LRD પેપર લીક : VMCનો કર્મી યશપાલસિંહ દિલ્હીથી 5 લાખમાં લાવ્યો, ભાજપના બે કાર્યકરો પેપર ફોડ્યું, પક્ષમાંથી સસ્પેન્ડ

મિ.રિપોર્ટર, ૩જી ડીસેમ્બર.

ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળ ( LRD) ની ભરતીની પરીક્ષાના પેપર લીક મામલે અનેક ઘટસ્ફોટ થયા છે. સમગ્ર પ્રકરણમાં ભાજપના બે કાર્યકતાની સીધી જ સંડોવણી બહાર આવતાં જ કોંગ્રેસે ગુજરાત સરકાર અને ભાજપ પર  શાબ્દિક પ્રહારો કરીને વિરોધ પ્રદર્શન શરુ  દીધા છે. જેને પગલે સમગ્ર રાજ્ય અને દેશના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. તો બીજીબાજુ  ગુજરાત પોલીસે એક પીએસઆઈ સહિત પાંચ લોકો સામે છેતરપિંડી સહિતનો ગુનોને તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ મુકેશ ચૌધરી અને મનહર પટેલને ભાજપમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા. 

ગુજરાત પોલીસની પ્રાથમિક તપાસમાં પેપર લીક પ્રકરણમાં  લુણાવાડાના રહેવાસી અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ( VMC) માં સેનેટરી વિભાગમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતાં યશપાલસિંહ સોલંકીની સંડોવણી છે અને તેણે જ આ પેપર લીક કર્યું હતું. યશપાલસિંહ દિલ્હીથી તેના કોન્ટેક્ટથી  પેપરના જવાબો તે લઈને આવ્યો હતો. આ પેપર તેણે 1 ડિસેમ્બરે ફ્લાઈટમાં વડોદરા આવી મનહર પટેલને રૂ. પાંચ લાખમાં વેચ્યું હતું. ગાંધીનગર પોલીસે આ મામલે વાયરલેસ પીએસઆઈ પી.વી.પટેલ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

તપાસ દરમિયાન બહાર આવ્યું કે, ગાંધીનગરમાં આવેલી શ્રીરામ હોસ્ટેલની રેક્ટર અને પરીક્ષાની ઉમેદવાર રૂપલ શર્માએ ગાંધીનગરમાં પોલીસ રિક્રૂટમેન્ટ બોર્ડના વાયરલેસ પીએસઆઈ ભરત બોરાણાને પરીક્ષાના જવાબ સાથેની એક ચિટ આપી હતી. આ મામલે ભરત બોરાણાએ ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયને ચિટ મોકલી હતી. વિકાસ સહાયે તપાસ કરતા આ જવાબ સાચા હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ રૂપલ શર્માની ગાંધીનગર પોલીસે અટકાયત કરી પૂછપરછ કરતાં વાયરલેસ પીએસઆઈ પી.વી.પટેલ, બનાસકાંઠાના ઈડરાણાના રહેવાસી મુકેશ ચૌધરીને તેઓ ગાંધીનગરમાં મળ્યા હતા. પરીક્ષાની વહેલી સવારે જયેશ નામની વ્યક્તિ અરવલ્લીના મનહર પટેલ નામની વ્યક્તિના કહેવાથી જવાબ આપવા માટે આવ્યો હતો. મનહર પટેલની ગાંધીનગર પોલીસે અટકાયત કરી પૂછપરછ કરતા લુણાવાડાના રહેવાસી યશપાલસિંહ સોલંકી નામના યુવકે તેને આ જવાબો આપ્યા હતાં. પાંચ લાખ રૂપિયામાં આ પેપર આપવાનું તેને કહ્યું હતું. વાયરલેસ પીએસઆઈ પી.વી પટેલ પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર પર ડ્યૂટી પર હતા. તેઓને બાયોમેટ્રિક સિસ્ટમ વેરિફિકેશન માટેની ડ્યૂટી અપાઈ હતી.

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ મુકેશ ચૌધરી અને મનહર પટેલને ભાજપમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા

લોક રક્ષક દળની પરીક્ષાના પેપર લીક કેસમાં વાયરલેસ પીએસઆઈ પી.વી. પટેલની ધરપકડ સાથે જ ભાજપ અને પોલીસની મિલિભગત સામે આવી છે. બાયડ નગરપાલિકામાં ભાજપમાંથી ચૂંટણી લડી ચૂકેલા મનહર પટેલ અને ભાજપમાંથી ચૂંટાયેલા વડગામ તાલુકા પંચાયતના સભ્ય મુકેશ ચૌધરીના નામ બહાર આવ્યા છે. જેને પગલે પોલીસે મુકેશ ચૌધરીની ધરપકડ કરી લીધી છે. આ ઘટના બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ મુકેશ ચૌધરી અને મનહર પટેલને ભાજપમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ટાટની પરીક્ષામાં મનહર પટેલનું નામ ઉછળ્યું હતું.