MSU ઉત્તરવહી કૌભાંડ : M.M.Hall ના ૨૧ વિદ્યાર્થીઓને ટર્મીનેટ કરાશે : દેશની કોઈપણ યુનિ.માં એડમીશન નહિ અપાય

પટાવાળાઓએ રૂપિયા 900માં એક ઉત્તરવહીનો સોદો કર્યો : 21 જેટલા સ્ટુડન્ટોએ પટાવાળાઓને રૂપિયા આપ્યા

વડોદરા- એજ્યુકેશન, મી.રિપોર્ટર, ૧૦મી મે.

વિશ્વ વિખ્યાત એમ.એસ. યુનિવર્સિટી એસિડ એટેકના વિવાદમાંથી હજુ બહાર આવી નથી. ત્યાં યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના સ્ટુડન્ટોની ઉત્તરવહીઓ બહાર લઇ જઇને જવાબો લખાવી પરત મૂકી દેવાનો કૌંભાડ ઝડપાતા યુનિ.માં ખળભળાટ મચી ગયો છે. મોડી રાત્રે બહાર આવેલા આ કૌંભાડ અંગે સરકાર નિયુક્ત સિન્ડીકેટ સભ્ય શ્રી જીગર ઈનામદારે મી.રિપોર્ટર ન્યુઝ પોર્ટલ સાથે વાત કરતા જણાવ્યું  હતું કે, આ કૌંભાડમાં સંડોવાયેલા તમામ 21 સ્ટુડન્ટોને ટર્મીનેટ કરી દેવામાં આવશે. અને તેઓ સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે. 

સરકાર નિયુક્ત સિન્ડીકેટ સભ્ય જીગર ઇનામદારે વધુમાં મી.રિપોર્ટર ન્યુઝ પોર્ટલ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, બે પટાવાળા સાથે મળીને પોતાની ઉત્તરવહીઓમાં જવાબ લખીને પરત મોકલવાના આ પ્રકરણની પ્રાથમિક તપાસમાં એમ.એમ. હોલ (બોઇઝ હોસ્ટેલ)ના આર્ટ્સના ફસ્ટ ઇયરથી થર્ડ ઇયર સુધીના 21 સ્ટુડન્ટોના નામો બહાર આવ્યા છે. જે તમામ સ્ટુડન્ટોને યુનિવર્સિટીમાંથી ટર્મીનેટ કરી દેવામાં આવશે. તેઓ સામે પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી કરવામાં આવશે. એતો ઠીક તેઓને દેશની કોઇપણ યુનિવર્સિટીમાં ભવિષ્યમાં પ્રવેશ મળશે નહિં. ત્યાં સુધીની કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રકરણની તપાસ દરમિયાન વધુ સ્ટુડન્ટોના નામો બહાર આવે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી.

સમગ્ર કૌભાંડ અંગે આર્ટસ્ ફેકલ્ટીના સિન્ડીકેટ અને સેનેટ સભ્ય ડો. દિનેશ યાદવે મી.રિપોર્ટર ન્યુઝ પોર્ટલ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટીની મહત્વની જગ્યાઓ ઉપર હંગામી કર્મચારીઓ રાખી શકાય નહિ. આવી મહત્વની જગ્યાઓ ઉપર કાયમી કર્મચારીઓની નિમણૂંક કરવી જોઇએ.

Msu ના વાઇસ ચાન્સેલર પરિમલ વ્યાસે જણાવ્યું હતું કે, આ પ્રકરણને યુનિવર્સિટી દ્વારા ગંભીરતાથી લેવામાં આવ્યું છે. અને જે બે હંગામી પ્યુન અંકિત ફણસે અને ચિરાગ વડાદરાની પોલીસે ધરપકડ પણ કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં જે 21 સ્ટુડન્ટોના નામ બહાર આવ્યા છે. તે તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે, એમ.એસ. યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીની પરિક્ષાની ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. આ માટે પરિક્ષા વિભાગમાં સેન્ટ્રલ એસેસમેન્ટ સેલ બનાવવામાં આવ્યા છે. આર્ટસ ફેકલ્ટીના સેન્ટ્રલ એસેસમેન્ટ સેલમાં ઉત્તરવહીઓની ગણતરી કરવામાં આવે છે. જેમાં કેટલાંક બંડલોમાં ઉત્તરવહીઓ ઓછી હોવાનું બહાર આવ્યું હતું. બીજા દિવસે ઉત્તરવહીઓ બંડલમાંથી ગૂમ થયેલી ઉત્તરવહીઓ મળી આવતા આ કૌંભાડ બહાર આવ્યું હતું.

આ કૌંભાડમાં એસેસમેન્ટ સેલમાં છેલ્લા 3 વર્ષથી હંગામી પટાવાળા તરીકે નોકરી કરતા અંકિત ફણસે અને ચિરાગ વડાદરાએ એમ.એમ. હોલમાં રહેતા આર્ટસ ફેકલ્ટીના ફસ્ટ ઇયરથી થર્ડ ઇયર સુધીના સ્ટુડનો સાથે સોદો કર્યો હતો. જેમાં આ બંને પટાવાળા ઉત્તરવહીઓ હોલ ઉપર લઇ જતાં હતા. જ્યાં સ્ટુડન્ટો નવી ઉત્તરવહીમાં જવાબો લખી લીધા બાદ પટાવાળાઓને પહોંચતી કરતા હતા. પટાવાળા પુનઃ જેતે બંડલમાં મૂકી દેતા હતા. પટાવાળા એક ઉત્તરવહીના રૂપિયા 900 વસુલ કરતા હતા.

ઉલ્લેખનિય છે કે, મોડી રાત્રે આ કૌંભાડ બહાર આવતા બંને પટાવાળા સામે સયાજીગંજ પોલીસે ફરિયાદ દાખલ કરી તેઓની ધરપકડ કરી હતી. આજે આ બંને પટાવાળાઓ પાસેથી વધુ વિગતો મેળવવા માટે તેઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવશે. રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.