અમદાવાદ, મિ.રિપોર્ટર, ૫મી જાન્યુઆરી
દેશ-વિદેશમાં ‘ચાર બંગડીવાળી ગાડી’ના ગીતથી ફેમસ બનેલી કિંજલ દવે માટે માઠા સમાચાર છે. ગાયિકા કિંજલ દવે ને કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા કલાકારના દાવા બાદ અમદાવાદની કોમર્શિયલ કોર્ટે કોઈપણ કોમર્શિયલ પ્રોગ્રામમાં 22 જાન્યુઆરી સુધી આ સોંગ ન ગાવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં, આ સોંગને યુટ્યૂબ તેમજ સોશિયલ મીડિયા પરથી હટાવી લેવા પણ કોર્ટે આદેશ આપ્યો છે.
વાત એમ છે કે, ઓસ્ટ્રેલિયામાં કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા એક ગુજરાતી કલાકારે દાવો કર્યો છે કે, આ સોંગ તેણે લખ્યું તેમજ ગાયું છે. જોકે, કિંજલ દવેએ તેમાં થોડા ફેરફાર કરી આ સોંગને પોતાના નામે ચઢાવી દીધું છે. તેણે આ સોંગ બનાવીને 2016માં તેને યુટ્યૂબ પર અપલોડ કર્યું હતું. આ ગીતે કિંજલ દવેને ખૂબ જ લોકચાહના અપાવી છે, પરંતુ તેને તેના માટે કોઈ ક્રેડિટ મળી જ નથી. તો બીજીબાજુ સમગ્ર બાબત કોર્ટમાં પહોચતાં, કોર્ટે કિંજલ દવે પર આ સોંગ ગાવા પર 22 જાન્યુઆરી સુધી વચગાળાનો પ્રતિબંધ ફરમાવાયો છે. કોર્ટ પોતાના અંતિમ નિર્ણયમાં નક્કી કરશે કે આ સોંગ કિંજલ ભવિષ્યમાં ગાઈ શકશે કે નહીં. કોપી રાઈટના ભંગમાં કોઈ કલાકારને ચોક્કસ ગીત ન ગાવાનો કોર્ટે ઓર્ડર આપ્યો હોય તેવો દેશમાં આ પહેલો કિસ્સો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દરેક પ્રોગ્રામમાં ગાયિકા કિંજલ દવે ‘ચાર બંગડીવાળી ગાડી’ વાળું સોંગ અચૂક ગાતી હોય છે. એટલું જ નહીં, લગ્ન-પ્રસંગોમાં પણ ડીજેવાળા આ સોંગ વગાડતા હોય છે. આ સોગને કારણે જ કિંજલ દવે રાતોરાત વિખ્યાત બની ગઈ હતી.