5મી એ વડોદરામાં એમ.જી.ઇન્ટરનેશનલ મેરેથોન યોજાશે : પ્રથમવાર અગિયાર દેશોના દોડવીરો ભાગ લેશે

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી રવિવારે નવમીએ મેરેથોનને પ્રસ્થાન કરાવશેઃ દોડમાં ભાગ લેવા માટે એક લાખથી વધુ લોકોએ કરાવી નોંધણી

વડોદરા- સ્પોર્ટ્સ, મી.રિપોર્ટર, 2જી જાન્યુઆરી.

દેશ અને દુનિયામાં જાણીતી વડોદરા એમ.જી. ઇન્ટરનેશનલ મેરેથોન 5મી જાન્યુઆરીના રોજ યોજાશે. જેને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સવારના ૭.૨૦ કલાકે નવલખી મેદાન ખાતેથી પ્રસ્થાન કરાવશે.

5 મીએ યોજાનાર ઇન્ટરનેશનલ મેરેથોનમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદી, નર્મદા વિકાસ રાજયમંત્રીશ્રી યોગેશ પટેલ, રમતગમત રાજયમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ તેમજ વડોદરા મેરેથોનના નવા બ્રાંડ એમ્બેસેડર અને ઓલ્મપિક એથ્લીટ ડૉ. દીપા મલિક, વડોદરા મેરેથોનના શ્રીમતી તેજલ અમીન સહિતના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહી મેરેથોનને પ્રસ્થાન કરાવશે. કાર્યક્રમમાં વડોદરા જિલ્લા સાસંદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, ધારાસભ્યશ્રીઓ અને મેયરશ્રી સહિતના મહાનુભાવો જોડાશે.

મેરેથોન - વડોદરા

આ મેરેથોનની વિવિધ શ્રેણીઓમાં બહોળી સંખ્યામાં દિવ્યાંગો સહિત એક લાખથી વધુ લોકોએ અત્યાર સુધીમાં દોડવીર તરીકે જોડાવા નોંધણી કરાવી છે. તેમાં દેશના વિવિધ પ્રદેશો ઉપરાંત વિશ્વના અગિયાર જેટલા દેશોના ધાવકો ભાગ લેશે.

વડોદરા મેરેથોનના ચેરમેન શ્રીમતી તેજલ અમીને જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રીએ ફીટ ઇન્ડિયા મુવમેન્ટ અને વ્યાપક સ્તરે જળસંચયના અભિયાનોની ભેટ આપી છે. દોડને જીવન અને તંદુરસ્તીનો ભાગ બનાવવાનો આશય ધરાવતી અને આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી બનેલી વડોદરા મેરેથોન દ્વારા ઉપરોકત બંને અભિયાનોને પ્રોત્સાહન આપવામાં આવશે. ભવિષ્યમાં વડોદરા મેરેથોન દ્વારા છ જેટલા જળસંચય પ્રોજેકટ્સ હાથ ધરવાની વિચારણા થઇ રહી છે. આ મેરેથોનમાં ભાગ લેનારા અને વિજેતા બનનારા દોડવીરોને રૂ.૨૪ લાખના ઇનામો આપવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. મેરેથોનના સમગ્ર માર્ગ પર દોડવીરોને તબીબી સહાયતા ઉપલબ્ધ રહેશે.

મેરેથોનમાં ભાગ લેનાર પ્રત્યેક દોડવીર અને નાગરિકોની આ ઇવેન્ટ દરમિયાન સલામતી જળવાઇ તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા જિલ્લા અને મહાનગરપાલિકા પ્રશાસનના સહયોગથી ચુસ્ત અને વ્યાપક બંદોબસ્તની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે તેવી જાણકારી આપતા નાયબ પોલીસ કમિશનરશ્રી સંદીપ ચૌધરીએ જણાવ્યું કે, ટ્રાફિક પોલીસના છસોથી વધુ જવાનો સમગ્ર મેરેથોન રૂટ પર ટ્રાફિક નિયમન વ્યવસ્થા સંભાળશે. ચાર ટ્રાફિક ડાયવર્ઝન્સ દ્વારા મેરેથોન રુટ દોડવીરો માટે ખાલી રહે એવો પ્રબંધ કરવામાં આવી રહ્યો છે. ૬૦૦થી વધુ પોલીસ જવાનો ઇન્ટર સેકશન્સ અને ડીપ પોઇન્ટસ પર ફરજ બજાવશે. શહેર પોલીસ દ્વારા કેટલાક ડાર્ક પોઇન્ટસ નિર્ધારિત કરવામાં આવ્યા છે જયાં ઇમરજન્સી લાઇટ્સ લગાડવામાં આવશે અને જરૂરિયાતવાળા સ્થળોએ રસ્તાનો એક ભાગ દોડવીરો માટે ખાલી રહે અને બીજા ભાગમાંથી ટ્રાફિકની અવરજવર થઇ શકે તે માટે બેરીકેટસ લગાડવામાં આવશે. સમગ્ર શહેર પોલીસ દળ સંકલન સાથે મેરેથોન દરમિયાન સુવ્યવસ્થા જળવાઇ તે માટે નિષ્ઠાપૂર્વક ફરજ અદા કરશે.

વડોદરા મેરેથોનનો પોલીસ બંદોબસ્ત દેશના અન્ય ભાગો અને શહેરોમાં યોજાતી મેરેથોન ઇવેન્ટસની ટ્રાફિક વ્યવસ્થાની બાબતમાં મોડેલ સમાન બની રહેશે તેવો વિશ્વાસ શ્રી ચૌધરીએ વ્યક્ત કર્યો હતો.

Leave a Reply