વડોદરા, ૪થી ડીસેમ્બર.
ઓનલાઇન ગેમિંગનો ક્રેઝ યુવાનોને કઈ રીતે ગેરમાર્ગે દોરે છે તેનો એક ચોંકાવનારો કિસ્સો તાજેતરમાં જ બહાર આવ્યો છે. શહેરના સયાજીગંજ વિસ્તારમાં રહેતો 20 વર્ષીય યુવાન વધુ પડતો સમય PUBG ગેમ રમતો હોવાથી માતાપિતાએ ઠપકો આપતાં યુવાન ઘર છોડીને જતો રહ્યો હતો. માતાએ આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે યુવાનની શોધખોળ શરૂ કરી તપાસ હાથ ધરી હતી.
એમ.એસ.યુનિની સાયન્સ ફેકલ્ટીમાં બી.સી.એનો અભ્યાસ કરતો અને સયાજીગંજ વિસ્તારમાં રહેતો 20 વર્ષીય યુવાન વધારે પડતો સમય PUBG નામની ઓનલાઇન ગેમ રમતો હતો. તેની આ આદતના લીધે તેના માતા-પિતા કંટાળી ગયા હતા. પુત્રની કુટેવ સામે માતા- પિતાએ ઠપકો આપતા ઉશ્કેરાઈને યુવાન 29 નવેમ્બરની મોડી રાત્રે ઘરમાં કોઈને કહ્યા વગર ઘરમાંથી બે જોડી કપડાં લઈને નીકળી ગયો હતો.
સવારે માતાપિતાને આ અંગે જાણ થતાં તેઓએ પુત્રની શોધખોળ હાથ ધરી હતી. તેના મિત્રોને અને સગા સંબંધીઓને પણ ફોન કરીને પૂછપરછ કરી હતી. છેવટે યુવાનનો કોઈ પત્તો ના લાગતાં માતાએ પોલીસને જાણ કરી હતી. પોલીસે યુવાનના મિત્રો અને પરિવારમાં પૂછપરછ કરી તપાસ હાથ ધરી હતી.
આ અંગે માતાપિતાએ પોલીસને જણાવ્યું હતું કે, પુત્ર છેલ્લા થોડા સમયથી વધુ પડતો સમય PUBG ગેમ પાછળ વેડફતો હતો. તેનું ભણવામાં ધ્યાન પણ ઓછુ થયું હોઈ અમે તેણે ટોક્યો હતો. હાલ તેની પરીક્ષાઓ ચાલી રહી હોઈ અમે તેનો મોબાઇલ ફોન લઇ લીધો હતો. તે જયારે PUBG ગેમ રમતો ત્યારે તેને ડિપ્રેશનમાં જોયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે, માતા પિતાએ ઠપકો આપતાં 20 વર્ષીય યુવક મોડી રાત્રે યુવાન ઘરેથી નીકળ્યા બાદ રેલવે સ્ટેશન ગયો હતો. ત્યાંથી યુવાને પોતે ક્યાં જાય છે તેની જાણ કોઈને ના થાય તે માટે પોતાનો જૂનો મોબાઇલ ફોન ચાલુ અવસ્થામાં વડોદરા- જયપુર ટ્રેનમાં મૂકી દીધો હતો. તે કોઈ અન્ય ટ્રેનમાં બેસી ગયો હોવાની શંકા સેવાઇ રહી છે.