વડોદરા,મિ.રિપોર્ટર, ૩૧મી જાન્યુઆરી.
વડોદરાના ખાનપુર-સેવાસી અને ભીમપુરા સહીત વિવિધ વિસ્તારોમાં અડધો ડઝન લક્ઝુરીયસ બંગલો અને ફ્લેટની સ્કીમ મુકનાર તેમજ શહેરમાં પ્રોડક્ટિવિટી રોડ પર આવેલા જાણીતા બિલ્ડર ગ્રુપ વૈભવ કોર્પોરેશનની ઓફિસ અને સાઇટ પર વડોદરા ઇન્કમટેક્ષ વિભાગે ચારથી વધુ જગ્યા પર દરોડા પાડ્યા છે. હાલ બિલ્ડરની ઓફિસમાં આવકવેરા વિભાગ દ્વારા દસ્તાવેજો અને એકાઉન્ટની સઘન ચકાસણી ચાલી રહી છે. ઇન્કમટેક્ષના દરોડાના પગલે શહેરના અન્ય બિલ્ડર ગ્રુપમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
રાજ્યમાં આવકવેરા વિભાગે આવકવેરાનો નિર્ધારિત લક્ષ્યાંક પૂર્ણ કરવા અને કરચોરોને ઝડપવા માટે સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયના પગલે વડોદરા ઇન્કમટેક્ષ વિભાગે વહેલી સવારથી જ શહેરમાં પ્રોડક્ટિવિટી રોડ પર આવેલા જાણીતા બિલ્ડર ગ્રુપ વૈભવ કોર્પોરેશનની ઓફિસ અને સાઇટ પર દરોડા પાડીને હિસાબી ચોપડા, કમ્પ્યુટર રેકર્ડ, જમીન રોકાણના દસ્તાવેજ, સાઈટો પર થયેલા બુકિંગના હિસાબો સહીતના દસ્તાવેજ અને ચોપડાની સઘન ચકાસણી હાથ ધરી છે. જેમાં ૬ જેટલા અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. અધિકારીઓની પ્રાથમિક તપાસમાં કરોડોના બેનામી દસ્તાવેજ અને કાગળિયા હાથ લાગ્યા છે. આ શંકાસ્પદ દસ્તાવેજને જોતા બિલ્ડર ગ્રુપ વૈભવ કોર્પોરેશનના માલિકો અને પાર્ટનરને ત્યાંથી કરોડો રૂપિયાની બેનામી આવક તથા કાળુંનાણું બહાર આવે તેવી સંભાવના સેવાઈ રહી છે.
બિલ્ડર ગ્રુપ વૈભવ કોર્પોરેશનની ઓફિસ અને સાઇટ પર આઈટીના પડેલા દરોડાને પગલે શહેરના અન્ય બિલ્ડરો, જવેલર્સ અને મોટા કોન્ટ્રકટરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.