એન.ઓ.સી. વિના કોચિંગ ક્લાસ ન ચલાવવા સુચના અપાઇ છે
વડોદરા- એજ્યુકેશન, મી.રિપોર્ટર, ૨૫ મી મે.
ફાયર સેફ્ટીની સુવિધા વિના ટ્યુશન ક્લાસ ચલાવતા કોચિંગ ક્લાસમાં આજે કોર્પોરેશનના ફાયર બ્રિગેડની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. ટીમની તપાસમાં ફાયર સેફ્ટી સિસ્ટમ બિનઉપયોગી જણાઇ આવતા ક્લાસનું તુરતજ વીજ કનેક્શન કાપીને બંધ કરાવી દીધો હતો. ક્લાસ સંચાલકને ફાયર સેફ્ટીની સુવિધા બાદ ક્લાસ ચાલુ કરવા માટે નોટિસ ફટકારી હતી. આ ઉપરાંત ફાયર ટીમો દ્વારા શહેરના વિવિધ કોચિંગ ક્લાસોમાં તપાસ શરૂ કરવામાં આવી છે.
કોર્પોરેશનની 5 ટીમો દ્વારા કોચિંગ ક્લાસોમાં તપાસ શરૂ
સુરતમાં બનેલી ગોઝારી ઘટના બાદ વડોદરા મહાનગર સેવા સદનનું તંત્ર સફાળું જાગ્યું છે. મ્યુનિ. કમિશનર અજય ભાદુના આદેશ બાદ કોર્પોરેશનના ફાયર બ્રિગેડ દ્વારા 5 ટીમો બનાવીને સવારથી શહેરમાં આવેલા કોચિંગ ક્લાસોમાં ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. ફાયર બ્રિગેડની ટીમ સાથે વીજ કંપનીની પણ ટીમ સાથે રાખવામાં આવી છે.
સવારે પ્રથમ ચેકીંગ સીટી કમાન્ડ અને કંટ્રોલ રૂમની બાજુમાં આવેલા ઇન્દુ ક્લાસમાં દરોડો પાડ્યો હતો. ફાયર ટીમના ચેકીંગમાં ટ્યુશન ક્લાસમાં સેફ્ટી ફાયરની સુવિધા હતી. પરંતુ, સેફ્ટી ફાયર સીસ્ટમ બગડેલી હાલતમાં જણાઇ આવી હતી. ટીમ દ્વારા ટ્યુશન ક્લાસમાં આવેલા વિદ્યાર્થીઓને બહાર કાઢી વીજ કનેક્શન કાપી નાંખ્યું હતું. સંચાલકને જ્યાં સુધી ફાયર સેફ્ટીની સુવિધા પૂરી ન પાડે ત્યાં સુધી ક્લાસ ચાલુ ન કરવાની નોટિસ ફટકારી હતી.
ફેબ્રુઆરી-019માં વડોદરાના 152 કોચિંગ ક્લાસોને આપેલી નોટિસ બાદ કેટલાંક કોચિંગ ક્લાસો દ્વારા ફાયર સેફ્ટીની એન.ઓ.સી. લીધી છે કે નહિં., તેની તપાસ પાંચ ફાયર ટીમો બનાવીને કરવામાં આવી રહી છે. ટીમોની સાથે વીજ કંપનીની ટીમ પણ સાથે રાખવામાં આવી છે. જે કોચિંગ ક્લાસ મ્યુનિ. કમિશનરની સુચના પછી પણ ફાયર સેફ્ટીની એન.ઓ.સી. વગર ચાલુ હશે. તેઓ ક્લાસ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.