રાજ્યની સ્કૂલોમાં નવરાત્રિ વેકેશન હવે નહિ મળે : ધોરણ 9 અને 11માં રિટેસ્ટ ન લેવાનો શિક્ષણ વિભાગનો નિર્ણય

Spread the love
ગાંધીનગર-એજ્યુકેશન, મિ.રિપોર્ટર, ૨૪મી મે
 
રાજ્યની શાળાઓમાં ગત વર્ષે નવરાત્રીનું ૧૦ દિવસનું વેકેશન આપવામાં આવ્યું હતું. જોકે નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થાય તે પહેલા જ એટલેકે આ વર્ષની નવરાત્રીનું વેકેશન નહિ આપવાનો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શૈક્ષણિક સમિતિની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ભારે વાદ-વિવાદ વચ્ચે કેટલીક સ્કૂલોએ વિદ્યાર્થીઓને નવરાત્રિમાં વેકેશન આપ્યું હતું, જ્યારે કેટલીક સ્કૂલોએ ધરાર શૈક્ષણિક કાર્ય ચાલુ રાખ્યું હતું. જોકે, એક જ વર્ષમાં નવરાત્રિના વેકેશનને બંધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
 
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શૈક્ષણિક સમિતિની આજે અગત્યની બેઠક મળી હતી. આ બેઠકમાં ગત વર્ષે નવરાત્રિમાં જેટલા દિવસ વેકેશન અપાતું હતું તેટલા દિવસો દિવાળીના વેકેશનમાં કાપી લેવામાંઆવ્યા હતા. એમાય પરીક્ષાઓના ટાઈમ ટેબલ પણ નવરાત્રિના વેકેશન સાથે સુસંગત ન હોવાથી શિક્ષકો પણ નવરાત્રિ વેકેશનનો ભારે વિરોધ કર્યો હતો. તો બીજીબાજુ દિવાળી વેકેશન ઘટતા જ વેકેશનમાં ફરવા જવાના આયોજનો ખોરવાતા વાલીઓનો એક વર્ગ તેનાથી નારાજ હતો.  ભારે વિવાદમાં રહેલા નવરાત્રીના વેકેશનને આખરે શિક્ષણ સાથે સુસંગત ન હોવાની રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં  શિક્ષણ વિભાગ દ્વારા હવે થી ધોરણ 9 અને 11માં રિટેસ્ટ ન લેવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી આ બંને ધોરણોમાં નાપાસ થતાં સ્ટૂડન્ટ્સને એક મોકો અપાતો હતો. જોકે, હવે થી તે પણ બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.