વડોદરા ના કિન્નરે કોના ત્રાસથી ગળેફાંસો ખાઈ લીધો ?

Spread the love

બરાનપુરાના કિન્નોરાના ત્રાસથી છેલ્લા બે વર્ષમાં 4 કિન્નરોનો આપઘાતનો આક્ષેપ

વડોદરા, મી.રિપોર્ટર, ૨૯મી મે

શહેરના કિશનવાડી વુડાના મકાનમાં રહેતા આકાશ ઉર્ફ આરતી નામની કિન્નરે રાત્રિ દરમિયાન ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી. સાથી કિન્નરોએ આક્ષેપ કર્યો છે કે, બરાનપુરાના કિન્નરોના ત્રાસથી આરતીએ આપઘાત કરી લીધો છે.

કિશનવાડીમાં વુડાના મકાનમાં બ્લોક નંબર-22, રૂમ નંબર-18માં રહેતા આકાશ ઉર્ફ આરતીકુંવરબા જયંતિભાઇ (ઉં.વ.19) નામની કિન્નરે ગત રાત્રિ દરમિયાન પોતાના ઘરમાં પંખા સાથે ઓઢણીથી ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી. આ કિન્નર લોકોના ઘરે માંગીને પોતાનું ગુજરાન ચલાવતી હતી.

કિન્નર અગ્રણી જોયાકુંવરે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આકાશ ઉર્ફ આરતીકુંવરે બરાનપુરા કિન્નર સમાજના કિન્નરોના ત્રાસથી આપઘાત કરી લીધો છે. આકાશ ઉર્ફ આરતીકુંવર સહિત અમો કિન્નરો પહેલાં બરાનપુરાના હિસ્સો હતા. બે વર્ષથી અમો બરાનપુરા કિન્નર સમાજમાંથી અલગ થઇ ગયા છે. અને અમો અમારી રીતે વસ્તીમાં ફરીને ઉઘરાણાં કરી ગુજરાન ચલાવીએ છે. બરાનપુરા કિન્નર સમાજના કિન્નરોએ અમોને કહ્યું હતું કે, અમારી સાથે રહેશો તોજ તમો વડોદરામાં ફરી શકો છો. પરંતુ, અમો અલગથી અમારી રીતે વડોદરામાં ફરીને ભેટ સ્વિકારીને ગુજરાન ચલાવીએ છે. આ બાબત બરાનપુરાના કિન્નર સમાજને પસંદ ન પડતા, તેઓ અમો અલગ થયેલા કિન્નરોને વડોદરામાં ન ફરવા માટે ધમકી આપે છે.

કિન્નર જોયાકુંવરે વધુમાં જણાવ્યું હતું કે, બરાનપુરા કિન્નર સમાજ દ્વારા અવાર-નવાર આપવામાં આવતી ધમકીઓ અને સતત ટોર્ચરીંગના કારણેજ આકાશ ઉર્ફ આરતીકુંવરે આપઘાત કર્યો છે. અગાઉ મોનાકુંવર, મુન્નીકુંવર અને ગોત્રીના મનિષાકુંવરે પણ બરાનપુરા કિન્નર સમાજના ત્રાસથીજ આપઘાત કરી લીધો છે.

કિશનવાડી વુડાના મકાનમાં રહેતા આકાશ ઉર્ફ આરતીકુંવરે કરેલા આપઘાત અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.