રેલવે યાત્રીઓને માત્ર 8 મિનિટમાં ફ્રેશ પિઝા સર્વ કરશે IRCTC

Spread the love

 

મિ.રિપોર્ટર,  ૭મી નવેમ્બર

IRCTCએ સોમવારે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર નવું પિઝા વેન્ડિંગ મશીન શરૂ કર્યું છે. આ ખાસ મશીન યાત્રીઓને માત્ર 8 મિનિટમાં ફ્રેશ પિઝા સર્વ કરશે. રેલવેએ આ પ્રોજેક્ટની શરૂઆત હાલ વેસ્ટ ઝોનથી કરી છે અને જો આ પ્રયોગ સફળ થશે તો આવા પિઝાના મશીનો અન્ય સ્ટેશનો પર પણ મૂકવામાં આવશે. ભારતીય રેલવેના ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)એ આ પગલું ભર્યું છે.

આ સિવાય મુંબઈ સેન્ટ્રલમાં બનેલા વેન્ડિંગ કાફેટેરિયામાં પિઝા મશીન સિવાય ફ્રેશ જ્યૂસ મશીન અને ફૂડ વેન્ડિંગ મશીન પણ લગાવવામાં આવ્યા છે. ફૂડ વેન્ડિંગ મશીન દ્વારા દાળ ખીચડીથી લઈને બિરયાની સુધી લગભગ તમામ વ્યંજન યાત્રીઓને પીરસવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આવું પ્રથમ વખત હશે કે જ્યારે ગ્રાહકની સામે જ શરૂથી અંત સુધી પિઝા બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયાનું પ્રદર્શન મશીન દ્વારા થશે.

8 મિનિટમાં જ તૈયાર થતા આ પિઝા માટે કેશ, ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડથી ટ્રાન્ઝેક્શન કરી શકાશે. મોટી સાઈઝના થિન ક્રસ્ટ પિઝા માટે 250 રૂપિયાની કિમ્મત રાખવામાં આવી છે. આ સિવાય આ મશીનમાંથી ફ્રેન્ચ ફ્રાઈઝ, દાળ ખીચડી, પાઉં ભાજી અને જૈન પંજાબી પ્લેટ વગેરે મળશે. આ મશીનમાંથી એક વખત ફૂડ તૈયાર થઈ ગયા બાદ રોબોટિક મશીનના હાથ ગ્રાહકને ગરમાગરમ ફૂડ પીરસશે.