ઘરમાંથી કકળાટ-કંકાસને કાઢવાનો અવસર એટલે કાળી ચૌદશ : કાળી ચૌદશ પર્વે કયા મંત્રનો જાપ કરવો ?

Spread the love

અઘોરી પંથના ઉપાસકો મંત્ર સિદ્ધિઓ માટે મધરાતે સ્મશાનમાં તાંત્રિક વિધિ કરશે :  હનુમાન મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના-આરતી યોજાશે 

મિ.રિપોર્ટર, ૬ ઠ્ઠી નવેમ્બર, દિવ્યકાંત ભટ્ટ.

દિવાળી પર્વનો રવિવારે વાઘ(વાક્)બારસથી પ્રારંભ થયા બાદ સોમવારે ધન તેરસના પર્વે લક્ષ્મીજીનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું. ત્યારબાદ આજે મંગળવારે દિવાળી પર્વના ત્રીજા દિવસ એટલે કે, કાળી ચૌદશ-નરક ચર્તુદશી-રૂપ ચૌદશની પરંપરાગત રીતે ઉજવણી કરાશે. આ કાળી ચૌદશનું પર્વ ઘરમાંથી કકળાટ-કંકાસ કાઢવાના અવસર તરીકે પ્રચલિત છે.

હિંદુ સંસ્કૃતિમાં કાલરાત્રિ, મહારાત્રિ અને મોહરાત્રિ એ ત્રણ રાત્રિનું મહત્વ છે. કાલરાત્રિ એટલે કાળી ચૌદશ, મહારાત્રિ એટલે મહાશિવરાત્રી અને મોહરાત્રિ એટલે જન્માષ્ટમી.-દિવાળીના પંચોત્સવનો ત્રીજો દિવસ કાળી ચૌદશ તરીકે ઉજવવામાં આવે છે. મેલી સાધનાના સાધકો, તાંત્રિકો, ઉપાસકોની સાઘના માટે આ શ્રેષ્ઠ દિવસ મનાય છે. આ દિવસે મહાકાલી, હનુમાનજી, ભૈરવ સહિતના ઉગ્ર દેવોની ઉપાસના કરવામાં આવે છે. 

વૈષ્ણવ સંપ્રદાયના મત અનુસાર આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો તેથી આ દિવસ નરકચતુર્દશી તરીકે અને શક્તિ સંપ્રદાયમાં કાલી માતાની ઉપાસના અનુષ્ઠાન કરવાનું હોવાથી કાલી ચતુદર્શી કહેવાય છે. યમપાશના બંધનમાંથી મુક્ત થવા આંગણામાં તેલ દીપ પ્રગટાવી યમપૂજા થાય છે. આ દિવસે આંખમાં મેશ આંજવાનો પણ મહિમા છે. એથી જ કહેવાય છે કે ‘કાળીચૌદશના આંજ્યા, કદી ન જાય ગાંજ્યાં…’ અઘોરી પંથના પ્રેતાત્માઓના સ્વામી શિવ છે તેથી આ દિવસે શિવ માહાત્મ્ય પણ ઘણું છે.
કાલરાત્રિ-કાળી ચૌદશનું પર્વ તાંત્રિકો માટે જ નહિ સાત્વિક ઉપાસકો માટે પણ શ્રેષ્ઠ છે.

કાળી ચૌદશ-અમાસની અંધારી રાત્રિએ સ્મશાનમાં જઇને તાંત્રિકો મંત્ર સિદ્ધિ કરે છે. સાત્વિક ઉપાસકો ઇષ્ટદેવના સ્મરણ-પૂજન દ્વારા મંત્ર સાધના કરે છે. ઘરને શાંત અને સુખી બનાવવાનો, ઘરમાંથી કાળ કાઢવાનો અવસર એટલે કાળી ચૌદશ. તંત્ર વિદ્યામાં વિશ્વાસ ધરાવતાં શ્રધ્ધાળુઓ ઘરમાંથી કકળાટ, ગુસ્સો, ખરાબ તત્વોનો નાશ કરવા ચાર રસ્તા પર વડા, ખીર વગેરે વસ્તુ મૂકીને કાંઈ પણ બોલ્યા વિના કે તેની સામે જોયાં વિના પાછા ફરે છે.

આ દિવસે શુભ સાધના કરવાથી તમામ અનિષ્ટો, રૂકાવટોથી છૂટકારો મળતો હોવાની ધાર્મિક માન્યતા છે. તાંત્રિકો ખાસ કરીને હનુમાનજી, ચામુંડા માતા, મેલડી માતા, ભૈરવનાથ અને ઘંટાકર્ણ મહાવીરના જાપ કરે છે. આ ઉપરાંત હનુમાનજી મંદિરે તેલ, કાળા અડદ અને સિંદૂર ચઢાવવાનું મહાત્મ્ય રહેલું છે.  

કાળી ચૌદશે ઘરના પ્રવેશદ્વારની ઉપર સિંદૂરનું તિલક કરવાનો મહિમા 
કાળીચૌદશે ભાવિક ભક્તો હનુમાનજી મંદિરે જઇ તેલ-સિંદૂર-કાળા અડદથી હનુમાન દાદાનું પૂજન-અર્ચન કરે છે. એટલું જ નહીં હનુમાનજીના ચરણ પર લગાવેલું સિંદૂર લાવી આ સિંદૂરના પાંચ ચાંલ્લા ઘરના પ્રવેશ દ્વારની બારશાખ પર કરવાનો મહિમા છે. આ વિધિ પાછળ હનુમાનજી ઘરનું રક્ષણ કરતા હોવાની લોકવાયકા છે.

દક્ષિણ ગુજરાતમાં દિવાળીની રાત્રિએ અડઘો-બડઘો કાઢવાની પ્રથા 
આજે કાળી ચૌદશ અને આવતી કાલે દિવાળી, વર્ષનો છેલ્લો દિવસ. દક્ષિણ ગુજરાતમાં વર્ષની છેલ્લી સાંજે-રાત્રે ઘરમાંથી ‘અડઘો બડઘો’ કાઢવાની પ્રથા છે. ગુજરાતમાં અન્ય જગ્યાએ પણ કકળાટ કાઢવામાં આવે છે. જોકે અન્ય સ્થળોએ કકળાટ કાળી ચૌદશને દિવસે કાઢવામાં આવે છે. મહારાષ્ટ્રના ગામડાઓમાં કાળી ચૌદશને દિવસે સવારે દૂધ-પૌઆ અને સાકર-સેવ ખાઈને આ ઉત્સવ ઉજવવામાં આવે છે. દક્ષિણ ગુજરાતની કેટલીક જ્ઞાતિઓ કકળાટ અથવા ‘અડઘો બડઘો’ દિવાળીના દિવસે કાઢે છે. ઘરનું જૂનું માટલું ગામની ભાગોળે અથવા ચોતરે મૂકે છે. આ પ્રથા પાછળનો આશય વર્ષના છેલ્લા દિવસે આપણા ઘરની ગંદકી, ઘરના ક્લેશ, અશાંતિ તેમજ શરીરના વિકારોને ગામના ચોતરે તિલાંજલિ આપીને બીજા દિવસે નવા સંકલ્પો કરવાનો છે. દિવાળીની સાંજે ઘરની સ્ત્રીઓ ઘરના જૂના માટલાની અંદર એક લાકડી ઠોકતી ઠોકતી આખા ઘરમાં ફરતી ફરતી અડઘો જાય, બડઘો જાય, તાવ જાય તરિયો જાય…’ એમ બોલે છે.

કાળી ચૌદશ પર્વે કયા મંત્રનો જાપ કરવો ? 
કાળી ચૌદશની સાંજે-સંધ્યા કાળે 4 વાટવાળો માટીનો દીવો પ્રગટાવીને પૂર્વ દિશા તરફ મુખ રાખીને ઘરના મુખ્ય દ્વાર પાસે મૂકવો. ત્યારબાદ નવાં પીળાં કપડાં પહેરીને નીચે જણાવાયેલા મંત્રનો જાપ કરવાથી જીવનમાં આવતા તમામ અનિષ્ટ તત્ત્વો-કષ્ટોનું નિવારણ થાય છે.

                 મંત્ર :      દત્તો દીપ: ચતુર્દશ્યો નરક પ્રિતયે મયા 
                            ચર્તુર્વિર્તિ સમાયુક્ત : સર્વ પાપાન્વિમુક્તયે