MS યુનિવર્સિટીની વિદ્યાર્થી સંઘની ચૂંટણીનું માત્ર 30.03 ટકા મતદાન, મોડી સાંજ સુધીમાં પરિણામ આવશે

43,301 મતદારોમાંથી 13,005 મતદારોએ મતદાન કર્યું : ઓછુ મતદાનથી ઉમેદવારો ચિંતીત બન્યા

વડોદરા-મી.રીપોર્ટર, ૧૪મી ઓગસ્ટ.

એમ.એસ.યુનિવર્સિટીની વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે  2 વાગ્યા સુધી ચાલેલા મતદાનમાં  વિદ્યાર્થી સંઘની ચૂંટણીનું 30.03 ટકા મતદાન થયું હતું. જી.એસ. અને વી.પી. સહિત 22 બેઠકો ઉપર પોતાના મનપસંદ ઉમેદવારોને જીતાડવા માટે સ્ટુડન્ટ્સ ભારે ઉત્સાહ સાથે મતદાન કરવા માટે કેમ્પસમાં પહોંચ્યા હતા. મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે કેમ્પસમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જોકે મતદાન ખુબ જ ઓછું થયું હતું.

મતદાન ઓછુ થતા નેતાઓને ચિંતા

એમ.એસ.યુનિવર્સિટીની વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે કુલ 43,301 મતદારોમાંથી 13,005 મતદારોએ મતદાન કર્યું હતું. જેના પગલે ગત વર્ષ કરતા 4000 થી 5000 મતદાન ઓછુ થયું હતું. મતદાન ઓછુ થતા જ ઉમેદવારો તથા નેતાઓ ભારે ચિંતાતુર બન્યા હતા. 

એબીવીપી ચૂંટણી રેસમાં ન હોય તેવો માહોલ

આ વખતની ચૂંટણીમાં મુખ્ય હરીફાઇ એન.એસ.યુ.આઇ. અને જય હો ગઠબંધન અને એજીએસજી તેમજ વીવીએસના ગઠબંધન વચ્ચે છે. એ.બી.વી.પી. પણ ચૂંટણી મેદાનમાં છે. પરંતુ કેમ્પસનો માહોલ જોતા એ.બી.વી.પી. ચૂંટણી રેસમાં નથી. આજની ચૂંટણીમાં મતદાન ઓછું થાય તેવો ડર ઉમેદવારોને હતો. જે સાચો પડ્યો હતો.

22 બેઠક માટે 99 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે

યુ.જી.એસ. પદ માટે 7 ઉમેદવારો વર્તમાન વી.પી. સલોની મિશ્રા, ધ્રુવિલ ભાટીયા, રાકેશ જાટ, રાકેશ પંજાબી, હર્ષિલ પારેખ અને મોન્ટુ સાકરીયા મેદાનમાં છે. જ્યારે વી.પી. પદ માટે 5 ઉમેદવારો હિના પાટીદાર, પ્રાચી બારોટ, કક્ષા પટેલ, બિનલ ઠાકોર અને પ્રિન્સી પટેલ મેદાનમાં છે. આ ઉપરાંત વિવિધ ફેકલ્ટીના જી.એસ. અને એફ.આર.ની 22 બેઠક માટે 99 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.