ટેકનોલોજી-નવી દિલ્હી, મિ.રિપોર્ટર, ૨૦મી જુન.
દેશભરમાં રોજ હજારોની સંખ્યામાં લોકોના મોબાઇલ ફોન ચોરાય છે અથવા તો ભૂલકણા લોકો બસ, ટ્રેન અને જાહેર જગ્યા પર ભૂલી જાય છે. આવા લોકોને પોતાના ફોન પરત મેળવવામાં ભારે તકલીફોનો સામનો કરવો પડે છે. પણ આવા લોકોને રાહત મળે તેવા સમાચાર છે. દેશની કેન્દ્ર સરકાર મોબાઇલ ફોનની ચોરી રોકવા માટે એક મોટું પગલું લેવા જઈ રહી છે. મીડિયા અહેવાલ અનુસાર ટેલિકોમ મંત્રાલય, દેશમાં ટૂંક સમયમાં જ સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટર(CEIR)ની શરુઆત કરવા જઈ રહી છે. આ એક ડેટાબેઝ હશે, જેના દ્વારા દેશના તમામ મોબાઈલ સ્માર્ટફોન અને ફીચર ફોન્સમાં આવેલ 15 ડિજિટના યૂનિક નંબર જેને ઇન્ટરનેશનલ મોબાઈલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી(IMEI) નંબર નોંધવામાં આવશે.
દેશમાં હાલમાં કોઈપણ મોબાઈલ ચોરાઈ જાય એટલે તેના IMEI નંબરથી આ મોબાઈલ ક્યાં છે તેની સ્થિતિ જાણી શકાય છે. અત્યાર સુધી મોબાઈલ ચોરાઈ જાય એટલે આપણે પોલીસ પાસે ફરિયાદ નોંધાવતા હતા. જ્યાં મોટાભાગના મામલે પોલીસ ફક્ત ફરિયાદ નોંધી આગળ વધુ તપાસ કરતી નહોતી. આ સમસ્યાના ઉપાય તરીકે ટેલિકોમ વિભાગે આ નવી દિશામાં પ્રયાસ કર્યો છે.
આ નવી પહેલ બાદ તમારો મોબાઈલ ચોરાઈ જાય કે તરત પોલીસ પાસે ફરિયાદ નોંધાવો અને પછી ત્યારબાદ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમમાં એક હેલ્પલાઈન નંબર દ્વારા ફોન ચોરાયાની ફરિયાદ નોંધાવો. જે બાદ ટેલિકોમ વિભાગ તે ફોનના IMEI નંબરને બ્લેક લિસ્ટ કરી દેશે. આમ કરવાથી ફોનમાં કોઈપણ ટેલિકોમ નેટવર્ક એક્સેસ થઈ શકશે નહીં. ચોરાયેલો ફોન માત્ર શોભાનો ગાંઠિયો બની જશે. જે બાદ પોલીસ આ બંધ પડેલા મોબાઈલને ટ્રેક કરી શકશે. ટ્રાઈના આંકડા અનુસાર 2019માં દેશમાં કુલ 116 કરોડ સક્રિય મોબાઈલ યુઝર્સ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ટેલિકોમ વિભાગે CEIR પ્રોજેક્ટની શરુઆત 2017માં કરી હતી. આ માટે મહારાષ્ટ્રમાં તેનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રોજેક્ટ ખાસ્સો સફળ રહ્યો છે. હવે તેને દેશમાં લાગુ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.