લોકસભા ચુંટણી : દેશના PM રાહુલ ગાંધી બનશે, તો આ ‘ચાવાળો’ ફ્રીમાં પીવડાવશે ચા…ક્યાંનો છે ? જાણો…

અમદાવાદ-રાજનીતિ, મિ.રિપોર્ટર, ૨૨મી મે.

લોકસભાની ચુંટણી બાદ હવે ૨૩મીએ જાહેર થનારા તેના પરિણામ પર સૌ કોઈની નજર છે. હાલમાં દેશમાં એક જ ચર્ચા ચાલી રહી છે, કોને સૌથી વધુ બેઠકો મળશે ? કોની કેન્દ્રમાં સરકાર બનશે ? કોણ વડાપ્રધાન બનશે તે મામલે સટ્ટાબજાર પણ ગરમ છે ત્યારે સપોર્ટર્સ પણ જોશમાં છે. અમદાવાદમાં એક ચા વાળો પોતાની અનોખી જાહેરાતના કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં MBA ચાયવાલા ફેમસ કાફે છે. 22 વર્ષના MBA ડ્રોપઆઉટ કાફેના ઓનર પ્રફુલ બિલ્લોરે જાહેરાત કરી છે કે જો 23મી તારીખે ચૂંટણી પરિણામ કોંગ્રેસ તરફી આવ્યા અને રાહુલ ગાંધી વડાપ્રધાન બન્યા તો તે કાફેમાં આવતાં દરેક વ્યક્તિને પોતાના તરફથી ચા તદ્દન ફ્રીમાં પીવડાવશે.

MBA ચાયવાલા પ્રફુલ બિલ્લોરે એ જણાવ્યું હતું કે,’ મને ક્યાંક ને ક્યાંક રાજનીતિમાં આવવાની ઈચ્છા છે. હું કોઈ પાર્ટીને સપોર્ટ કરતો નથી. દેશની રાજીનીતીમાં ગણ્યાગાંઠ્યા જ ચહેરા જોવા મળે છે. દેશની સેવા કરવા માટે યુવાનો આગળ આવે તેવું હું ઈચ્છું છુ.  જો દેશના વડાપ્રધાન રાહુલ ગાંધી બનશે તો હું  બધાને ચા પીવડાવવા ઈચ્છું છું.’