મિ. રિપોર્ટર, ૧૫મી નવેમ્બર.
વડોદરા સહિત દેશમાં કેમિકલ મેન્યુફેક્ચરિંગ યુનિટ ધરાવતી દિપક નાઈટ્રેટ અને તેની ત્રણ કંપની પર આઈટીના દરોડા પડ્યા છે. દિપક નાઈટ્રેટ અને તેની ત્રણ કંપનીની કોર્પોરેટ ઓફિસ, માલિકો અને ડાયરેક્ટરના રહેઠાણ તથા ફાર્મ હાઉસ, ગેસ્ટ હાઉસ સહિત ૮થી વધુ સ્થળોએ તપાસની કામગીરી ધરી છે. જેને લઈને શહેરના અન્ય ઉદ્યોગપતિઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
શહેરના છાણી વિસ્તારમાં કોર્પોરેટ ઓફીસ ધરાવતા દિપક નાઈટ્રેટ કંપની, દીપક ફીનોલીક્સ અને દીપક નોવાકેમ ટેકનોલોજીન જેવી ત્રણ કંપનીઓની ગુજરાત, મુંબઈ- પુના અને હૈદરાબાદમાં આવેલી કોર્પોરેટ ઓફિસ, કંપની અને નંદેસરી, મહારાષ્ટ્રના રાયગઢના રોહા, તલોજા તથા હૈદરાબાદમાં આવેલા ત્રણ મેન્યુફેક્ચરિંગ સહિત કુલ ૮ જગ્યા પર મુંબઈ આઈટીની ટીમે દરોડા પાડીને હિસાબી ચોપડા, કમ્પ્યુટર રેકર્ડ, જમીનના દસ્તાવેજ સહિતના ડોકયુમેન્ટની સઘન ચકાસણી શરૂ કરી છે. મુંબઈ આઈટીની ટીમે વડોદરા સહિત હૈદરાબાદ અને મુંબઈ- પુના ખાતે પણ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં કંપનીના કરોડોના બેનામી વ્યવહારો ઝડપાયા હોવાની વિગતો ચર્ચાઈ રહી છે.