વડોદરા, મિ.રિપોર્ટર, ૬ ઠ્ઠી જાન્યુઆરી.
લોકરક્ષક ભરતી માટે આજે અન્ય શહેરોની સાથે વડોદરામાં પણ લેવાયેલી પરીક્ષામાં હજારો ઉમેદવારો પરીક્ષા આપવા ઉમટી પડ્યા હતા. એમાય મેરાથોન ને પગલે રીક્ષા ચાલકોએ મન ફાવે તેવા ભાવ માંગતા અને બીજી બાજુ બસ ના અમુક રૂટ બંધ થતા પરીક્ષાર્થીઓ એ હોબાળો મચાવ્યો હતો. અગવડતા વચ્ચે પરીક્ષા આપીને વર્ગખંડમાંથી બહાર આવેલા સંખ્યાબંધ ઉમેદવારોએ ગણિતના પ્રશ્નો વધારે પૂછવામાં આવ્યા હોવાના કારણે પેપર સોલ્વ કરવા માટે સમય ખૂટ્યો હોવાનુ મંતવ્ય વ્યક્ત કર્યુ હતુ.
લોક રક્ષક દળ ની પરીક્ષા નું આયોજન સમગ્ર ગુજરાત માં કરવામાં આવ્યું છે અને ખુબજ મોટી વાતો અને આયોજન ના બણગા ફુકવામાં આવ્યા હતા પરંતુ વડોદરા ખાતે કઈક અલગ જ દ્રશ્યો સામે આવ્યા હતા.રાત્રીના બે વાગ્યા થી અમદાવાદ સહીત ના સ્થળોએ થી હજારો પરીક્ષાર્થીઓ રેલ્વે સ્ટેશન અને એસટી ડેપો ખાતે પહોચી ગયા હતા.પરંતુ શહેરી વિસ્તારના કેન્દ્રો સુધી જવા માટે તેઓ વિટકોસ બસ સ્ટેન્ડ પહોચ્યા ત્યાં કોઈ સુવિધા ન હતી.ઉપરથી મેરાથોન ના આયોજન ને કારણે મેરાથોન ના રૂટ ને પગલે અને મુખ્ય મંત્રી આવવાના હોવાથી ચુસ્ત બંદોબસ્ત ના ભાગરૂપે રૂટ બંધ કરાતા બસ સંચાલકો પણ અટવાયા હતા જેના કારણે બસ ઉપાડવામાં આવી ન હતી.પરીક્ષાર્થીઓ ધ્વારા રીક્ષા માં જવાનો પ્રયાસ કરાતા રીક્ષા ચાલકોએ ૫ થી ૭ કિલોમીટર ના ૩૦૦ થી ૪૦૦ રૂપિયા માંગતા ગરીબ પરીક્ષાર્થીઓ અટવાયા હતા અને હોબાળો મચાવ્યો હતો. બીજી તરફ વિટકોસ બસ સંચાલકો સાથે વાત કરતા તેઓએ મેરાથોન ને પગલે અને મુખ્યમંત્રી ના બંદોબસ્ત ને પગલે અમુક રૂટ બંધ હોવાથી પોતે લાચાર હોવાનું જણાવ્યું હતું.
આ વિવાદ અને અગવડતા વચ્ચે યોજાયેલી પરીક્ષામાં પરીક્ષાર્થીઓને ગણિતના પ્રશ્નોએ હેરાન કર્યા હતા. પેપરમાં પૂછાયેલા 100 પ્રશ્નોમાં લગભગ 31 માર્કના પ્રશ્નો ગણિતના હતા.અગાઉના પેપરમાં ગણિતને લગતા પ્રશ્નો માંડ 10 થી 15 માર્કના હતા. આ વખતે આ પ્રશ્નો લગભગ ડબલ હોવાથી ઉમેદવારોને સાચો જવાબ શોધવા ગણતરીઓ કરવી પડી હતી. પરીક્ષા આપવા માટે આવેલા રોનક પટેલ નામના વિદ્યાર્થીનુ કહેવુ હતુ કે પેપરમાં નેગેટિવ માર્કિંગ પણ હોવાથી ખોટા જવાબ લખાઈ ના જાય તેનુ પણ ધ્યાન રાખવાનુ હતુ. જેના કારણે ગણિતના પશ્નોની ગણતરીએ વધારે સમય લીધો હતો. ઘણાને સમય ઓછો પડ્યો હતો.જોકે એ સિવાયના પ્રશ્નો સરળ હતા.
સ્ટેચ્યુ ઓફ યુનિટને લગતો સવાલ પેપરમાં પૂછાયો
કેવડિયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સરકારે ભરપૂર પ્રચાર પ્રસાર કર્યો છે ત્યારે આજે લોકરક્ષકની પરીક્ષાના પેપરમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટને લગતો પ્રશ્ન પૂછાયો હતો. પેપરમાં પૂછવામાં આવ્યુ હતુ કે સ્ટેચ્યુ ઓફ યુનિટની ઉંચાઈ કેટલી છે.