સાન ફ્રાન્સિસ્કો- મી.રીપોર્ટર, ૧૦મી ઓગસ્ટ.
દેશ-દુનિયાના સમાચાર વડે દુનિયામાં પોતાની પહોંચ વધારવા માટે ફેસબુકે કવાયત હાથ ધરી છે. આ માટે ફેસબુકે સમાચાર પ્રકાશકોને કરોડો રૂપિયા આપવા માટેની તૈયારી દર્શાવી છે. ખોટમાં ચાલી રહેલા મીડિયા ઉદ્યોગે વર્ષોથી ઓનલાઈન જાહેરાતોમાં ફેસબુકની ઈજારાશાહી હોવાથી તેની ટીકા કરી છે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે, આ જ કારણોસર ફેસબુકે આ પગલું ભર્યું છે.
વોલ સ્ટ્રીટ જનરલના ગુરુવારના અહેવાલ મુજબ, ફેસબુકે તેમના સમાચાર, હેડલાઈન અને બીજું મટિરિયલ પ્રકાશિત કરવાની અનુમતિ આપે તો વર્ષના 3 મિલિયન ડોલર (21. 26 કરોડ રૂપિયા) આપી શકે છે. ફેસબુકે આ મુદ્દે પ્રતિક્રિયા આપવાનો ઈનકાર કર્યો છે, પરંતુ કંપનીના નજીકના સૂત્રએ જણાવ્યું કે, તેઓ ન્યૂઝ ટેબ લોન્ચ કરવા પર કામ કરી રહ્યા છે. ફેસબુક પર ન્યૂઝ સેક્શન શરૂ કરવા માટે તેના CEO માર્ક ઝકરબર્ગે એપ્રિલથી વાતચીત શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ન્યૂઝ ઈન્ડસ્ટ્રી લાંબા સમયથી ગૂગલ અને ફેસબુક પર આરોપ લગાવી રહી છે કે ફેસબુક અને ગૂગલ તેમની સામગ્રીનો મફતમાં ઉપયોગ કરે છે. તેમજ ઓનલાઈન જાહેરાતો દ્વારા મળતા નાણાં પણ પોતાના ખિસ્સામાં સેરવી લે છે.