રાજનીતિ-મિ.રિપોર્ટર, ૬ ઠ્ઠી એપ્રિલ
વડોદરા લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર રંજનબહેન ભટ્ટના સમર્થનમાં શનિવારે રાત્રે વાઘોડિયા ખાતે યોજાયેલી જાહેરસભામાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વાઘોડિયામાં રહેતા બહારના લોકોને ધમકી આપી હતી કે, જો કમળને મત નહિં આપો તો ઠેકાણે પાડી દઇશ. આ ધમકીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ ભારે હોબાળો મચી ગયો હતો. તો બીજીબાજુ આ વિડીયો અંગે કોંગ્રેસે ચુંટણી પંચ સમક્ષ ફરિયાદ કરતા ચૂંટણીપંચે MLA મધુ શ્રીવાસ્તવ સામે તપાસ કરવાનો નિર્ણય કર્યો છે.
વડોદરા લોકસભા બેઠકમાં વડોદરા શહેરની 5 વિધાનસભા બેઠકો અને જિલ્લાના સાવલી અને વાઘોડિયા વિધાન સભા બેઠકનો મતવિસ્તાર આવે છે. શનિવારે રાત્રે વાઘોડિયા ખાતે ભાજપા દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે, આ વખતે પણ કમળ ખીલવાનું છે. તેમાં બેમત નથી. અને હિંદુસ્તાનની ગાદી પર નરેન્દ્ર મોદીજ બેસવાના છે. તેમાં પણ બે મત નથી. ભાજપાને સત્તા ઉપર બેસતા કોઇ રોકી શકશે નહિં.
તેમણે વધુમાં જણાવ્યું કે, મારી વાઘોડીયામાં રહેતા સૌ ભાઇઓ, બહેનો વડીલોને વિનંતી કરું છું. કે બધાજ બુથની અંદર કમળના નિશાન નીકળે. જો કમળના નિશાન નહિં નીકળે., તો કાન ખોલીને સાંભળી લેજો ગેરકાયદેસર રહેતા લોકો ઠેકાણે પાડી દઇશ. હું લડતો નથી. દાદાગીરી કરીને કહું છું. તમોને વર્ષોથી પાલવી રહ્યા છે. તમોને પાણી, ડ્રેનેજ, લાઇટ વિગેરેની સુવિધા પૂરી પાડી રહ્યા છે. તમે વેરો પણ ભરતા નથી.
વાઘોડિયામાં શનિવારે યોજાયેલી જાહેર સભામાં વાઘોડિયાના ભાજપાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ગેરકાયદેસર વાઘોડિયામાં રહેતા લોકોને કમળને મત આપવા માટે આપેલી ધમકીનો વિડીયો વાયરલ થયો છે. વાયરલ થયેલા વિડિયોથી લોકોમાં ભાજપા સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. નોંધનીય છે કે, મધુ શ્રીવાસ્તવે પણ વડોદરા લોકસભા બેઠક ઉપર ચૂંટણી લડવા માટે ટિકીટ માંગી હતી. પરંતુ, ભાજપા દ્વારા રીપીટ થીયરી અપનાવીને રંજનબહેન ભટ્ટને ટિકીટ આપી છે.
[…] વાંચોઃ કમળને મત નહીં આપો તો ઠેકાણે પાડ… […]