6000 હજાર મહેમાનોની હાજરી, રાષ્ટ્રપતિ ભવનની ખાસ છે દાલ રાયસીના : કાળા અડદની ખાસ મસાલા સાથેની દાળ
નવી દિલ્હી-રાજનીતિ,મિ.રિપોર્ટર, ૩૦મી મે
દેશમાં સતત પૂર્ણ બહુમતી વાળી સરકારના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી આજે સાંજે સાત વાગ્યે શપથ લેવા જઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવનમાં થનારા આ શપથ ગ્રહણ સમારોહમાં છ હજાર જેટલા અતિથિ હાજર રહેશે. મોદીના શાહી શપથવિધિમાં ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે.
મોદીના શાહી શપથવિધિમાં હાઈ ટી સાથે મહેમાનોને વજિટેરિયન વાનગીઓ પરોસવામાં આવશે, જેમાં ભારતીયોના ફેવરિટ સમોસા ઉપરાંત પનીર ટિક્કા, રાજભોગ અને લેમન ટાર્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય રાત્રે નવ વાગ્યે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં વેજિટેરિયન અને નોન વેજિટેરિયન વાનગીઓ પરોસવામાં આવશે. વેજમાં ખાસ હશે દાલ રાયસીના, જે મહેમાનોને ખાસ પરોસવામાં આવશે.
રાષ્ટ્રપતિ ભવનના કિચનની સ્પેશિયાલિટી છે દાલ રાયસીના, જેને બનાવવામાં 48 કલાકનો સમય લાગે છે અને તેના કારણે જ આ દાળને બનાવવાની તૈયારી મંગળવારથી ચાલી રહી છે. આ દાળને બનાવવામાં ઉપયોગમાં લેવાનારી સામગ્રીઓને ખાસ લખનઉથી મગાવવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છેકે, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના કાર્યકાળ દરમિયાન શેફ મછિન્દ્ર કસ્તુરીએ દાલ રાયસીનાની શરુઆત કરી હતી, અને શેફ કસ્તુરીનો દાવો છે કે આ દાળ બનાવવામાં છ થી આઠ કલાકનો જ સમય લાગે છે, જ્યારે રાષ્ટ્રપતિ ભવનના હાલના શેફ મોન્ટી સૈનીનું કહેવું છે કે આ દાળ બનાવવામાં 48 કલાકનો સમય લાગે છે. શેફ કસ્તુરીનું કહેવું છે કે, આ દાળ ખાવામાં મલમલ જેવી સુવાળી લાગે છે, અને તેને બનાવવામાં હળવા મસાલા અને કસૂરી મેથીના પત્તાનો ઉપયોગ થાય છે, જે આ દાળના સીક્રેટ ઈન્ગ્રીડિએંટ છે.