મિ.રિપોર્ટર, ૨૧મી નવેમ્બર. 

વડોદરા શહેર નજીક આવેલા ખાનપુરમાં મંગળવારે બિલ્ડર મિહિર પંચાલની વૈભવી એન્ડેવર કારમાં રહસ્યમય રીતે આગ લાગી હતી. અગનજ્વાળામાં લપેટાયેલા બિલ્ડરે બચાવ માટે કારમાંથી અંદાજે 5 મિનિટ સુધી હોર્ન માર્યા હતાં. જોકે, મદદ મળે તે પહેલા જ બિલ્ડર કારમાં ભડથું થઇ ગયો હતો. ખોપરી સિવાયનું મિહિરનું શરીર ભસ્મીભૂત થઇ ગયું હતું. આ ઘટના અકસ્માત છે કે હત્યા તે બાબતે અનેક તર્કવિતર્કો ચર્ચાઈ રહ્યા છે, દરમિયાનમાં આજે વડોદરા શહેર અને જિલ્લાની એફએલએલની બે ટીમો આજે ખાનપુર સ્થિત આગ લાગી હતી તે સ્થળ પર પહોંચી હતી અને 10 જેટલા નમૂના લઇને એફએસએલમાં મોકલ્યા હતા.

વડોદરા શહેરના એફએલએલ અધિકારી આર.એસ.ગોડલિયા અને વડોદરા જિલ્લા એફએસએલ અધિકારી ભાવિની પંચાલની બે ટીમો આજે ખાનપુર સ્થિત આગ લાગી હતી તે સ્થળ પર પહોંચી હતી. અને આગ લાગી હતી તે સ્થળે તપાસ કરી હતી. જ્યાંથી તેઓએ કપચી, વાયર અને કારમાં બળી ગયેલો સામાન સહિતના 10 નમૂના લીધા હતા અને આ નમૂના એફએસએલમાં મોકલ્યા હતા. કારમાં આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું એફએસએલની પ્રાથમિક તારણ છે. જોકે એફએસએલના રિપોર્ટ બાદ જ આગનું સાચુ કારણ જાણી શકાશે. 

એફએસએલની ટીમે જણાવ્યું હતું કે, જ્યારે આગની ઘટના બની ત્યારે મૃતક મિહિર ડ્રાઇવર સીટ ઉપર બેઠેલો હતો. અને કારની હેન્ડ બ્રેક મારેલી હતી. જેથી મિહિર કારમાં આરામ કરતો હોય તેવુ જણાય છે. કારમાં આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં લાગે છે. પરંતુ રિપોર્ટ પછી આગનું સાચુ કારણ જાણી શકાશે.

એફએસએલની ટીમ જ્યારે ખાનપુર પહોંચી ત્યારે મૃતક બિલ્ડર મિહિર પંચાલના કુટુંબી મામા નટવરભાઇ પરમાર સહિતના પરિવારજનો સ્થળ પર હાજર હતા. આ ઉપરાંત 100થી વધુ લોકોનું ટોળુ સ્થળ પર એકત્ર થઇ ગયું હતું.  મૃતક બિલ્ડરના કુટુંબી મામા નટવરભાઇ પરમારે જણાવ્યું હતું કે, આ આગની ઘટના અકસ્માત લાગતી નથી. કોઇએ મિહિરની હત્યા કરીને મૃતદેહ કારમાં મૂકી દીધો હોવાની અમને શંકા છે. આ બનાવની તટસ્થ તપાસ થવી જોઇએ તેવી અમારી માંગણી છે. મિહિર અમારા સમાજનો અગ્રણી હતો. અને તેના પરિવારમાં પણ સીધો સાદો છોકરો હતો. તેના પરિવારને જ નહીં આખા સમાજને મિહિરની ખોટ પડશે.

મિહિરે કારનો જે ઇન્સ્યોરન્સ કંપની પાસે વીમો લીધો હતો. તે કંપનીના સર્વેયર પણ સ્થળ પર પહોંચ્યા હતા. ઇન્સ્યોરન્સ કંપનીના સર્વેયર પ્રકાશ પરીખે જણાવ્યું હતું કે, ડ્રાઇવર સાઇડનું કારના પાછળના ટાયરથી આગ લાગી હોવાનું જણાઇ આવે છે. જોકે એફએસએલનો રિપોર્ટ અને અમારો રિપોર્ટ બંને મળ્યા બાદ આગ ક્યાંથી લાગી તે જાણી શકાશે.

 

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: