ્યા. ત્યારથી એકલો જ રહ્ું છું. જ્યારે તને પહેલીવાર જોઈ ત્યારે જોતો જ રહી ગયો. આ ‘પંક્તિ’ મારી જ ‘પંક્તિ’ તો નથી? તારું નામ ‘પંક્તિ’ મારું આપેલું છે. અનુને હું પંક્તિ જ કહેતો. કેમ કે એ મારી કવિતાની પંક્તિ હતી. તારું નામ જ એ સાબિત કરે છે કે અનુ મને ચાહે છે નહીંતર આમ તારું નામ પંક્તિ ન રાખત.’
‘સર, હું મમ્મી જોડે વાત કરુ છું. પછી તમને ફોન કરીશ એટલે તમે ઘરે આવજો. આપણે મમ્મીની અંદર મરેલી સંવેદનાને ફરી જગાડી દઈશું. તમે આવશોને?’
આનંદ કશું બોલી ના શક્યો. ગળે કંઈક પ્રચંડ વેગ ભરાયો જે પુરુષસહજ સ્વભાવે નીકળી ના શક્યો.
પંક્તિએ ઘરમાં આવતાવેંત જ બૂમ પાડી ‘મમ્મા, ક્યાં છે તું?’
‘અરે, આ રહી. કેમ આટલું મોડું થયું? લાઈબ્રેરીમાં હતી કે શું?’
પંક્તિએ ઉત્તર વાળ્યો, ‘હા, મમ્મી. જૂના પુસ્તકો આજે ખોલ્યા. જૂની યાદો આજે જીવી. મજા આવી ને સાથે દુઃખ પણ થયું.’
‘શું બોલે છે તું? ચાલ ફ્રેશ થા, જમી લઈએ.’
રોજની જેમ અનુ જમવાનું પીરસવા લાગી. જમતા જમતા પંક્તિએ વાતની શરૂઆત કરી. ‘મમ્મી, આપણે બે જણ એકબીજા માટે જીવીએ છીએ, નહીં?’
અનુ જમતા અટકી. ‘આવી વાતો કરવાનું કારણ?’
પંક્તિ પરસેવે રેબઝેબ થઈ ગઈ. કઈ દીકરી મમ્મીને એવું કહેતા ડરે નહીં કે તારા માટે જીવનસાથી પસંદ કર્યો છે. પંક્તિ પણ આ જ મૂંઝવણ અનુભવતી હતી એટલે પ્રયાસ કરવા છતાંય કંઈ બોલી ના શકી. તે મનમાં જ બબડી, સૂતી વખતે મમ્માને કહીશ.
થોડું ટીવી જોયા પછી દસ વાગ્યે સૂવા પડી મા-દીકરી. ‘મમ્મી, એક વાત પૂછું?’
‘પંકુ, તું સાંજની મારો જીવ ખાય છે. પેટમાં શું પૂર્યું છે, બોલને? તને ઊંઘ નહીં આવે મને કહ્યા વગર! હવે બોલી જ નાંખ.’
પંકિત એક ઝાટકે બોલી ગઈ, ‘મમ્મા, આનંદ સરે મને બધી જ વાત કરી છે. શું તું એમને આપણી લાઈફમાં લાવીશ. મારી આવી ઈચ્છા છે કે…’ વાક્ય અધૂરું રહ્યું પણ અનુ સમજી ગઈ. અનુએ ધરાર ના પાડી.
‘ના, પણ કેમ?’
‘ના કીધું ને એટલે ના? બધાના કારણ આપવા હું બંધાયેલી નથી.’
‘મમ્મી, પણ મારે જાણવું છે.’
‘હવે આ બધાનો શું અર્થ? આ હવે ના શોભે. હું પિસ્તાળીસની થઈ છું.’
‘તો શું? જમાનો બદલાયો છે. હવે તો લોકો પાસઠ વર્ષેય લગ્ન કરે છે. તારે ક્યાં અજાણ્યું પાત્ર પસંદ કરવાનું છે? તું તો એમને જાણે જ છે, પછી ના ન પાડ.’
‘હવે પછી આ વાત ન થવી જોઈએ. મારે કોઈની જરૂર નથી.’
‘પણ મારે જરૂર છે, પપ્પાની.’ પંક્તિ રડીને પડખું ફેરવી ગઈ. અનુ પણ એના આંસુઓ ગળી ગઈ. બંને મા-દીકરીએ પોતાના વિચાર (તંદ્ર)માં જ રાત પસાર કરવા માંડી. અનુ કોલેજકાળથી લઈ અત્યાર સુધીની સફરને વાગોળી ઓશીકું ભીનું કરવા માંડી ને પંક્તિ મમ્મીની વેદનાને અનુભવી એના ત્યાગને, સમર્પણને જાણી પાંપણો છલકાવા માંડી. સંબંધના સમીકરણો કંઈક નવા જ સૂત્રો રચવા માંડ્યા.
શું આનંદ અનિવાર્ય છે? અનુએ સ્વને સવાલ કર્યો. જવાબ મળ્યોઃ અનિવાર્ય તો નથી, પણ હા, જરૂરી તો છે જ. સમાજ શું કહેશે, કે ઘરડે ઘડપણ ઘોડીએ ચઢ્યા? બુઢ્ઢી ઘોડી લાલ લગામ! મારે આમ ન જ કરવું, જોઈએ, પંક્તિ તો કહ્યા કરે! એ તો બાળક છે. જાત સાથે વાતે ચઢતા અનુ ઊંઘી ગઈ.
સવારે પંક્તિ મોઢું ચઢાવી બેઠી હતી. એની બકબકને સ્થાને નીરવ શાંતિ હતી. અનુએ નાસ્તાનું કહ્યું પણ પંક્તિએ ના પાડી દીધી. આમ જ કોલેજ જવા નીકળી પડી. અનુ પણ એનું રુટિન પતાવી ઓફિસ માટે નીકળી ગઈ. બંનેના મન ઉદ્વેગમાં જ રહ્યાં. પંક્તિ આનંદને રૂબરૂ જ મળવા ગઈ, ‘સર, આવું?’
‘હા, બેટા. કમ.’ આનંદ ખુશીના સમાચાર સાંભળવાની ઈચ્છામાં હાસ્ય સાથે બોલ્યા.
‘સર, મમ્મી…’ એ અટકી.
‘હા, બોલને…’
‘સર, મમ્મીએ ના પાડી દીધી.’
આનંદ થોડો ઢીલો થઈ ગયો. પછી સ્વસ્થતા કેળવી બોલ્યો, ‘ઈટ્સ ઓકે, બેટા. ફરી ટ્રાય કરીશું. તું ચિંતા ન કર. એ જીદ્દી છે તો આપણે ડબલ જીદ્દી. જીત આપણી જ થશે.’
પંક્તિ હળવી થઈ ગઈ. ‘આજે તમે આવજો. એનું ફાયરિંગ સાંભળવા!’ બંને હસી પડ્યા. સાંજે મળવાનું નક્કી કરી બંને છૂટા પડ્યા.
આ બાજુ અનુનું મન પણ ઝોલા ખાવા માંડ્યું. આનંદના સાથ માટે મન હા પાડે છે ને પછી લાંબો વિચાર કરું તો… શું આનંદે જ પંકુને કીધું હશે આવું? આટલા વર્ષે શું કામ મળ્યો એ? પંકુ પણ આનંદ જોડે કેટલું હળીમળી ગઈ છે, જાણે સાચે જ એના પપ્પા હોય. શું કરું? હે ભગવાન આ કેવા મોહમાં મને પાડી આ ઉંમરે? તેનું મન કામમાં ન લાગ્યું. જેમતેમ છ વગાડી એ ઘરે પહોંચી. તાળું ખોલ્યું ને અંદર ગઈ ત્યાં તો બારણે પંકુ આવી ગઈ. એ ખુશ હતી. અનુ બારણું ખોલવા જ ગઈ ત્યાં આનંદને જોયો. ફરી નજરો મળીને, વેદનાઓ પણ. આવકાર આપતા અનુ બોલી ‘આવો!’ આનંદ અને પંક્તિ બેઠા. વાતાવરણ ગંભીર થઈ ગયું.
‘હું ચા બનાવી દઉં.’ પંકિતએ વાતની શરૂઆત કરી. પણ બેમાંથી એકેય ના બોલ્યું કે ‘હા.’ પંક્તિના ગયા પછી આનંદે વાત શરૂ કરી, ‘અનુ, આજે હું લગ્નનો પ્રસ્તાવ લઈને આવ્યો છું. તારી ના નથી સાંભળવી. જે વર્ષો પહેલા કરવાનું હતું તે આજે કરું છું. આપણે લગ્ન કરી લઈએ. હવે ફરિયાદની એકપણ તક નહીં આપું. થોડા વર્ષો રહ્યા હવે, એટલું તો જીવી લઈએ. વર્ષો ગુમાવ્યાનો અફસોસ તો રહેવાનો, પણ તને પામ્યાનો આનંદ હવે જીવવો છે. પંક્તિની પણ આ જ ઈચ્છા છે. એણે જ મને આ પ્રસ્તાવનું કીધું. એ ખુશ છે પછી બીજી કઈ વાત તને મારી પાસે આવતા રોકે છે?’
અનુએ કહ્યું, ‘સમાજ. આજથી પચીસ વર્ષ પહેલા સમાજ જ હતો જે તને નડ્યો હતો, આનંદ. આજે મને નડે છે. મારે મારી દીકરીને યોગ્ય જગ્યાએ પરણાવાની છે. એની લગ્નની ઉંમરે હું લગ્નના માંડવે બેસુ? તું પણ પંક્તિ જોડે પાગલ થઈ ગયો, આ જ પાગલપન એ સમયે બતાવ્યું હોત તો?’
આનંદ મનમાં જ બબડ્યો, ત્યારેય જીદ્દી હતી ને આજેય એવી જ છે.
‘ચાય રેડી છે.’ પંક્તિના વાક્યે વાતાવરણ બદલી નાખ્યું.
‘થેંકયુ, ડિયર.’ આનંદ હસ્યો. અનુુના મોઢા પર હજુય જૂના ડંખ દેખાતા હતા. પંક્તિએ વાત આગળ વધારી, ‘મમ્મી, મેં બધી જ વાત સાંભળી. ત્યારનો સમય ને અત્યારના સમયના ફરક છે. તું સરને યાદ ન અપાવ કે એમણે ગુનો કર્યો છે. જો એ ધારત તો આમ તને મનાવવા નહીં આવત. તેં જીદમાં જ તારી લાઈફ બગાડી છે ને હજીય આમ જ કરે જાય છે. તું નસીબદાર છે કે આટલો પરિપક્વ પ્રેમ તને મળ્યો છે જે પચ્ચીસ વર્ષેય એવો જ છે. જ્યાં મૌન ભાષા બની જાય ત્યાં પ્રેમ પ્રભુમય થઈ જાય. પપ્પા વગરની દુનિયા બહુ ગમગીન છે. મને પપ્પા જોઈએ છે. આપી દે, મમ્મા.’ અનુ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. પંક્તિ એને વળગી પડી. બંને મા-દીકરી મટી હમઉમ્ર બની ગઈ. આનંદ આ પ્રેમને જોતો રહ્યો. ત્યાં જ અનુએ હાથ લંબાવ્યો.
આનંદ ઊભો થયો ને અનુને વળગી પડ્યો. ત્રણ જીવ એક થઈ ગયા. આંસુના સમીકરણ બદલાયા. પંક્તિએ કહ્યું, ‘પપ્પા.’ આનંદે પંક્તિના કપાળને ચૂમીને કહ્યું, ‘હા બેટા.’ અનુ આ સંબંધને જોઈ રહી. હવે ના સવાલ રહ્યા, ના જવાબ.
થોડા દિવસ પછી બંનેનેએ કોર્ટમેરેજ કરી લીધા. આનંદ અનુ અને પંક્તિને એના ઘરે લઈ ગયો. અનુ હવે બે રૂમ છોડી મોટા બંગલામાં રહેવા માંડી. જીવનનો સંધ્યાકાળ આટલો તેજમય હશે એ ક્યાં વિચાર્યું હતું. એક દિવસ આનંદ કહ્યું ‘પંકુ, આજે સાંજે આપણે મેળામાં જઈશું.’ પંક્તિ ઉદાસ થઈ ગઈ. આનંદ સમજી ગયો, ‘બેટા હવે પપ્પા સાથે છે.’ પંક્તિ આનંદને વળગી પડી.
સાંજે ત્રણેય મેળામાં ગયા. પંક્તિ વર્ષો પછી ચકડોળમાં બેઠી, ચકડોળની જેમ હવે સમય પણ ફર્યો. આનંદે અનુને કહ્યું, ‘મારી કવિતાની એક પંક્તિ ખોવાઈ હતી. આજે બે પંક્તિ મને મળી.’ અનુએ જવાબ આપ્યો, ‘જીવન પણ આનંદમય થઈ ગયું, આનંદ.’
પંક્તિએ ચકડોળમાંથી બૂમ પાડી, ‘પપ્પા.’ અનુએ આનંદનો હાથ પોતાના હાથમાં લઈ લીધો. …. (સંપૂર્ણ)•
આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 or 7016252800 પર મોકલી આપો.
Fantastic write up